તીડ (Locust) : સરળપક્ષ (orthoptera) શ્રેણીના એક્રીડિડી કુળનું એક કીટક. તેના ત્રીજા પગની જોડ લાંબી હોઈને તે કૂદકો મારવા માટે અનુકૂલન પામેલું છે. તીડ લીલો કે ભૂખરો રંગ ધરાવે છે. શરીર પર પથરાયેલી બે જોડ પાંખો પૈકી, બહારની પાંખ કઠણ અને રક્ષણાત્મક હોય છે, જ્યારે અંદરની પાંખો સરળ પાતળી અને કલાત્મક પંખા જેવી રચના ધરાવે છે. આ પાંખ તેને ઉડ્ડયનમાં મદદરૂપ થાય છે.

તીડ એ તીતીઘોડાનો એક પ્રકાર છે. એક્રીડિડી કુળમાં કુલ 6,000 જેટલી જાતના તીતીઘોડા નોંધાયા છે તે પૈકી 500 જાતના તીતીઘોડા ભારતમાં જોવા મળે છે. તીડની મુખ્ય ત્રણ જાત ભારતમાં સામાન્ય છે :

(1) મુંબઈ તીડ (Bombay Locust) : તે પુખ્ત અવસ્થામાં ફિક્કો બદામી રંગ અને ટોળામાં રતાશ પડતો રંગ ધરાવે છે. આ તીડ અગ્ર-વક્ષ બાજુએ ચપટું અને અગ્ર ભાગે સાંકડું હોય છે. નરની લંબાઈ 48થી 56 મિમી. અને માદાની લંબાઈ 57થી 63 મિમી. હોય છે. ભારતમાં તે કોઇમ્બતૂર અને નીલગિરિ પ્રદેશમાં એકલ અવસ્થામાં જોવા મળે છે. આ ઉપરાંત શ્રીલંકા, ચીન, જાવા અને સુમાત્રામાં આ તીડ મળી આવે છે.

(2) સ્થળાંતરી તીડ (migratory locust) : એકલ અવસ્થામાં આ તીડનો રંગ બદલાતો રહે છે. ક્યારેક લીલો, તો ક્યારેક કાળો. નરની લંબાઈ 29થી 35 મિમી., જ્યારે માદાની લંબાઈ 37થી 60 મિમી. જેટલી હોય છે. ભારતમાં લગભગ બધે જ મળી આવે છે. પરંતુ રાજસ્થાનમાં તેનું પ્રમાણ વિશેષ હોય છે.

(3) રણનું તીડ (desert locust) : પુખ્ત તીડનો રંગ રતાશ પડતો હોય છે. તે નાનાં, કાળાં ટપકાં ધરાવે છે. પ્રજનનક્ષમતા ધરાવે ત્યારે તેનો રંગ ચળકતો પીળો બને છે. નર તીડની લંબાઈ 46થી 55 મિમી. અને માદાની લંબાઈ 57 મિમી. જેટલી હોય છે.

તીડ

તીડ તેના જીવનચક્રમાં મુખ્યત્વે ત્રણ અવસ્થામાંથી પસાર થાય છે : ઈંડાંની, બચ્ચાની અને પુખ્ત. આ પ્રાણી રણવિસ્તારમાં પ્રજનન કરતું હોવા છતાં અંડત્યાગ અને તેના સેવન માટે વરસાદની જરૂર પડે છે. ઉપરાંત ખોરાક માટે વનસ્પતિની જરૂર રહે છે. એક માદા સરેરાશ એકસાથે 50થી 100 જેટલાં ઈંડાં સમૂહમાં મૂકે છે. તેને જમીનમાં 5થી 7 સેમી. ઊંડાઈએ રાખવામાં આવે છે. 10થી 20 દિવસમાં વિકાસથી ફલિતાંડનું અંડસ્ફોટન થવાથી બચ્ચાં બહાર નીકળે છે. પાંખો વગરની તીડની આ પહેલી અવસ્થા છે. જમીનની બહાર આવ્યા પછી તે સક્રિય બની લીલી વનસ્પતિ ખાવાનું શરૂ કરે છે. ત્રણથી પાંચ દિવસના આંતરે એકસરખાં લક્ષણો ધરાવતી, પાંચ નિર્મોચન અવસ્થામાંથી પસાર થાય છે અને લગભગ ત્રીસમા દિવસે બચ્ચાં સંપૂર્ણ વિકસિત, પાંખોવાળા પુખ્ત તીડમાં રૂપાંતરણ પામે છે. આ સમયે તેનો રંગ રાતો અથવા બદામી બને છે; પરંતુ એકલ અવસ્થામાં તે ભૂખરા રંગનું હોય છે. જીવનમાં તીડને એકલ અવસ્થા અને જૂથચારી અવસ્થા(gregarious phase)માં જોઈ શકાય છે, જે તેના રંગ પરથી જાણી શકાય છે. પુખ્ત પ્રાણીને પૂરતી માત્રામાં ખોરાક મળે તો તે એકલ અવસ્થામાં રહે છે અને ટોળે વળવાની વૃત્તિ દર્શાવતું નથી. પ્રજનનક્ષમતા પુખ્ત પ્રાણીમાં થોડાં અઠવાડિયાં પછી ઉદભવે છે. જૂથચારી અવસ્થામાં રહેલાં તીડ દરરોજ થોડું થોડું ઊડવાનું શરૂ કરે છે, જે સમય ક્રમશ: લંબાતો જાય છે. રાત્રિ દરમિયાન તે ઊડતાં નથી. આથી સંધ્યાકાળે તે કોઈ વૃક્ષ કે પાક પર બેસી જાય છે. તીડની ઊડવાની ઝડપ કલાકના 10થી 18 કિલોમીટર જેટલી હોય છે. અને મહદંશે તેઓ 350થી 750 મીટરની ઊંચાઈએ ઊડે છે.

માદા તીડનું આયુષ્ય 6 માસનું હોય છે, પુખ્ત અવસ્થા પ્રાપ્ત થતાં તે ત્રણથી ચાર વખત ઈંડાં મૂકે છે. આમ સામાન્ય સંજોગોમાં એક માદા 300થી 1000 જેટલાં ઈંડાં મૂકે છે. સ્થળાંતર માટે જાણીતું આ કીટક, જુદા જુદા સમયે, જુદા જુદા દેશોમાં પ્રજનન કરે છે. જેને શિયાળુ પ્રજનન, વસંત પ્રજનન અને ઉનાળુ પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે.

તીડનિયંત્રણ : કરોડોની સંખ્યાના જૂથમાં તેઓ દિવસ દરમિયાન પ્રવાસ ખેડીને અનેક દેશોમાંથી પસાર થઈ શકે છે અને રાત્રે વૃક્ષ કે માનવ-સર્જિત પાક પર વિસામો લે છે અને વનસ્પતિનું પ્રાશન કરી તેનો નાશ કરે છે. તેથી પ્રવાસી તીડની ગણના એક આંતરરાષ્ટ્રીય હાનિકારક કીટક તરીકે થયેલી છે. તીડના આક્રમણનો ભોગ ઘણા દેશો બને છે. તીડના આંતરરાષ્ટ્રીય સ્થળાંતરને કારણે તેના નિયંત્રણ માટેનાં પગલાં સફળતાપૂર્વક લઈ શકાય તે માટે, આંતરરાષ્ટ્રીય તીડનિયંત્રણ સંસ્થા (International Locust Control Organisation) સ્થાપવામાં આવી છે. આ ઉપરાંત લંડનમાં ‘ઍન્ટીલોકસ્ટ રિસર્ચ સેન્ટર’ પણ આવેલું છે.

તીડનાં ઊડતાં ટોળાંનો સફળતાપૂર્વક સામનો લગભગ અશક્ય છે. ખેડૂત પોતાના ખેતરમાં વધારે માણસો દ્વારા અવાજ કરીને સફેદ કપડાં હલાવીને કે ધુમાડો કરીને તીડને રાત્રિપડાવ નાંખતાં અટકાવે છે. આ ઉપરાંત પડાવ નાંખેલાં ટોળાંનો સામનો વિવિધ જંતુનાશક દવાઓથી અથવા બાળી નાખીને કરવામાં આવે છે. જંતુનાશક દવાઓમાં લીન્ડેઇન, ડિલ્ડ્રિન, ઑલ્ડ્રિન વગેરેનો ઉપયોગ થાય છે. પુખ્ત તીડનાં ઊડતાં ટોળાં ઉપર વિમાન દ્વારા વધુ ઝેરી રસાયણ ડાઇનાઇટ્રો ઑર્થોક્રિસોલ (D.N.O.C) છાંટવામાં આવે છે.

તીડનું એક ટોળું સમૂહમાં આશરે 3,000 ટન જેટલો  ખોરાક એક દિવસમાં ખાઈ શકે છે. આ પરથી તેના દ્વારા થતા નુકસાનનો અંદાજ કરી શકાય. ગુજરાતમાં છેલ્લાં 40 વર્ષોમાં 8થી 10 વખત તીડનું આક્રમણ નોંધાયું છે, જેમાં 1952 અને 1993માં થયેલું તીડનું આક્રમણ નોંધપાત્ર છે.

દિલીપ શુક્લ