તિવાડી, માલચંદ (જ. 19 માર્ચ 1958, બીકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી સાહિત્યકાર. શિક્ષણ અજમેર કૉલેજમાં. મુખ્ય વિષય હિંદી સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. રાજસ્થાન સરકારના સહકારી વિભાગમાં નિરીક્ષક તરીકે તેઓ સેવા આપે છે. જિલ્લાની સાહિત્યિક પરિષદના કાર્યમાં સક્રિય છે. અત્યાર સુધીમાં તેમની ટૂંકી વાર્તાઓના ચાર સંગ્રહો હિંદીમાં અને રાજસ્થાની ભાષામાં એક નવલકથા, એક ટૂંકી વાર્તાનો સંગ્રહ અને એક કવિતાસંગ્રહ પ્રકાશિત થયેલ છે. તેમને એલ. પી. તેસ્સિતોરી પુરસ્કાર અને રાજસ્થાની ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અકાદમી દ્વારા ગણેશીલાલ વ્યાસ (ઉસ્તાદ) ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. સૂર્યમલ મીસણ શિખર પુરસ્કાર અને ‘ઉસ્તાદ’ પદ્મ પુરસ્કાર એમને મળ્યા છે.

માલચંદ તિવાડી

તેમના કાવ્યસંગ્રહ ‘ઉતર્યો હૈ આભો’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કાર અપાયો છે. કાવ્યના સ્વરૂપને અનુલક્ષીને આમાં નવા નવા પ્રયોગો થયા છે. તેમની કવિતામાં શબ્દ કે પંક્તિના ધ્વનિત અર્થ પ્રશંસનીય હોય છે. ચીલાચાલુ પરપંરાથી કંઈક જુદું જ પ્રસ્થાન કરતી પોતાની ખાસ શૈલીને અભિવ્યક્ત કરતી અને નિપુણ શિલ્પકારિતાને યથાયોગ્ય ઉઠાવ આપતી આ રાજસ્થાની કૃતિ હિન્દી કવિતામાં નોંધપાત્ર બની છે. એમણે ચીન અને મલેશિયાનો પ્રવાસ કર્યો છે. તેમણે યોગ વિશેનો અભ્યાસ કર્યો છે. તેઓ ઇન્ડિયન માયથૉલૉજી અને યોગ વિશે શિક્ષણ આપે છે. 2007માં યોગ લાઇફ ફાઉન્ડેશન તરફથી તેમને ઍવૉર્ડ એનાયત થયો હતો. તેમને ગણેશીલાલ વ્યાસ ‘ઉસ્તાદ’ પદ્મ પુરસ્કાર, ડૉ. એલ.પી. તેસ્સીતોરી ગદ્ય પુરસ્કાર, સૂર્યમલ મિશન શિખર પુરસ્કાર તથા રામનીવા અસરાની લાખોટિયા ટ્રસ્ટ તરફથી પુરસ્કાર એનાયત થયો છે. 2000થી તેઓ યોગ લાઇફ ફાઉન્ડેશનના ડિરેક્ટર છે.

વિ. પ્ર. ત્રિવેદી