તીરસ્થ નિક્ષેપ

January, 2014

તીરસ્થ નિક્ષેપ (Littoral deposit) : દરિયાકિનારા પરનો નિક્ષેપ, કંઠારનિક્ષેપ. દરિયાકિનારાથી અંદર તરફ તળ પરની આશરે 200 મીટરની લંબાઈ સુધી વિસ્તરેલા વિભાગમાં જામેલા દ્રવ્યજથ્થા માટે શબ્દ ઉપયોગમાં લઈ શકાય, અર્થાત્, સમુદ્રજળની ગુરુતમ ભરતી અને લઘુતમ ભરતીથી રચાતી રેખાઓ વચ્ચેના વિભાગમાં જોવા મળતા નિક્ષેપને તીરસ્થ નિક્ષેપ તરીકે ઓળખાવી શકાય.

તીરસ્થ નિક્ષેપ વિભાગ

કંઠારપ્રદેશના સ્થાનિક ખડકોના પ્રકાર મુજબ તે રેતાળ દ્રવ્યજથ્થાથી કે નાનાથી મધ્યમ કદના લઘુગોળાશ્મથી કે ક્વચિત્ પંકદ્રવ્યથી બનેલો હોય છે. તીરસ્થ નિક્ષેપોમાં એકસરખી રહેતી કે એકધારી બદલાતી રહેતી પરિસ્થિતિ મુજબ તેમાં નભી શકે એવાં લાક્ષણિક જીવનસ્વરૂપો (પ્રાણીઓ કે વનસ્પતિ) કે તેમના અવશેષો મળી શકે છે.

ગિરીશભાઈ પંડ્યા