તિલકમંજરી : સંસ્કૃત મહાકવિ ધનપાલ(975થી 1035)ની ગદ્યકથા. ધારાના સમ્રાટ પરમાર વંશના ભોજદેવ(990થી 1055)ના સભાકવિપદે રહીને અન્ય કાવ્યકૃતિઓની પણ રચના કરી છે. પ્રાસ્તાવિક શ્લોકોમાં વ્યાસ–વાલ્મીકિથી આરંભીને પોતાના સમય સુધીના પૂર્વ કવિઓનાં કાવ્યોનું આલોચનાત્મક સ્મરણ કરીને કવિએ કથાનો આરંભ કર્યો છે.

‘તિલકમંજરી’માં બે કથાનકોની કલાત્મક ગૂંથણી છે. મુખ્ય કથાનકનો નાયક છે અયોધ્યાનો રાજકુમાર હરિવાહન અને નાયિકા છે સ્વર્ગીય સુંદરી તિલકમંજરી. ઉપકથાનકનો નાયક છે સિંહલદેશનો રાજકુમાર સમરકેતુ અને નાયિકા છે કાંચીની રાજપુત્રી મલયસુંદરી. અયોધ્યાના સેનાપતિ સાથેના યુદ્ધમાં સમરકેતુના પરાક્રમથી પ્રસન્ન થઈને રાજા મેઘવાહન કુમાર હરિવાહન સાથે તેની મિત્રતા કરાવે છે. આ બંને નાયક–નાયિકા અને ઉપનાયક–ઉપનાયિકાના પ્રણયકથાનકની કુશળ ગૂંથણીમાં કવિનો કથાકથન-કસબ પરખાઈ આવે છે.

આ ગદ્યકથામાં અયોધ્યા અને કાંચીનગરી, વિન્ધ્યાટવિ, રાજાની સવારીને જોવા એકઠાં થયેલાં ગ્રામજનો, ભયાનક વૈતાલ, મલયસુંદરીએ વૃક્ષની ડાળીએ ગળાફાંસો ખાઈને કરેલો આત્મહત્યાનો પ્રયાસ, ગંધર્વકનો દિવ્ય વિમાનપ્રવાસ અને શાપથી તેનું પોપટ રૂપમાં થયેલ પરિવર્તન, તીર્થંકર ઋષભદેવ તથા મહાવીર સ્વામીનાં દેરાસરો અને મૂર્તિઓ, સમુદ્રમાર્ગે કરવામાં આવેલ વિજયયાત્રા, રાત્રિ દરમિયાન અચાનક છાપો મારીને કરેલું ઘોર યુદ્ધ, હરિવાહને સિદ્ધ કરેલ દિવ્ય વિદ્યાની સાધના, દિવ્યર્દષ્ટિ ધરાવનાર મહર્ષિએ નિરૂપેલ જન્માન્તરકથા, કુમાર હરિવાહનની કાવ્યગોષ્ઠી અને ગૂઢ પ્રેમપત્રનું વિવરણ, વગેરેનું નિરૂપણ સંસ્કૃત સાહિત્યમાં નવી જ ભાત પાડે છે.

ઉપરાંત ‘તિલકમંજરી’માં ધનપાલે ખૂબ સૂચક પ્રસંગોએ સુંદર શ્લોકો વિવિધ છંદોમાં યોજ્યા છે. પ્રસ્તાવનાના શ્લોકો સહિત આ બધા શ્લોકો સોએક જેટલા છે.

ધનપાલની ગદ્યશૈલી, બાણની ‘કાદંબરી’ની શૈલીનું સ્મરણ કરાવે તેવી છે. સંસ્કૃત સાહિત્યમાં ‘તિલકમંજરી’ એક નોંધપાત્ર ગદ્યકાવ્ય ગણાય છે.

નારાયણ કંસારા