તુકડોજી મહારાજ, (સંત) (જ. 29 એપ્રિલ 1909, યાવલી, જિ. અમરાવતી; અ. 10 નવેમ્બર 1968, મોઝરી આશ્રમ, જિ. અમરાવતી) : સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રસંત, કવિ અને સમાજ-સુધારક. મૂળ નામ માણિક. પિતાનું નામ બંડોજી. અટક ઠાકુર. પંઢરપુરના વિઠોબા તેમના કુલદેવતા. મરાઠી ત્રણ ધોરણ સુધી ભણ્યા પછી શાળાનો ત્યાગ કર્યો. બાળપણમાં અત્યંત તોફાની અને કેટલીક બાબતોમાં ગેરરસ્તે ચડી ગયેલા; પરંતુ ધ્યાન, ભજન-પૂજનમાં વિશેષ રુચિ ધરાવતા હતા. એક વાર અમરાવતી જિલ્લાના વરખેડ ગામે ગયા હતા ત્યારે ત્યાં આકડુજી મહારાજ નામના સંતના પ્રભાવ હેઠળ આવ્યા અને ત્યારથી તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. આ ઘટનાથી તેમના જીવનને નવો વળાંક સાંપડ્યો. તેઓ ભજન-કીર્તન માટે પોતાની રચનાઓ લખવા લાગ્યા. તેમની શરૂઆતની રચનાઓ સામાન્ય સ્તરના માણસોમાં લોકપ્રિય હતી; પરંતુ સમય જતાં તેમની રચનાઓનો વ્યાપ અને લોકપ્રિયતા વધતાં ગયાં. બધા ધર્મો અને પંથના લોકો તેમના શિષ્ય બનવા લાગ્યા. તેઓ તેમના કીર્તન દરમિયાન ઈશ્વરભક્તિ ઉપરાંત સદાચાર, આત્મસંયમ અને રાષ્ટ્રભક્તિનો પણ પ્રસાર કરતા. કેન્દ્રીય સમાજવ્યવસ્થામાં અનિષ્ટ રૂઢિઓ, અંધશ્રદ્ધાઓ, નિરક્ષરતા, સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ, જાતપાત જેવી બદીઓનો ખુલ્લંખુલ્લાં વિરોધ કરતા તથા સમતા અને બંધુત્વ પર વિશેષ ભાર મૂકતા, શરીરસૌષ્ઠવના પણ તેઓ હિમાયતી હતા. વ્યાયામના પ્રચાર-પ્રસાર માટે તેમણે ‘આદેશરચના’ નામનો ગ્રંથ પણ લખ્યો છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન 40 જેટલા ગ્રંથો લખ્યા છે. ઉપરાંત 41 અધ્યાયમાં વહેંચાયેલી અને 4,675 ઓવીઓ (કાવ્યની કડીઓ) ધરાવતી એમની ‘ગ્રામગ્રંથ’ કાવ્યરચના મરાઠી ભક્તિરચનાઓમાં આગવું સ્થાન ધરાવે છે. મરાઠી ઉપરાંત તેઓ હિંદીમાં પણ કાવ્યરચનાઓ કરતા હતા.
1930ના સત્યાગ્રહમાં તથા 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો અને તે માટે તેમને કારાવાસ પણ સહન કરવો પડ્યો હતો. 1930 પહેલાં મહાત્મા ગાંધી સાથે તેમની મુલાકાત થઈ હતી અને 1936 પછી તેઓ પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલકલામ આઝાદ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ જેવા નેતાઓના અંગત પરિચયમાં આવ્યા હતા. આઝાદી પછી તેમણે ગુલઝારીલાલ નંદા સાથે ભારત સેવક સમાજમાં સક્રિય કામ કર્યું હતું. 1942ના આંદોલનના કારાવાસ દરમિયાન તેમણે ‘સુવિચારસ્મરણી’ નામક ગ્રંથ લખ્યો હતો.
તેમણે રચેલી મોટાભાગની ‘અભંગ’ રચનાઓનો અંત ‘તુકડ્યા મ્હણે’ (તુકડ્યા કહે) એવી ઉક્તિથી થાય છે.
આઝાદીની લડાઈમાં તેમણે આપેલ યોગદાનને લીધે તેઓ ‘રાષ્ટ્રસંત’ તરીકે ખ્યાતિ પામ્યા છે.
સ્વાતંત્ર્યોત્તર કાળમાં તેઓ ભૂદાન, અસ્પૃશ્યતાનિવારણ, જ્ઞાતિપ્રથાનું નિર્મૂલન વગેરે ચળવળોમાં સક્રિય રહ્યા હતા.
1955માં વિશ્વધર્મ પરિષદ તથા વિશ્વશાંતિ પરિષદમાં ભાગ લેવા માટે તેમણે જાપાનનો પ્રવાસ ખેડ્યો હતો. 1966માં પ્રયાગ ખાતે યોજવામાં આવેલ વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષપદે તેમની વરણી થઈ હતી. તેઓ સર્વધર્મસમભાવના હિમાયતી હતા.
અમરાવતી જિલ્લાના મોઝરી ખાતે તેમનો આશ્રમ છે; તે ગુરુકુંજ આશ્રમ નામથી ઓળખાય છે. આ આશ્રમની નિશ્રામાં આજે પણ વિશાળ પાયા પર સમાજસેવાનાં કાર્યો થાય છે.
આ આશ્રમમાં તુકડોજી મહારાજની સમાધિ પણ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે