તિલક રાજાનક (ઈ. સ. 1075થી 1125) : કાશ્મીરી અલંકારશાસ્ત્રી. ‘અલંકાર સર્વસ્વ’ના કર્તા રુય્યકના તે પિતા હોવા ઉપરાંત ગુરુ પણ હતા, કારણ કે રુય્યકે પોતે જણાવ્યા પ્રમાણે તેણે સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ તિલક પાસે કર્યો હતો.

રાજાનક તિલકે ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ પર ‘ઉદભટ-વિવેક’ કે ‘ઉદભટવિચાર’ નામની ટીકા લખી છે એવી માહિતી ‘અલંકારસર્વસ્વ’ પર જયરથે લખેલી ‘વિમર્શિનીટીકા’ (ઈ. સ. 1300થી 1325) પરથી મળે છે. તે ટીકામાં અલંકારો અંગેના ત્રણ મત અંગે તિલકના અને તેમની કૃતિના નામનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયો છે.

આક્ષેપ અલંકારના બંને ભેદો જુદા જ છે અને તેમને એક ન માની શકાય એ બાબતે જયરથે સમર્થન આપ્યું છે. બીજો મત જયરથે વિભાવના અલંકાર પરની ટીકામાં આપ્યો છે. તેણે ત્યાં દર્શાવ્યું છે કે ‘વિશેષોક્તિમાં કારણસત્તા બાધ્ય છે ને કાર્યાભાવ બાધક છે’ તેમ દર્શાવતો પાઠ અપપાઠ છે; તેને બદલે અહીં કાર્યાભાવ બાધ્ય છે ને કારણસત્તા બાધક છે તેમ દર્શાવતો પાઠ સાચો અને બરાબર છે માટે તેને સ્વીકારવો જોઈએ, કારણ કે તિલકે પણ આ બાબતમાં આવો મત દર્શાવ્યો છે. તેનો ત્રીજો મત શબ્દાલંકાર અને અર્થાલંકાર નક્કી કરવા માટેના માપદંડ અંગેનો છે. તિલક માને છે કે આ બાબતમાં અન્વયવ્યતિરેક ભાવને નહીં, પણ આશ્રયાશ્રયી ભાવને નિર્ણાયક ગણવો જોઈએ.

જયરથે એ પણ નોંધ્યું છે કે રુય્યક મોટે ભાગે તિલકના મતને અનુસરે છે. ‘કાવ્યપ્રકાશકાર’ મમ્મટ પર પણ આ ટીકાકારનો વધારે પ્રભાવ હતો એમ મનાય છે.

ઉદભટનો ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ ‘વિવૃતિ’ નામની ટીકા સાથે ગાયકવાડ ઓરિઍન્ટલ સિરીઝમાં 1931માં વડોદરાથી પ્રકાશિત થયો છે પણ તે ‘વિવૃતિટીકા’નો કર્તા તિલક હોવા વિશે વિદ્વાનોમાં મતભેદ છે.

નીલાંજના શાહ