તુલનાત્મક સાહિત્ય : સાહિત્યવિવેચનનો એક અભિગમ. આ સદીના પ્રથમ ચરણમાં તેની વિભાવના સ્પષ્ટ બની અને સ્થિર થઈ. ‘તુલનાત્મક સાહિત્ય’ સંજ્ઞાનો પ્રથમ પ્રયોગ વિલમેંએ 1829માં કર્યા પછી સેંત બવે એને પ્રચલિત કરી. જર્મન કવિ-ફિલસૂફ ગ્યૂઇથેએ વિશ્વસાહિત્ય(welt literature)ની જે વિભાવના વહેતી મૂકી તેમાંથી ક્રમશ: તુલનાત્મક સાહિત્યનો ખ્યાલ વિકાસ પામ્યો છે. એ પૂર્વે ફ્રેડરીખ સ્લેગલે 1798માં વિશ્વકાવ્ય(universal poesie)નો જે ખ્યાલ રજૂ કર્યો તેમાં ગ્યૂઇથેના વિશ્વસાહિત્યના વિચારના સગડ શોધી શકાય. સ્લેગલે ત્યારે બહુ સ્થૂલ રીતે વિશ્વકાવ્યની ચર્ચામાં તુલનાત્મક સાહિત્યનો અછડતો સંકેત કરી લીધો છે. આમ, ‘તુલનાત્મક સાહિત્ય’ એટલે સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ એ વિભાવના ર્દઢ અને સર્વસ્વીકૃત બની; પણ તુલનાત્મક સાહિત્યમાં એક દેશ અને બીજા દેશના સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ અભિપ્રેત છે. પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડ કે ભારત જેવા બહુભાષી દેશોમાં એક જ દેશમાંની વિવિધ ભાષાઓમાં રચાયેલા સાહિત્યનો પણ તુલનાત્મક અભ્યાસ થઈ શકે એવી સમજનોય સ્વીકાર કરવામાં આવ્યો છે. એક તરફથી, આમ એક ભાષામાં રચાયેલા સાહિત્યનો બીજી ભાષામાં રચાયેલા સાહિત્ય સાથેનો તુલનાત્મક અભ્યાસ થતો હોય છે તો બીજી તરફથી સાહિત્ય અને વિવિધ કલાનો તથા જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોનો પરસ્પર તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તો વળી, એક ભાષાના અને બીજી ભાષાનાં કાવ્યશાસ્ત્ર, સાહિત્યિક વાદ-વિવાદો, પ્રવાહ-વલણો, આદિનો પણ તુલનાત્મક અભ્યાસ થતો હોય છે. વિભિન્ન ભાષાઓમાં રચાયેલાં સાહિત્યોમાંનાં સામ્યોની સાથે સાથે વૈષમ્યોની પણ તુલના કરી તેનો અભ્યાસ કરવામાં આવે છે.
તુલનાત્મક સાહિત્યના અભ્યાસક્ષેત્રમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓનો અભ્યાસ થતો હોય છે : (1) અસર, (2) સાર્દશ્ય અને (3) પરંપરા. આ પ્રકારના અભ્યાસથી વિવિધ ભાષાના સર્જકોની સર્જકતા અને દેશકાલજનિત સામાજિક-રાજકીય-આર્થિક માનવનિસબતના પ્રશ્નો તેના મૂળભૂત સ્વરૂપે સમજવામાં સહાય થતી હોય છે. આ રીતે જોતાં તુલનાત્મક સાહિત્યમાં કેવળ સાહિત્યિક ર્દષ્ટિબિન્દુ કેન્દ્રમાં ન રહેતાં વિશાળ પરિપ્રેક્ષ્યમાં સાહિત્યને અને તે દ્વારા સર્જકચેતનાને તેમજ નિરૂપિત વસ્તુસામગ્રી અને નિરૂપણની તરેહોને પણ સમજવાનો પુરુષાર્થ કરવામાં આવે છે.
આથી તુલનાત્મક સાહિત્ય તેના અભ્યાસી પાસે વિશિષ્ટ સજ્જતાની અપેક્ષા રાખે છે. તે બહુભાષાવિદ હોવો જોઈએ એટલું જ પર્યાપ્ત નથી, પરંતુ તે બહુસાંસ્કૃતિક સજ્જતા અને વિવિધ વિદ્યાશાખાની વ્યાપક જાણકારી ધરાવતો હોય તે અનિવાર્ય બને છે. અલબત્ત, તુલનાત્મક સાહિત્યાભ્યાસમાં બહુધા અનુવાદ પર નિર્ભર રહેવું પડતું હોવાથી એમાં કેટલીક મર્યાદાઓ પણ આપોઆપ આવી જાય છે, કારણ કે તુલનાવાદી પોતાના અભ્યાસ માટે જે અનૂદિત સામગ્રી ખપમાં લેશે તે મૂળથી કેટલી દૂર ગયેલી છે તે તપાસવું દુષ્કર હોય છે. આમ છતાંય અનુવાદ જ તુલનાત્મક સાહિત્યની કરોડરજ્જુ છે અને જ્યારે વૈશ્વિક સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે ત્યારે તુલનાત્મક સાહિત્ય જેવી અધ્યયનપદ્ધતિ ખૂબ જ અનિવાર્ય અને ઉપકારક થઈ પડે તેમ હોવાથી તે દિશામાં અભ્યાસીઓની આજે વિશિષ્ટ ગતિ જોવા મળે છે.
ધીરુ પરીખ