તીગવાનું મંદિર

January, 2014

તીગવાનું મંદિર : ઈ. સ. 350થી 650ના ગાળામાં વિકસેલ રચનામૂલક મંદિરશૈલીનું પ્રારંભિક તબક્કાનું સ્થાપત્ય. ગુપ્ત કાળમાં આશરે ઈ. સ. 450માં તીગવામાં કાન્કાલીદેવીનું વિષ્ણુ મંદિર ભારતીય સ્થાપત્યનું એક સીમાચિહન ગણાય છે. તેમાં મૂળ પ્રાસાદ તથા તેની આગળના મંડપ પર સપાટ છત છે જે તત્કાલીન મંદિરશૈલીની ખાસિયત હતી. તે ઉપરાંત મંડપના સ્તંભોની રચના, મૂળ પ્રાસાદના દ્વારની શૈલી તથા સમગ્ર મંદિર ફરતે છતથી થોડે નીચે આવેલા મુખ્ય મોભ (architrave) આ મંદિરની ઉલ્લેખનીય બાબતો છે. તે સમયનાં અન્ય મંદિરો કરતાં તીગવાનું મંદિર હજુ સુધી સારી હાલતમાં જળવાઈ રહ્યું છે. આ શૈલીના મંદિર પછી ભારતમાં રચનામૂલક મંદિરોમાં ઘુમ્મટ બનાવાતા થયા.

હેમંત વાળા