તિરુમલાયે (સત્તરમી શતાબ્દી) : મધ્યકાલીન કન્નડ કાવ્યસાહિત્યમાં વૈષ્ણવ યુગ શરૂ કરનાર કવિ. તિરુમલાયેએ વિષ્ણુ-ભક્તિનાં પદો રચ્યાં, જેમાં ભાવ અને નિરૂપણરીતિનું એટલું વૈવિધ્ય છે કે વૈષ્ણવ ન હોય તે પણ એમનાં પદોથી પ્રભાવિત બની જાય. એમણે રામ તેમજ કૃષ્ણ-ભક્તિનાં ગીતો રચ્યાં છે. તે ભાવવિભોર બનીને ગાતા. એ કાવ્યોથી જ એમણે કર્ણાટકમાં વૈષ્ણવ સંપ્રદાય ફેલાવ્યો. આજે પણ મંદિરોમાં અને ધાર્મિક સમારંભોમાં એમનાં પદો ગવાય છે. તિરુમલાયે રાજકવિ હતા. મૈસૂરના મહારાજ ચિક્કદેવરાયના દરબારમાં એમનું અત્યંત ગૌરવભર્યું સ્થાન હતું. એમણે એ રાજાની પ્રશસ્તિનાં પણ અનેક કાવ્યો લખ્યાં છે. ‘ચિક્કદેવરાય વિજય’માં ચિક્કદેવરાયે કરેલાં યુદ્ધો અને એમણે મેળવેલા વિજયનાં વર્ણનો છે. એ વીરરસપ્રધાન કાવ્ય છે; તેમાં જોશીલી વાણીનો પ્રયોગ થયો છે. ‘ચિક્કદેવરાય શતક’ કાવ્યમાં મહારાજાની પ્રશસ્તિના 100 શ્લોકો છે. કન્નડ સાહિત્યમાં એ પ્રકારની એ પ્રથમ કાવ્યરચના છે.
‘ચિક્કદેવરાય વંશાવલિ’ એ એમની ગદ્યરચના છે; તેમાં ચિક્કદેવરાયની પૂર્વની સાત પેઢીઓનો વિગતવાર ઇતિહાસ છે. એટલે ઐતિહાસિક ર્દષ્ટિએ પણ એનું મહત્વ છે. એ ઉપરાંત સત્તરમી શતાબ્દીના ઉત્તમ ગદ્યનો પણ પરિચય મળે છે. એમનું ગદ્ય કાવ્યમય છે.
જોકે કન્નડ સાહિત્યમાં એમનું સ્થાન ચિરંજીવ રહેશે ‘ગીતગોપાલ’થી. એમાંનાં કાવ્યો વિદ્યાપતિ કે સૂરદાસનાં કૃષ્ણપ્રેમનાં ગીતોનું સ્મરણ કરાવે છે.
ચન્દ્રકાન્ત મહેતા