તીર, વિધાતાસિંહ

January, 2014

તીર, વિધાતાસિંહ (જ. 1900, રાવલપિંડી, પાકિસ્તાન; અ. 1976) : પંજાબી લેખક. આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવાને કારણે એ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી માધ્યમિક શિક્ષણ લઈ શક્યા નહિ. આમ છતાં એમની અભ્યાસનિષ્ઠા એવી હતી કે એમણે હિંદી અને ઉર્દૂ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું. બંને ભાષામાં તેમણે લેખન કર્યું હતું. પંજાબી સામયિકોમાં એમનાં કાવ્યો છપાતાં એનો સારો પ્રતિભાવ સાંપડ્યો અને એમણે કાવ્યલેખનમાં સારી પ્રગતિ કરી.

એમની મુખ્ય કૃતિઓ છે : ‘અણિયાલે તીર’, ‘નવે નિરાત’, ‘ગૂંગે ગીત’, ‘કાલકૂકા’, ‘બચનવિલાસ’, ‘મિટલે મેવે’, ‘ધ્રુવ ભગત’, ‘બંદાસિંહ બહાદુર’, ‘રૂપરાની શકુંતલા’ ઇત્યાદિ. એમની કવિતામાં વિશેષત: ભારતીય સંસ્કૃતિ માટેનો ભક્તિભાવ, શીખ ધર્મ પ્રત્યેની આસ્થા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના છે. કવિએ ભારતના ઉજ્જ્વળ ભવિષ્યનું કવિતામાં સુભગ ચિત્ર આલેખ્યું છે. ગાંધીજીની, શીખગુરુઓની તથા ભગતસિંહ વગેરે શહીદોની પ્રશસ્તિનાં અનેક ગીતો એમના જ્વલંત રાષ્ટ્રપ્રેમનાં નિદર્શક છે. જલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશે એમણે એક દીર્ઘકાવ્ય લખ્યું હતું. તેમાં કરુણરસના નિરૂપણમાં એમની કવિત્વશક્તિનો પરિચય મળે છે. 1965માં એમને પંજાબ સરકાર તરફથી એમની સાહિત્યસેવા માટે વિશિષ્ટ પારિતોષિક આપવામાં આવ્યું હતું.

ચન્દ્રકાન્ત મહેતા