તુંગભદ્રા : દક્ષિણ ભારતની એક મુખ્ય નદી. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહેતી 640 કિમી. લાંબી કૃષ્ણા નદીની તે મુખ્ય ઉપનદી છે.
કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં આવેલ શૃંગેરીની નૈર્ઋત્યમાં આશરે 2.5 કિમી. દૂર પશ્ચિમઘાટમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ વરાહુ શિખર (ઊંચાઈ 1400 મી.) પરથી તુંગા અને ભદ્રા એમ બે નદીઓ નીકળે છે. શિમોગા જિલ્લાની ઉત્તરે કુડલી પાસે 14° ઉ. અ. અને 75° પૂ. રે. પર આ બે નદીઓ મળે છે અને ત્યાંથી તે તુંગભદ્રા તરીકે ઓળખાય છે.
તુંગાના કાંઠે શૃંગેરી અને શિમોગા જેવાં ગામો વસ્યાં છે. ભદ્રા બાબાબુદાન ડુંગર તરફ વહી ઉત્તરમાં બેંકીપુર પાસેથી પસાર થઈ આગળ વધે છે. તેના કાંઠે ભદ્રાવતી, બેંકીપુર, હરિહર, હોસ્પેટ અને હમ્પી નગરો આવેલાં છે.
ઈશાન તરફ આગળ વધી આંધ્રપ્રદેશ અને કર્ણાટકની સરહદ પર 50 કિમી. સુધી વહ્યા બાદ આંધ્રપ્રદેશમાં કર્નુલ જિલ્લામાં સંગમેશ્વર પાસે તે કૃષ્ણાને મળે છે. કુમુદવતી, વરદા, હરિદ્રા, ચીના હગારી, વેદવતી વગેરે નદીઓ તુંગભદ્રાની ઉપનદીઓ છે.
ભારતમાં પ્રાચીન કાળથી નદીઓ પર બંધ બાંધી સિંચાઈ કરવાની પ્રથા પ્રચલિત હતી. 20મી સદીની શરૂઆતથી તુંગા અને ભદ્રા પર 38 જેટલા નાના મોટા બંધો બાંધવામાં આવ્યા હતા. આ બધા બંધો જૂના મૈસૂર રાજ્યમાં હતા. વિજયનગરના પ્રાચીન વંશના રાજવીઓએ 1336–1565 દરમિયાન તુંગભદ્રા પર અનેક બંધો બંધાવેલા, તે પૈકી દસ આજે પણ અસ્તિત્વમાં છે.
બેલ્લારી જિલ્લાના હમ્પી પાસે આ નદીને કિનારે વિજયનગર સામ્રાજ્યના પ્રાચીન અવશેષો આજે પણ સચવાયેલા છે.
બ્રિટિશ અમલ દરમિયાન 1903માં આ નદી પર એક સંયુક્ત બહુહેતુક યોજના અમલમાં મૂકવાનો ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો. તે યોજના છેક 1956માં સાકાર થઈ.
કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં હોસ્પેટથી 8 કિમી. દૂર આ નદી નાની મોટી ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે, ત્યાં મલ્લાપુર પાસે 2441 મી. લાંબો અને 49.33 મી. ઊંચો બંધ બાંધવામાં આવ્યો છે. તેનાથી 1973-74માં 3.32 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો હતો. અને 1 લાખ કિલોવૉટ વીજળીનું ઉત્પાદન થયું હતું. આ જળાશયને પંપા સરોવર નામ અપાયું છે. આ પાણી નહેર દ્વારા ખડકાળ ટેકરીઓમાં બોગદું બાંધી પેન્નાર નદીમાં છોડવામાં આવે છે, જે આ યોજનાની આગવી વિશિષ્ટતા ગણાય છે. નદીની મુખ્ય નહેર અને તેની શાખાઓ બેલ્લારી, કર્નુલ, અનંતપુર, કડપ્પા અને નેલ્લોર જિલ્લામાં સિંચાઈ પૂરી પાડે છે. ઉપરાંત, આ યોજના રાયલસીમા વિસ્તારની પાણીની તંગી નાબૂદ કરવામાં સહાયભૂત બની છે, હવે અહીં ડાંગર, કપાસ, મગફળી અને શેરડીની ખેતી માટે તે સિંચાઈ પૂરી પાડે છે.
તુંગભદ્રાને કિનારે શૃંગેરીના શંકરાચાર્યનો મઠ, હમ્પી નજીક વિજયનગર સામ્રાજ્યના ભવ્ય અવશેષો, હરિહરનું ઔદ્યોગિક ક્ષેત્ર, હોસ્પેટ અને કર્નુલ જેવાં શહેરો છે. નદીના કાંઠે વસેલા વેદપાઠી વિદ્વાનોના ઉચ્ચારો સમગ્ર દેશમાં પ્રમાણભૂત મનાય છે. તેમણે ભારતની પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કર્યું છે.
નિયતિ મિસ્ત્રી