તિર્યકર્દષ્ટિ (squint) : સામેના કોઈ ચોક્કસ બિન્દુ પર જોતી વખતે બેમાંથી એક આંખ ત્રાંસી થઈ જવી તે. જ્યારે કોઈ નિશ્ચિત બિન્દુ પર જોવાનું હોય ત્યારે બંને આંખ તેની દિશામાં એકબીજીને લગભગ સમાંતર જોતી હોય એમ સ્થિર થાય છે. જો તે નિશ્ચિત બિન્દુ અથવા જોનાર વ્યક્તિ તેના સ્થાનેથી ખસે પરંતુ તે જ નિશ્ચિત બિન્દુ પર નજર ટકી રહેલી હોય તો બંને આંખ એકબીજીને સમાંતર રહે તેમ ખસે છે. તેવી જ રીતે જ્યારે નજર કોઈ એક નિશ્ચિત બિન્દુથી કોઈ એક દિશામાં ફરે ત્યારે બંને આંખ એકબીજીને સમાંતર રહીને તે દિશામાં ફરે છે. બંને આંખોના એકબીજાને સમાંતર રહીને નજર નાંખવાની કે નજર ફેરવવાની રીતને આંખોનું સમાંતર ચલન (conjugate movements of eyes) કહે છે. તેને કારણે દ્વિનેત્રી ર્દષ્ટિ (binocular vision) ઉદભવે છે જેને કારણે ઊંડાણનું ભાન થાય છે. અવકાશમાં જ્યારે કોઈ એક દિશામાં નજર નાંખવામાં આવે ત્યારે બંને આંખે સ્પષ્ટ દેખાય તેવી રીતે તેમને ગોઠવવામાં આવે છે. બંને આંખનાં ર્દષ્ટિક્ષેત્રોનું સંયુક્તીકરણ (fusion) કરીને એક સ્પષ્ટ લંબાઈ, પહોળાઈ અને ઊંડાણ દર્શાવે  તેવી દ્વિનેત્રી ર્દષ્ટિવાળું ચિત્ર સ્પષ્ટ બને તે માટે ર્દષ્ટિ પરાવર્તી ક્રિયા (visual reflex) વડે બંને આંખના સ્નાયુઓનું નિયંત્રણ કરાય છે. તેથી તે બંને એકબીજીને સમાંતર રહે છે. જો બેમાંથી એક આંખના સ્નાયુઓનો લકવો હોય કે તેમની ગોઠવણી કે રચનામાં ફેરફાર હોય કે આંખના ગોળાની રચનામાં ફેરફાર હોય ત્યારે બંને આંખ એકબીજીને સમાંતર રહેતી નથી અને તેથી તિર્યકર્દષ્ટિનો વિકાર થાય છે.

આંખની બહારના સ્નાયુઓ (આકૃતિ1) : આંખના ગોળાની બહાર આવેલા સ્નાયુઓ આંખના ગોળાને જુદી જુદી દિશામાં ફેરવે છે. તેને બર્હિનેત્રી (extraocular) સ્નાયુઓ કહે છે. તે મુખ્યત્વે બે પ્રકારના છે : (1) સીધા અથવા સુરેખ (rectus) અને (2) ત્રાંસા અથવા તિર્યક (oblique). ચાર સુરેખ સ્નાયુઓ હોય છે અને બે તિર્યક સ્નાયુઓ. આંખના ગોળાની ઉપરની બાજુએ ઊર્ધ્વ સુરેખ (superior rectus), નીચેની બાજુએ અધ:સુરેખ (inferior rectus), નાક અથવા મધ્યરેખાની બાજુએ મધ્યવર્તી સુરેખ (medial rectus), અને બહારની તરફ અથવા પાર્શ્વવર્તી સુરેખ (lateral rectus), સ્નાયુ આવેલા હોય છે. તે સંકોચાય ત્યારે આંખનો ગોળો તે તરફ અનુક્રમે ઉપર, નીચે, નાક અથવા મધ્યરેખા તરફ કે બહારની તરફ ઘૂમે છે. આ ઉપરાંત બે ત્રાંસા (તિર્યક) સ્નાયુઓ આવેલા હોય છે. ઉપરની બાજુના સ્નાયુને ઊર્ધ્વ-તિર્યક (superior oblique) અને નીચેની બાજુના સ્નાયુને અધ:તિર્યક (inferior oblique) કહે છે. ઊર્ધ્વતિર્યક સ્નાયુ આંખને નીચેની તરફ તથા અધ:તિર્યક સ્નાયુ આંખને ઉપરની તરફ ઘુમાવે છે. આંખના ગોળાની ઉપરની બાજુ બે સ્નાયુઓ ઊર્ધ્વ-સુરેખ અને ઊર્ધ્વ-તિર્યક સ્નાયુઓ હોય છે. અને તેવી જ રીતે આંખના ગોળાની નીચેની બાજુએ પણ બે સ્નાયુઓ હોય છે. અધ:સુરેખ અને અધ:તિર્યક. આ ચારેય સ્નાયુઓ આંખના ડોળાને મધ્યરેખા (નાક તરફ) કે બહારની બાજુએ (કાન તરફ) ફેરવવામાં મદદ કરે છે. ઊર્ધ્વ અને અધ:સુરેખ સ્નાયુઓ આંખને નાક તરફ અને બંને તિર્યક સ્નાયુઓ આંખને કાન તરફ ફેરવે છે. મધ્યવર્તી અને પાર્શ્વવર્તી સુરેખ સ્નાયુઓ પાછળથી આગળ તરફ સીધેસીધા જાય છે જ્યારે  ઊર્ધ્વ અને અધ:સુરેખ  સ્નાયુઓ સહેજ નાક તરફ ત્રાંસા (23°) જાય છે. બંને તિર્યક સ્નાયુઓના આંખના ગોળા સાથે જોડાતા સ્નાયુબંધો (tendons) મધ્યરેખા સાથે 57°નો ખૂણો બનાવે છે. આંખના ગોળાના આ સ્નાયુઓ હાડકાંના ગોખલામાંથી શરૂ થઈને આંખના ગોળાના સૌથી બહારના પડ શ્વેતપટલ(sclera)માં સ્નાયુબંધ વડે ચોંટે છે. સુરેખ સ્નાયુઓના સ્નાયુબંધો ચપટા હોય છે.

તિર્યકર્દષ્ટિના પ્રકારો : ત્રાંસી આંખના વિવિધ પ્રકારો છે તે નીચેની આકૃતિ-2માં દર્શાવ્યા છે :

આકૃતિ-2 : ત્રાંસી આંખના વિવિધ પ્રકારો દર્શાવતી આકૃતિ

જ્યારે બંને આંખોના બહારના સ્નાયુઓ પૂરેપૂરા સંતુલિત હોય અને સામેનું ર્દષ્ય સુસ્પષ્ટ રહે તે માટેની પરાવર્તી ક્રિયાઓ સક્રિય ન હોય ત્યારે પણ એકબીજીને સમાંતર રહે તો તેને સામાન્ય સ્થિતિ અથવા આંખોનું સમદિશચલન (orthophoria) કહે છે.

(અ) સુષુપ્ત તિર્યકર્દષ્ટિ : જ્યારે બંને આંખોના સ્નાયુઓનું સંતુલન અપૂર્ણ હોય ત્યારે બેમાંથી એક આંખ તેની સામાન્ય સ્થિતિમાંથી ખસી જાય છે. બે આંખો એકબીજીથી જુદી જુદી દિશામાં તાકે તે સ્થિતિને વિષમદિશ ચલન (heterophoria) કહે છે. તે હંમેશાં સુસ્પષ્ટ હોતું નથી; પરંતુ ક્યારેક ફક્ત વિભક્તીકરણ  કસોટીઓ (dissociation tests) દ્વારા જ શોધી શકાય એવી સ્થિતિ હોય તો તેને સુષુપ્ત તિર્યકર્દષ્ટિ (latent squint) કહે છે.

ત્રાંસી થતી આંખ મધ્યરેખા (નાક) તરફ બહારની બાજુ (કાન તરફ) ઉપર, નીચે ગોળ ફરતી હોય કે જુદી જુદી દિશામાં નજર કરવામાં આવે ત્યારે જુદી જુદી દિશામાં ત્રાંસી થઈને ફરી જાય છે. તેને અનુક્રમે મધ્યવર્તી ચલન (esophoria), પાર્શ્વવર્તી ચલન (exophoria), ઊર્ધ્વવર્તી ચલન (hyperphoria), અધોવર્તી ચલન (hypophoria), ચક્રીય ચલન (cyclophoria) અને અસમ ચલન (anisophoria) કહે છે. સુષુપ્ત તિર્યકર્દષ્ટિની પરિસ્થિતિ નિર્માણ કરતાં પરિબળોમાં શારીરિક માંદગી, વધુ પડતા શ્રમથી આંખોને લાગતો થાક કે અતિશય ધ્યાનથી સતત જોવું પડે તેવો વ્યવસાય મુખ્ય છે. 1 વર્ષથી નાની ઉંમરના શિશુઓમાં બે આંખથી જોવાની પરાવર્તી ક્રિયાઓ નબળી હોય છે અને તેથી ક્યારેક એક આંખ બહારની બાજુ (કાન તરફ) ફરી જાય છે. બાળકોમાં ઉપવર્તી (convergent) પરાવર્તી ક્રિયાઓ વધુ બળવાન હોવાથી જો આંખ ત્રાંસી થાય તો તે નાક તરફ વળે છે. મોટી ઉંમરે નજીકનું જોવાની તકલીફ પડતી હોવાથી જો આંખ ત્રાંસી થાય તો તે બહારની બાજુ (કાન તરફ) ફરે છે. તેવી જ રીતે પાસેનું કે દૂરનું જોવાની તકલીફ હોય તો ત્રાંસી આંખ અનુક્રમે નાક તરફ કે કાન તરફ ફરે છે. આંખનો ગોળો, સ્નાયુઓ કે આંખનો ગોખલો જો અનિયમિત આકાર કે કદનો હોય તોપણ તે આંખ ત્રાંસી લાગે છે.

સુષુપ્ત તિર્યકર્દષ્ટિવાળી વ્યક્તિ આંખમાં અને માથામાં દુખાવો, ર્દષ્ટિમાં ઝાંખપ હોય તો ક્યારેક બેવડું જુએ છે. સુષુપ્ત તિર્યકર્દષ્ટિ છે કે નહિ તે નિશ્ચિત કરવા માટે વિવિધ કસોટીઓ કરાય છે; દા. ત., એક આંખને ઢાંકીને તે ત્રાંસી થાય છે કે નહિ તે જોવું  તથા મૅડોક્સનો દંડ (Maddox rod) કે મૅડૉક્સપાંખ(Maddox wing)ની મદદથી કસોટીઓ કરવામાં આવે છે. તેવી જ રીતે સંગચાલક (synaptophore) નામનું સાધન પણ નિદાન કરવામાં ઉપયોગી છે.

સુષુપ્ત તિર્યકર્દષ્ટિવાળી વ્યક્તિને જો આંખનાં ચશ્માંની જરૂર હોય તો તે આપવાથી ત્રાંસી આંખનો સુષુપ્ત વિકાર શમે છે. સંગચાલક યંત્રની મદદથી બંને આંખનાં ર્દષ્ટિક્ષેત્રોનો વધુ ને વધુ મેળાપ કરાવાય છે અને તે માટે આંખના સ્નાયુઓનું બળ વધારવાની સારવાર આપી શકાય છે. આવી સારવારને સુરેખર્દષ્ટિની સારવાર(orthoptics) કહે છે. ક્યારેક નબળા સ્નાયુનું બળ વધારવાની કે તેની વિરુદ્ધના સ્નાયુનું બળ ઓછું કરવાની સારવાર કરાય છે.

(આ) સુસ્પષ્ટ તિર્યકર્દષ્ટિ (manifest squint) : હંમેશાં સ્પષ્ટ રૂપે જણાતી ત્રાંસી આંખના વિકારને સુસ્પષ્ટ તિર્યકર્દષ્ટિનો વિકાર કહે છે. તે મુખ્યત્વે બે પ્રકારની છે : (i) ગમે તે દિશામાં જોતી વખતે દેખાઈ આવતી સર્વદિશ તિર્યકર્દષ્ટિ અને (ii) આંખના સ્નાયુઓના લકવાથી થતી લકવાજન્ય (paralytic) અથવા તો જે બાજુ લકવો થયો હોય તે તરફ નજર નાંખતી વખતે દેખાતી એટલે કે એક દિશામાં થતી એકદિશ તિર્યકર્દષ્ટિ અને ગમે તે દિશામાં જોતી વખતે દેખાઈ આવતી સર્વદિશ તિર્યકર્દષ્ટિ.

(. 1) સર્વદિશ તિર્યકર્દષ્ટિ : બધી દિશામાં એકસરખી રીતે ત્રાંસી આંખ જણાઈ આવે તેવો આ વિકાર છે. તેનાં કારણો વિવિધ જૂથમાં વહેંચાયેલાં છે. બે આંખથી જોવાની પ્રક્રિયામાં વિક્ષેપ કરતાં કારણો, આંખની રચનામાં ખામીથી ઉદભવતા વિકારો, સુષુપ્ત તિર્યકર્દષ્ટિનો વધુ તીવ્ર વિકાર તથા કેન્દ્રીય ચેતાતંત્રના વિકારો, દૂરનું જોવાની તકલીફ, આંખના પ્રકાશવાહી વિસ્તારો (optical media), જેવા કે સ્વચ્છા (cornea), નેત્રમણિ (lens) કે આંખમાંનાં પ્રવાહીઓમાં અપારદર્શક દ્રવ્યો વગેરે હોય ત્યારે તથા ર્દષ્ટિપટલ (retina) કે ર્દષ્ટિચેતા(optic nerve)ના વિકારોમાં સર્વદિશ તિર્યકર્દષ્ટિ થાય છે. આંખના ગોળાની રચના કે સ્થાનમાં જન્મજાત વિકૃતિ, આંખના ગોળામાં ઉદભવતી ગાંઠ તથા આંખના સ્નાયુઓની જન્મજાત ગેરહાજરી રચનાલક્ષી વિકાર સર્જીને સર્વદિશ તિર્યકર્દષ્ટિ કરે છે. માનસિક આઘાત તથા દાંત આવતા હોય ત્યારે ક્યારેક થતી કેન્દ્રીય ચેતાતંત્રની ઉત્તેજનશીલતા પણ સર્વદિશ તિર્યકર્દષ્ટિ કરે છે.

સામાન્ય રીતે પ્રથમ પાંચ વર્ષની ઉંમરમાં તે થાય છે. સામાન્ય રીતે બાળક જોવામાં કોઈ તકલીફ અનુભવતું નથી; પરંતુ તેને દ્વિનેત્રી ર્દષ્ટિ ઉદભવતી નથી. ત્રાંસી આંખ બધી જ દિશામાં સામાન્ય રીતે ફરે છે. સામાન્ય આંખને ઢાંકીને વ્યક્તિને ત્રાંસી આંખ વડે કોઈ ચોક્કસ બિન્દુ પર જોવાનું કહેવામાં આવે ત્યારે ત્રાંસી આંખ એ દિશામાં સ્થિર થાય છે. જે દિશામાં તે સામાન્ય આંખ પર ઢાંકણ ન હોય અને તે વ્યક્તિ તે નિશ્ચિત બિન્દુ પર જોતી હોય. આ બંને ચિહનો વડે તેનું નિદાન કરાય છે.

સર્વદિશ તિર્યકર્દષ્ટિ બે પ્રકારની છે : એક આંખમાં થતી એકનેત્રી (uniocular) અને બંને આંખમાં વારાફરતી થતી એકાંતરિત નેત્રી (alternating), જ્યારે એક જ આંખમાં ત્રાંસી નજરનો વિકાર હોય ત્યારે ત્રાંસી આંખ દ્વારા જોવાતા ર્દશ્યને મગજ અવગણે છે જ્યારે બંને આંખ વારાફરતી ત્રાંસી બનતી હોય ત્યારે બંને આંખ અલગ અલગ રીતે સામાન્ય ર્દષ્ટિ ધરાવે છે, પરંતુ જે ત્રાંસી બની હોય તે આંખનું ર્દશ્ય મગજ સ્વીકારતું નથી. જ્યારે ત્રાંસી આંખ મધ્યરેખા તરફ વળેલી હોય ત્યારે તેને ઉપવર્તી (convergent) તિર્યકર્દષ્ટિ અને જ્યારે તે બહારની તરફ વળેલી હોય ત્યારે તેને અપવર્તી (divergent) તિર્યકર્દષ્ટિ કહે છે. ઉપર નીચેની દિશામાં વળી જતી ત્રાંસી આંખ ભાગ્યે જ જોવા મળે છે.

ઉપવર્તી અથવા નાક તરફ વળેલી ત્રાંસી આંખનું મુખ્ય કારણ વધુ પડતું નજીક જોવાની ક્રિયાથી થાય છે. જ્યારે દૂરનું જોવા માટે આંખનાં ચશ્માંના ખૂબ વધુ નંબર હોય ત્યારે પણ બાળક ફક્ત નજીકનું જોયા કરે છે. તે સમયે બંને આંખ નાક તરફ વળેલી હોય છે. તેને આંખોનું ઉપવર્તન (convergence) કહે છે. તે ક્યારેક ઉપવર્તી તિર્યકર્દષ્ટિમાં પરિણમે છે. આંખો કે આંખોના સ્નાયુઓની રચનામાં ખામી કે સ્નાયુઓ વચ્ચેનું અસંતુલન પણ ઉપવર્તી કે અપવર્તી તિર્યકર્દષ્ટિ કરે છે. એકાંતરિત તિર્યકર્દષ્ટિ 3થી 6 વર્ષની ઉંમરે થાય છે. ઘણી વખત માંદગી, માનસિક આઘાત કે માથાની ઈજા કારણભૂત બને છે. કેટલીક વખતે તે રોગ ચોક્કસ કુટુંબોમાં એકથી વધુ વ્યક્તિને થતો જોવા મળે છે. વારાફરતી બંને આંખોને ઢાંકીને એક આંખની કે બંને આંખની વારાફરતી થતી તિર્યકર્દષ્ટિની ખામીનું નિદાન કરી શકાય છે. સામાન્ય અને ત્રાંસી આંખ વચ્ચેના ખૂણાનું માપ મેળવાય છે. તેનો ઉપયોગ શસ્ત્રક્રિયા કરતી વખતે કરાય છે. સામાન્ય વિકાર હોય તો નંબરવાળાં ચશ્માંથી ઉપચાર કરી શકાય છે. વધુ તીવ્ર વિકારમાં શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. મધ્યવર્તી સુરેખ (medial rectus) કે પાર્શ્વવર્તી (lateral rectum) સ્નાયુને કાપીને કે તેનું આંખ સાથેના જોડાણનું સ્થાન બદલીને આંખનું ત્રાંસાપણું ઘટાડી શકાય છે. જો ઉપર નીચેની દિશામાં ત્રાંસી આંખ હોય તો ઉપર કે નીચે તરફના સુરેખ કે તિર્યક (oblique) સ્નાયુઓની શસ્ત્રક્રિયા કરાય છે. સંગચાલક નામના યંત્ર વડે બંને આંખનાં ર્દષ્ટિ ક્ષેત્રોને એકબીજાંમાં મેળવવાની કસરત કરાવાય છે. જો બંને આંખ વારાફરતી ત્રાંસી થતી હોય તો શસ્ત્રક્રિયાનો હેતુ દેખાવ સુધારવા પૂરતો જ રહે છે.

(. 2) લકવાજન્ય અથવા એકદિશ તિર્યકર્દષ્ટિ : આંખનો જે સ્નાયુ લકવાગ્રસ્ત થયો હોય તે દિશામાં જોતી વખતે સૌથી વધુ અને અન્ય દિશાઓમાં ઓછા પ્રમાણમાં કે નહિવત્ પ્રમાણમાં ત્રાંસી આંખ હોવાનો વિકાર છે. આંખના સ્નાયુઓને મગજમાંથી નીકળતી 3, 4 અને 6 – એમ 3 જુદા જુદા ક્રમાંક ધરાવતી કર્પરી ચેતાઓ(cranial nerves)માંથી કોઈ એક ચેતાના રોગ કે વિકારથી આ પ્રકારનો રોગ થાય છે. તેનું કારણ જન્મજાત કુરચના, ચેપ, ચેપ વગરનો સોજો, ઝેરી પદાર્થોની અસર, ગાંઠ, મધુપ્રમેહ, લોહીની નસોના વિકારો, ઈજા કે સ્નાયુઓના વિકારો હોય છે. તે કોઈ પણ ઉંમરે થાય છે અને લકવાગ્રસ્ત સ્નાયુની દિશામાં જોતી વખતે બેવડું દેખાય છે. ક્યારેક ચક્કર અને ઊબકા પણ થાય છે. ત્રણે જુદી જુદી ચેતાઓથી ઉદભવતા વિકારોમાં અલગ અલગ ચિહનો ઉદભવે છે જેને આધારે તેનું નિદાન થાય છે. સારવાર રૂપે મૂળ રોગનો ઉપચાર મુખ્ય છે. બેવડું ન દેખાય તે માટે ઘણી વખત ત્રાંસી આંખને ઢાંકી દેવામાં આવે છે. જો સ્નાયુ સંકોચાઈ ગયા હોય તો લાંબા ગાળાના વિકારમાં ક્યારેક શસ્ત્રક્રિયા કરાય છે.

શિલીન નં. શુક્લ

રોહિત દેસાઈ