તુસાઁ, મારી

January, 2014

તુસાઁ, મારી (જ. 7 ડિસેમ્બર 1761, સ્ટ્રાસબર્ગ, ફ્રાન્સ; અ. 16 એપ્રિલ 1850, લંડન) : લંડન ખાતેના માદામ તુસાઁના મીણનાં પૂતળાંના પ્રખ્યાત મ્યુઝિયમનાં સ્થાપક. એક સ્વિસ સૈનિકનાં પુત્રી. શરૂઆતનું જીવન બર્નમાં અને પછી પૅરિસમાં, જ્યાં તેમના ડૉક્ટર મામા ફિલિપ કર્ટિયસ પાસેથી મીણનાં શિલ્પો બનાવવાની કળા હસ્તગત કરી. 1794માં તેમના મામાના મૃત્યુ બાદ તેમના મીણ-મ્યુઝિયમનાં તેઓ વારસ બન્યાં. 1780થી ફ્રાંસની ક્રાંતિ સુધી રાજા લૂઈ સોળમાની બહેન ઇલિઝાબેથનાં કલાશિક્ષિકા બની રહ્યાં. રાજાશાહીનાં પુરસ્કર્તા તરીકે પાછળથી તેમને કેદમાં પૂરેલાં.

માત્ર 17–18 વર્ષની વયે તેમણે ફ્રેન્ચ લેખક સર વૉલ્ટર સ્કૉટ અને અમેરિકન રાજનીતિજ્ઞ બેન્જામિન ફ્રૅન્કલિન જેવાનાં માનવકદનાં મીણનાં પૂતળાં બનાવેલાં. કેદખાનામાં પોતાનાં પરિચિત રાજારાણી અને તેમની સખી ઇલિઝાબેથનાં કપાયેલાં મસ્તક પરથી મીણનાં પૂતળાં બનાવવાની કપરી ફરજ પણ આવી પડેલી.

સમય જતાં મીણના ઢાળકામ અને વિષયને અનુરૂપ આબેહૂબ પૂરા કદનાં શિલ્પો કરવાની તેમની કળા પરાકાષ્ઠાએ પહોંચી. ચરબીની રંગછટા લાવવી, વાળ ચોંટાડવા, જીવંત આંખો જેવા કાચના ગોળા ગોઠવવા, પ્લાસ્ટર ઑવ્ પૅરિસમાંથી શરીરનાં અંગો બનાવવામાં તેમણે પ્રભુત્વ મેળવ્યું.

1795માં ઇજનેર ફ્રાન્સ્વા તુસાઁ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં, પરંતુ લગ્નજીવન સફળ ન નીવડ્યું. 1802માં તેઓ તેમના બે પુત્રો અને મીણનાં પૂતળાંના તેમના સંગ્રહ સાથે ઇંગ્લૅન્ડ આવ્યાં. બેકર સ્ટ્રીટ, લંડનમાં સ્થાયી થતાં પહેલાં તેમણે 33 વર્ષ સુધી એટલે કે 1835 સુધી મીણ-શિલ્પો સાથે બ્રિટિશ ટાપુઓનો પ્રદર્શન-પ્રવાસ ખેડ્યો. અનેક વર્ષો પછી લંડનમાં તેઓ પોતાની કૃતિઓનું સ્થાયી સંગ્રહસ્થાન સ્થાપવા શક્તિમાન બન્યાં. તે સંગ્રહસ્થાન 1925માં બળી ગયેલું; પરંતુ 1928માં તે મેરિલબૉન રોડ પર પુન:સ્થાપિત કરવામાં આવેલું.

1804માં દરિયારસ્તે આયર્લૅન્ડ જવા નીકળ્યાં ત્યારે તેમનાં મીણનાં શિલ્પોવાળું જહાજ પોતાની નજર સામે જ ડૂબી ગયું. છતાં, હિંમતપૂર્વક થોડાં નાણાં એકઠાં કરીને ફરીથી નવાં પૂતળાં બનાવવાં શરૂ કર્યાં અને ત્રણેક મહિના બાદ આયર્લૅન્ડની રાજધાની ડબ્લિનમાં સફળ રીતે નવું પ્રદર્શન યોજ્યું. ત્યાંથી ઇંગ્લૅન્ડ પાછાં ફર્યાં અને વાહનને મોખરે પોતે પુત્ર સાથે બેઠાં અને પાછળના ભાગે રાજા જ્યૉર્જ ત્રીજા, ઍડ્‌મિરલ હૉરેશિયો નેલ્સન અને જ્યૉર્જ વૉશિંગ્ટનનાં તેમણે બનાવેલાં મીણનાં પૂતળાં ગોઠવીને તેમણે બ્રિટનના રાજમાર્ગો પર પ્રદર્શનયાત્રાઓ કરી. ઉત્તરોત્તર તેમના સંગ્રહમાં વધારો થતો ગયો. તેમાં માત્ર મેરી ઍન્ટ્વીનેર અને નેપોલિયન જેવી સુખ્યાત વ્યક્તિઓનાં જ નહિ, પરંતુ બર્ક અને હેર જેવા નામીચા ગુનેગારોનાં પૂતળાંનો પણ સમાવેશ થતો હતો. 81 વર્ષની ઉંમરે તેમણે તેમનું પોતાનું મીણ-શિલ્પ કંડારેલું. ‘માદામ તુસાઁઝ મ્યુઝિયમ’ નામનું તેમણે સ્થાપેલું મીણનાં શિલ્પોનું મ્યુઝિયમ જોવા દુનિયાભરના લોકો ઊમટે છે.

બળદેવભાઈ કનીજિયા