તેલુગુદેશમ્ પક્ષ

March, 2016

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા લાગી. આંધ્રને થતા રાજકીય આર્થિક અન્યાયોને દૂર કરવા અને આંધ્રના લોકોના ગૌરવનું પુન:સ્થાપન કરવાના ખ્યાલ સાથે નંદામુરિ તારાકા રામરાવે 21, માર્ચ, 1982ના રોજ તેલુગુદેશમ્ નામના પક્ષની સ્થાપના કરી. પાડોશી રાજ્ય તમિળનાડુના ફિલ્મી કલાકાર મુખ્યમંત્રી એમ. જી. રામચંદ્રનની શૈલીને અનુસરતા એન. ટી. રામારાવે આંધ્રમાં, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને રાયલસીમામાં, ભારે રાજકીય પડકાર ઊભો કર્યો. 300 કરતાં વધારે ફિલ્મોમાં ધાર્મિક ભૂમિકાઓ અદા કરનાર એન. ટી. રામારાવ તેલુગુ લોકોના માનસ પર તેમને થયેલ કહેવાતા અન્યાય અને શોષણ અંગેની છાપ ઉપસાવવામાં સફળ રહ્યા. રામક્રિશ્ન સિને સ્ટુડિયો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચૈતન્ય રથ પર સવાર થઈને  એન. ટી. રામારાવે નવ માસ સુધી સમગ્ર આંધ્રમાં રાજકીય ઝુંબેશ ચલાવી. 35,000 કિમી.ના આ પ્રવાસ દરમિયાન એન. ટી. રામારાવની પ્રાદેશિક અસ્મિતા-ગૌરવ અંગેની અપીલ આશરે 3 કરોડ લોકો સુધી પહોંચી. રાજ્યસરકારની ત્રુટિઓ પર પ્રકાશ ફેંક્યો. બંધારણ અનુસાર કેન્દ્રસરકાર હસ્તક માત્ર સંરક્ષણ, વિદેશી, રેલવે તથા નાણાં-વિષયક બાબતો રહેવી જોઈએ તથા બાકીની તમામ સત્તા રાજ્યોને સોંપવી જોઈએ એવી માંગણી દ્વારા તેલુગુદેશમ્ પક્ષે પ્રાદેશિક કક્ષાએ પ્રવર્તતા અસંતોષની સાથે પરિવર્તનની માંગને વાચા આપી.

તેલુગુદેશમ્ પક્ષના સ્થાપક નંદામુરિ રામારાવ

તેલુગુદેશમના મોટાભાગના સભ્યો એન. ટી. રામારાવના મોહક વ્યક્તિત્વથી આકર્ષાઈને તેમાં જોડાયા હતા. તેના મોટાભાગના નેતાઓ અગાઉ જાહેર હોદ્દાઓ પર રહી ચૂક્યા હતા. આમ છતાં, શરૂઆતમાં તેલુગુદેશમ્ એક પક્ષ તરીકે અવિકસિત પક્ષ હતો. તેમાં જોડાયેલ લોકોમાં આદર્શવાદીઓ, રાજકીય નવોદિતો અથવા નિતાંત સત્તાકાંક્ષી લોકો હતા. વાસ્તવમાં સત્તાગ્રહણ પછી જ એન. ટી. રામારાવે તેલુગુદેશમ્ પક્ષનું બંધારણ અને માળખું ગોઠવ્યું હતું. આ એક અનન્ય ઘટના હતી. પક્ષના ઘડતરનું કાર્ય પાયાના સ્તરેથી શરૂ કરવામાં આવ્યું. ધારાસભ્યે કે ચૂંટણી માટેના સંભવિત ઉમેદવારે એક રૂપિયાના સભ્યપદવાળા 6000 સભ્યો નોંધવાના રહેતા. પક્ષના પાયાના સ્તરે ગ્રામસમિતિની રચના કરવામાં આવી. આ ગ્રામ-સમિતિના માધ્યમથી ધારાસભ્યો લોકો સાથેનો સીધો સંપર્ક જાળવી શકતા. ગ્રામસમિતિની ઉપર જિલ્લાસમિતિ આવેલી હતી. વિજયવાડા તથા વિશાખાપટ્ટનમ્ શહેરો માટે અલગ અલગ જિલ્લા-સમિતિઓની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી. જિલ્લાસમિતિની કક્ષાની ઉપર રાજ્યસ્તરની સમિતિની વ્યવસ્થા કરવામાં આવી. આ સમિતિ પક્ષનાં નીતિનિર્ધારણ અને વ્યૂહરચનાઓ નક્કી કરવાનું કાર્ય કરે છે. દર ત્રણ મહિને એક વાર તેની બેઠક અવશ્ય મળવી જોઈએ એવી જોગવાઈ બંધારણમાં છે. રાજ્યસ્તરની સમિતિની ઉપર કેન્દ્રીય પ્રતિનિધિ પરિષદ(central delegates conference)ની જોગવાઈ છે. દર બે વર્ષે મળતી તેની બેઠકમાં પક્ષની રાજ્યસ્તરની સમિતિના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે.

અન્ય પક્ષોની જેમ આ પક્ષ પણ ‘એક વ્યક્તિ એક હોદ્દા’ના સિદ્ધાંતને વરેલો છે. આમાં માત્ર એન. ટી. રામારાવને અપવાદ તરીકે રાખવામાં આવ્યા હતા, તેઓ પક્ષપ્રમુખ અને મુખ્યમંત્રીનો હોદ્દો ધરાવતા હતા.

નવેમ્બર, 1989ની આંધ્રપ્રદેશની ચૂંટણીમાં સત્તાધારી તેલુગુદેશમ્ પક્ષનો પરાજય થયો. 293 બેઠકોમાંથી તેને માત્ર 73 બેઠકો પર વિજય મળ્યો. 1989 પછી આંધ્રની વિધાનસભામાં વિરોધપક્ષની ભૂમિકા અદા કરતાં એન. ટી. રામારાવ ડિસેમ્બર, 1994માં કુલ 224 બેઠકો પ્રાપ્ત કરીને પુન: સત્તા પર આવ્યા; પરંતુ એન. ટી.રામારાવની યુવાન પત્ની શ્રીમતી લક્ષ્મી પાર્વતીનું વર્તન, પક્ષની રોજિંદી બાબતોમાં હસ્તક્ષેપ તથા સ્વતંત્ર રાજકીય ટેકેદારોનો વર્ગ શરૂ કરવાના પ્રયાસોને લીધે તેલુગુદેશમ્ પક્ષમાં ઊભી તિરાડ પડી. એન. ટી. રામારાવના જમાઈ ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વ નીચે 224 ધારાસભ્યોમાંથી 163 ધારાસભ્યોએ બળવો કર્યો તથા પોતાના પક્ષને સાચા તેલુગુદેશમ્ પક્ષ તરીકે જાહેર કર્યો. બળવાના પરિણામે 31 ઑગસ્ટ, 1995ના રોજ રામારાવે રાજીનામું આપ્યું. 1 સપ્ટેમ્બર, 1995ના રોજ ચંદ્રાબાબુ નાયડુ આંધ્રના નવા મુખ્યમંત્રી બન્યા. આંધ્ર ધારાસભાના અધ્યક્ષ વી. રામક્રિશ્ન નાયડુએ તેલુગુદેશમ્ પક્ષના નેતા તરીકે ચંદ્રાબાબુ નાયડુને માન્ય રાખ્યા. મે, 1996માં યોજવામાં આવેલી લોકસભા માટેની ચૂંટણીઓમાં આંધ્રના લોકોએ ચંદ્રાબાબુ નાયડુના તેલુગુદેશમ્ પક્ષને 16 બેઠકો પર વિજયી બનાવીને સાચા અર્થમાં  તેલુગુદેશમ્ પક્ષ એ ચંદ્રાબાબુ નાયડુની નેતાગીરીવાળો તેલુગુદેશમ્ પક્ષ છે તેની પ્રતીતિ કરાવી છે. આજે આંધ્રમાં તેલુગુદેશમ્ (ચંદ્રાબાબુ નાયડુ) તથા તેલુગુદેશમ્ (એન. ટી.આર.) – એવા બે પક્ષો જોવા મળે છે.

વાસ્તવમાં તેલુગુદેશમ્ એન.ટી.આર. પક્ષમાં નેતૃત્વના દાવેદારોના સંઘર્ષને કારણે તે પક્ષનો પ્રભાવ લગભગ ઓસરી ગયો અને 2014ની સોળમી સામાન્ય ચૂંટણીમાં સાવ ભૂંસાઈ ગયો. પરંતુ ચંદ્રાબાબુ નાયડુ રાજકીય જીવનમાં સક્રિય હોવાથી તેમનો તેલુગુ – દેશમ્ પક્ષ વાસ્તવમાં પ્રભાવક રહ્યો છે. તેઓની રાજકીય વિશેષતા એ છે કે લોકો સાથે સંઘર્ષ ન કરવો પણ રાજ્યની સમસ્યાઓ અંગે સંઘર્ષ કરી વધુ કાર્યક્ષમ સેવાઓ પૂરી પાડવી. એક પ્રાદેશિક રાજકીય પક્ષ તરીકે આ પક્ષે ‘વિઝન 2020’નો દસ્તાવેજ પ્રકાશિત કરીને પક્ષે તેની દીર્ઘર્દષ્ટિનો પરિચય કરાવ્યો છે, જેમાં આંધ્રપ્રદેશની ગરીબી લઘુતમ કક્ષાએ લઈ જવાની પક્ષ આશા રાખે છે. આ આશાઓને વાસ્તવિક બનાવવી ઘણી અઘરી છે. ચંદ્રાબાબુ નાયડુ એક પ્રગતિશીલ નેતા તરીકે ઇન્ફરમેશન ટૅકનૉલૉજી દ્વારા છેક નીચેના સ્તરના લોકો સુધી પહોંચવા અને તેમની ફરિયાદોના ઉકેલ માટે પ્રયત્નશીલ છે. આમ પ્રાદેશિક કક્ષાએ આ પ્રક્ષનો પ્રભાવ હોવા છતાં રાષ્ટ્રીય કક્ષાએ તે એકલો પ્રભાવક ન બની શકે, ભારતીય જનતા પક્ષ સાથે તે જોડાણ ધરાવે છે. આ રીતે તે રાષ્ટ્રીય લોકશાહી મોરચા (નૅશનલ ડેમૉક્રેટિક એલાયન્સ)નો હિસ્સો બની રહ્યો છે. 2014ની ચૂંટણીઓમાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના થઈ છે. જોકે શેષ રહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે તેલુગુદેશમના ચંદ્રાબાબુ નાયડુ હોદ્દા પર રહ્યા છે.

રક્ષા મ. વ્યાસ

નવનીત દવે