તિરુપતિ : દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ. આંધ્રપ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં ચિત્તુર જિલ્લામાં તે આવેલું છે. તિરુપતિનગરથી 18 કિમી. અને રેનીગુંટા સ્ટેશનથી 28 કિમી.ના અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ.રે..

તિરુપતિનું મંદિર, તિરુપતિ

તિરુમાલા પર્વતમાળા વચ્ચે સમુદ્રની સપાટીથી આશરે 854 મી. ઊંચાઈએ તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળાં  વૃક્ષોથી આચ્છાદિત તિરુમાલા પર્વતમાળાને ‘સપ્તગિરિ’ પણ કહેવામાં આવે છે; કારણ કે સાત ટેકરીઓ વચ્ચે આ પ્રદેશ વહેંચાયેલો છે. તિરુપતિ બાલાજી ‘વેંક્ટેશ્વર’ કે ‘શ્રીનિવાસ’ તરીકે પણ જાણીતા છે. પર્વત પર બિરાજમાન તિરુપતિ બાલાજીના દર્શને જવા માટે પાંચ માર્ગો છે, જેમાં બે માર્ગ વાહનો માટે જ્યારે ત્રણ માર્ગ પદયાત્રીઓ માટે છે. દરરોજ અહીં સરેરાશ ત્રીસથી પાંત્રીસ હજાર યાત્રાળુઓ આવે છે.

મંદિરમાં દર્શનવિધિ સાથે મુંડનવિધિનું વિશેષ મહત્વ છે. દેવસ્થાનમ્ ટ્રસ્ટ તરફથી આ અંગે ખાસ વ્યવસ્થા છે. આ વિધિની વ્યવસ્થાના વિભાગને અહીં ‘કલ્યાણકટ્ટ’ કહે છે. કલ્યાણકટ્ટ દ્વારા એકત્ર થયેલ વાળની વીગ બનાવવા માટે નિકાસ થાય છે. વરસ દરમિયાન ઊજવાતા અનેક ઉત્સવોમાં નવરાત્રી અહીંનો સૌથી મોટો ઉત્સવ છે. બાલાજીની ભવ્ય મૂર્તિ પર 28,313 હીરાથી જડેલો મુગટ છે, જેની કિંમત રૂપિયા છ કરોડથી અધિક આંકવામાં આવે છે.

તિરુપતિનગર ચેન્નાઈથી 131 કિમી., બૅંગાલુરુથી 170 કિમી. અને મુંબઈથી 1,281 કિમી.ને અંતરે આવેલ છે. આ નગરમાં વેંકટેશ્વર યુનિવર્સિટી આવેલી છે. આ ઉપરાંત ટ્રસ્ટ-સંચાલિત સંસ્કૃત વિદ્યાલય અને હૉસ્પિટલ તેમજ અનેક અતિથિગૃહો આવેલાં છે. તિરુપતિનગરમાં પદ્માવતી ગોવિંદરાજનું મંદિર ઉપરાંત નજીકમાં 35 કિમી.ના અંતરે શંકરનું પ્રાચીન મંદિર કાલહસ્તિ જોવાલાયક છે. શહેરની વસ્તી 2,95,323 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 10,04,615 (2011).

મહેશ મ. ત્રિવેદી