તિલોયપણ્ણતિ (સં. त्रिलोकप्रज्ञप्ति) (ઈ. સ.ની પાંચમી સદી) : કષાયપ્રાભૃત નામે દ્વિતીય શ્રુતસ્કંધ ચૂર્ણીસૂત્રોના રચયિતા યતિવૃષભ આચાર્યે કરણાનુયોગ પર પ્રાકૃતમાં રચેલો ગ્રંથ. તે સર્વનંદીના પ્રાકૃત ‘લોક વિભાગ’ પછીનો હોઈ તે 479 આસપાસનો હશે તેમ અનુમાની શકાય. ગ્રંથકાર યતિવૃષભ તે આર્યમંક્ષુના શિષ્ય અને નાગહસ્તિના અંતેવાસી હતા. તેથી આર્યમંક્ષુ – નાગહસ્તિ–યતિ–વૃષભમાં સાક્ષાત્ ગુરુ–શિષ્ય સંબંધ હતો. ગ્રંથકારને શ્રુતજ્ઞાન આચાર્ય-પરંપરાથી પ્રાપ્ત થયેલું.

‘તિલોયપણ્ણતિ’ દિગંબર સાહિત્યમાં પ્રાચીન શ્રુતાંગ સંબંધિત છે, જેનો વિષય વિશ્વરચના લોકસ્વરૂપ છે. તેમાં જૈન ભૂગોળ–ખગોળનું વર્ણન છે. ગ્રંથ અધિકાંશ પ્રાકૃત ગાથાબદ્ધ છે અને કેટલોક અંશ ગદ્યમાં છે. તેનું પ્રમાણ 8,000 શ્લોક છે. તેમાંથી અગ્રાયણી, સંગોયણી, સંગ્રાહણી, ર્દષ્ટિવાદ, મૂળાચાર જેવા ગ્રંથોનાં પાઠાંતરોના ઉલ્લેખ મળી આવે છે. શ્વેતાંબર આગમ અંતર્ગત સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ તથા દિગંબર ધવલાજયધવલા ટીકા અને ત્રિલોકસાર જેવા પ્રાકૃત ગ્રંથો સાથે સમાનતા ધરાવે છે. ‘તિલોયપણ્ણતિ’ની ગાથા લોકવિભાગ, મૂળાચાર, ભગવતી-આરાધના, પંચાસ્તિકાય, સમયસાર વગેરેની ગાથાઓ સાથે સમાનતા ધરાવે છે. ‘ત્રૈલોક્યસાર’ની ગાથા 1000 હોઈ તે ‘તિલોયપણ્ણતિ’નો સાર હોય તેવું માની શકાય.

ત્રિલોકસંબંધિત વર્ણનવાળો ગ્રંથ નવ મહાધિકારોમાં વિભાજિત છે. પ્રથમ મહાધિકારમાં 283 ગાથાઓ અને 3 ગદ્યભાગ છે. તેમાં તીર્થો, 18 શ્રેણી, 18 મહાભાષાઓ, 700 ક્ષુદ્ર ભાષાઓનું વર્ણન છે. ર્દષ્ટિવાદસૂત્ર આધારિત ત્રિલોકની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈનું વર્ણન છે. બીજા મહાધિકારમાં 367 ગાથાઓ છે. તેમાં નરકલોકનું વર્ણન છે. ત્રીજા મહાધિકારમાં 243 ગાથાઓ છે અને તેમાં ભવનવાસી દેવોના મહેલના વિવિધ આવાસોનું વર્ણન છે. તેમાં અશ્વત્થ, સપ્તવર્ણ, કદંબ, પ્રિયંગુ, પલાશ જેવાં દશ ચૈત્યવૃક્ષોનું વર્ણન છે. ચોથો મહાધિકાર સૌથી વિસ્તૃત છે. તેમાં 2961 ગાથાઓ છે. તેમાં મનુષ્યલોકનું સ્વરૂપ પ્રતિપાદિત થયેલું છે. તેમાં ઉત્તર-દક્ષિણ શ્રેણીનાં નગરો, આઠ મંગલ દ્રવ્યો, 10 કલ્પવૃક્ષો, યુગલિયા સ્ત્રી-પુરુષ, 24 તીર્થંકરોની જન્મભૂમિ, નક્ષત્ર અને તેમનું આયુષ્ય વગેરેનું સુંદર સવિસ્તર વર્ણન છે. મહાવીર સ્વામીના કેવલજ્ઞાનથી જંબૂસ્વામીના કેવળજ્ઞાન સુધીની વિસ્તૃત માહિતી છે. 31 અધિકારોમાં સમવસરણનું વર્ણન છે. યક્ષયક્ષિણી, આઠ પ્રકારની ઋદ્ધિઓનું વર્ણન છે. ક્યાંક સૂક્તિઓ પણ મળી આવે છે. પાંચમા મહાધિકારમાં 321 ગાથાઓ છે. ગદ્યભાગ વિશેષ છે. જંબૂદ્વીપ, પુષ્કરવરદ્વીપ, નન્દીશ્વરદ્વીપ, સ્વયંભૂરમણદ્વીપ, લવણસમુદ્ર, કાલોદસમુદ્ર વગેરેનાં વિસ્તાર–ક્ષેત્રફળનું સવિસ્તર વર્ણન છે. છઠ્ઠા મહાધિકારમાં 103 ગાથાઓ છે. તેમાં વ્યંતર દેવોનાં નિવાસસ્થાન, ભેદ, ચિહન, નામ, ઇન્દ્ર, આયુ, આહાર વગેરેનું વર્ણન છે. સાતમા મહાધિકારમાં 619 ગાથાઓ છે. તેમાં જ્યોતિષ દેવોના નિવાસક્ષેત્ર, ભેદ, સંખ્યા, વિન્યાસ, પરિમાણ, અવધિજ્ઞાન, શક્તિ વગેરેનું સવિસ્તર વર્ણન છે. આઠમા મહાધિકારમાં 703 ગાથાઓ છે. તેમાં વૈમાનિક દેવોના નિવાસક્ષેત્ર, વિન્યાસ, ભેદ, નામ, સીમા, વિમાનસંખ્યા, ઇન્દ્રવિભૂત વગેરે અને સમ્યક્ત્વ ગ્રહણનાં કારણોનું વર્ણન છે. નવમા મહાધિકારમાં  સિદ્ધોના ક્ષેત્ર, તેની સંખ્યા, અવગાહના અને સુખ વિશે નિરૂપણ છે.

કલ્પના કનુભાઈ શેઠ