તિવારી, વી. એન. (જ. 1936, પતિયાળા; અ. 1984) : પંજાબી કવિ અને વિદ્વાન. તેમના કાવ્યસંગ્રહ ‘ફુટપાથ તોં ગૅરેજ તક’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે પંજાબીમાં પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની ડિગ્રી તેમજ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ ભાઈ વીરસિંગ સ્ટડીઝ ઇન મૉડર્ન લિટરેચરના પ્રાધ્યાપકપદ સાથે વિભાગાધ્યક્ષ રહ્યા હતા તથા ચંડીગઢ ખાતેની પંજાબ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑવ્ પંજાબી સ્ટડીઝના અધ્યક્ષ પણ બન્યા હતા. તેમનાં 25 પુસ્તકોમાં 4 કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાના 2 સંગ્રહો તેમજ વિવેચનના તથા જીવનચરિત્રાત્મક અનેક નિબંધોનો સમાવેશ થાય છે. પરદેશમાં તેમના કાવ્યવાચનના કાર્યક્રમો પણ યોજાયા છે. સાહિત્ય અકાદમીના પંજાબી માટેના સલાહકાર બૉર્ડમાં તેઓ સભ્ય રહ્યા હતા. વળી તેઓ અનેક સાહિત્યિક તેમ વિદ્યાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. રાજ્યસભામાં નિયુક્ત થયા હતા.
આધુનિક માનવચિત્તને મૂંઝવતી દ્વિધાનો ર્દઢ પ્રતિકાર, વેદનાભર્યો નૈતિક સંઘર્ષ, જોશીલી પ્રભાવક ભાષાશૈલી જેવી વિશેષતાઓને કારણે પુરસ્કારપ્રાપ્ત કાવ્યસંગ્રહ પંજાબીમાં મહત્વનું પ્રદાન ગણાય છે.
મહેશ ચોકસી