તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ) વપરાતાં હતાં.

તેલવાહક જહાજના ચાર પ્રકાર છે : ક્રૂડ ઑઇલ લઈ જનાર જહાજ VLCC (very large crude carrier) કે સુપરટૅન્કર તરીકે ઓળખાય છે. સૌથી મોટી 7 લાખ ટન સુધીની ટૅન્કર જાપાન બાંધે છે. 378.85 મી. લાંબાં અને 4843 77 DWT (1 ડેડવેઇટ ટન = 2240 રતલ) ધરાવતા એક જહાજને બાંધવાનો ખર્ચ 250 લાખ પાઉંડ થયો હતો. તેની ઝડપ કલાકે 26.5 કિમી. હતી. આવી ટૅન્કરો ઊંડું પાણી અને કિનારા ઉપરની  સગવડ હોય ત્યાં  મર્યાદિત બંદરોએ થોભે છે. ઈરાની અખાતના દેશોથી જાપાન અને યુરોપના દેશોમાં ક્રૂડ મોકલવા માટે આવું જહાજ વપરાય છે. સુએઝની અને પનામાની નહેરો અને મલાક્કાની સામુદ્રધુનીમાંથી તે પસાર થઈ શકતું નથી. આવાં જહાજને બાંધવાનો તથા વીમાનો ગંજાવર ખર્ચ  થાય છે. જેમ જહાજ મોટું તેમ ખર્ચ પ્રમાણમાં ઓછું રહે છે પણ સમય વધારે જાય છે.

બીજા પ્રકારનું તેલવાહક જહાજ શુદ્ધ પેટ્રોલિયમ અને તેની પેદાશો, લઈ જવા વપરાય છે. આ માટે 30,000 ટનનું જહાજ વધારે અનુકૂળ હોય છે. તે બધાં બંદરોએ થોભે છે. મોટા ભાગે તેલ કંપનીઓનાં જ આવાં જહાજો હોય છે.

ત્રીજા પ્રકારનું  જહાજ પ્રવાહી એમોનિયા અને ગૅસ, રસાયણો વગેરે લઈ જતું કૅમિકલ-કૅરિયર છે. તેનું 20,000 ટનથી મોટું કદ હોય છે.

ચોથા પ્રકારનું જહાજ બલ્ક-કૅરિયર છે. ખાતર, ખાતરનો કાચો માલ, ખાદ્ય તેલ, અનાજ, કાચી ધાતુ (ore) વગેરેની જથ્થાબંધ હેરફેર માટે વપરાય છે.

જહાજમાંની દરેક ટાંકી અલગ વિભાગ અને ચુસ્ત ઢાંકણવાળી હોય છે. તત્કાળ સળગી ઊઠે તેવા ભયજનક પદાર્થો વહન કરતા જહાજનું તળિયું અને તેનાં પડખાં બેવડાં રખાય છે. જેથી અકસ્માતના પ્રસંગે ચૂવે નહિ કે ભેળસેળ થાય નહીં. અકસ્માતના કારણે ક્રૂડ વગેરે પ્રવાહી ફેલાવાથી પ્રદૂષણને કારણે માછલીઓ, દરિયાઈ જીવો અને કાંઠા ઉપર વસતા લોકોને માઠી અસર થાય છે.

પ્રથમ તેલવાહક 3000 DWTનું જહાજ જર્મનીએ 1886માં બાંધ્યું હતું. 1920, 1939, 1947 અને 1970થી અનુક્રમે 12,000, 16,000, 27,000 અને 47,000 ટનનાં જહાજો બંધાતાં હતાં. 1978માં ત્રણ લાખ ટનથી વધુ કદનાં 50 જહાજો હતાં. યુ.એસ.એ, રશિયા, નૉર્વે, ગ્રીસ, પનામા, જાપાન, ભારત વગેરે આવાં જહાજો ધરાવે છે. કાંઠાનાં બંદરોએ તેલ વગેરેની હેરફેર માટે 2000 થી 3000 ટનનાં જહાજો વપરાય છે.

ભારતમાં વાડીનાર (જિ. જામનગર) ખાતે ત્રણ લાખ ટનની ટૅન્કરો આવી  શકે છે. વિશાખાપટ્ટનમ્ તથા એવાઈ ખાતે એક લાખ ટનની અને કંડલા, કોચ્ચી, ગોવા, તુતિકોરીન, નવા મૅંગાલુરુ તથા પારાદીપ ખાતે 30થી 50 હજાર ટનની ટૅન્કરો આવે છે. ‘શિપિંગ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા’ ટૅન્કરોનો કાફલો ધરાવે છે.

શિવપ્રસાદ રાજગોર