તિવારી, ઉદયનારાયણ (જ. 1903, પીપરપાંતી, જિ. બલિયા, ઉ.પ્ર.) : હિંદીના ભાષાશાસ્ત્રી. 1929માં તેમણે અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની ડિગ્રી લીધી. ભાષાવિજ્ઞાનક્ષેત્રે સંશોધનની દિશામાં જવાની પ્રેરણા તેમને વિદ્વાન ભાષાશાસ્ત્રી બાબુરામ સક્સેના પાસેથી મળી. પોતાના શોધ-ગ્રંથ ‘ભોજપુરી ભાષા ઔર સાહિત્ય’ની ભૂમિકામાં લેખકે નોંધ્યા પ્રમાણે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ તેમને ભાષાવિજ્ઞાનની દિશામાં લઈ ગયો. અભ્યાસ દરમિયાન એમણે જાણ્યું કે પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ગ્રિયર્સન ભોજપુરીને હિંદી ભાષાની એક બોલી તરીકે સ્વીકારતા નથી. એ પછી ઉદયનારાયણ તિવારીએ 1931–33માં બાબુરામ સક્સેનાના માર્ગદર્શન નીચે ભોજપુરી વિશે પ્રારંભિક કાર્ય કર્યું. પોતાના સંશોધનમાં વિશેષ સજ્જતા કેળવવા 1940માં તેઓ કૉલકાતા ગયા. ત્યાં સુનીતિકુમાર ચેટર્જી અને સુકુમાર સેન પાસે ભાષાવિજ્ઞાન વિષય લઈને એમ.એ. કર્યું. કૉલકાતાથી આવી 1944માં તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીના હિંદી વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. 1954માં તેમણે ભોજપુરી ભાષા અને સાહિત્ય વિશેના સંશોધન પર ડી.લિટ્. ની ડિગ્રી મેળવી. 1959–60 દરમિયાન સિનિયર રિસર્ચર તરીકે અમેરિકાની પેન્સિલવેનિયા અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીઓમાં સંશોધન કર્યું. 1961માં જબલપુર યુનિવર્સિટીમાં હિંદી વિભાગના અધ્યક્ષપદે જોડાયા.
ઉદયનારાયણ તિવારીએ ભાષાવિજ્ઞાનને લગતા સંશોધનગ્રંથો ઉપરાંત કેટલાંક મહત્વપૂર્ણ અંગ્રેજી સંશોધનોના લખાણોના અનુવાદ પણ કર્યા. તેમનાં પુસ્તકોમાં ‘ભોજપુરી ભાષા ઔર સાહિત્ય’, ‘ભાષાશાસ્ત્ર કી રૂપરેખા’, ‘હિંદી ભાષા કા ઉદગમ ઔર વિકાસ’, ‘ભાષાવિજ્ઞાન કા સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘અભિનવ ભાષાવિજ્ઞાન : સિદ્ધાંત ઔર પ્રયોગ’ મુખ્ય છે.
તિવારીએ મૅક્સમૂલરના ‘લેક્ચર્સ ઑન ધ સાયન્સ ઑવ્ લૅંગ્વેજ’નો તથા ગ્રિયર્સનના ‘લિંગ્વિસ્ટિક સર્વે ઑવ્ ઇન્ડિયા’ના ખંડ 1 અને ખંડ 2નો હિંદી અનુવાદ કરેલો છે. મૅક્સમૂલરના મૂળ ગ્રંથના પરિશિષ્ટ 2માં અનુવાદકે પોતાના તરફથી ભાષાવિજ્ઞાનની સંદર્ભસામગ્રી આપી છે. ઉદયનારાયણ તિવારી હિંદીના એક પ્રતિષ્ઠિત ભાષાશાસ્ત્રી છે અને ભોજપુરી ભાષા, વર્ણનાત્મક ભાષાવિજ્ઞાનના સૈદ્ધાંતિક પક્ષ અને હિંદી ભાષાના ઐતિહાસિક તથા તુલનાત્મક વ્યાકરણના ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે.
બિંદુ ભટ્ટ