તિરુનેલવેલી (તિનેવેલ્લી) : તમિળનાડુ રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વહીવટી મથક. જિલ્લાનો કુલ વિસ્તાર 6810 ચોકિમી. તથા વસ્તી 30,72,880 (2011) છે.

તિરુનેલવેલી નગર 8.44 ઉ. અ. અને 77.42 પૂ. રે. પર આવેલું છે. તે તામ્રપર્ણી નદીના પશ્ચિમ કાંઠા પર પાલન કોટ્ટાઈક્વિલોન રેલમાર્ગ પર શેન કોટ્ટા ખીણની અગ્નિ દિશામાં આશરે 80 કિમી. અંતરે વસેલું છે. તેની પૂર્વે તુતિકોરિન, પશ્ચિમે ક્વિલોન અને દક્ષિણે નાગરકોઈલ નગરો આવેલાં છે. પલાયન કોટ્ટાઈ એ તેનું જોડિયા-નગર છે જે તામ્રપર્ણી નદીના જમણા કાંઠા પર વસેલું છે.

પાંડ્ય શાસકોના કાળ દરમિયાન તે દક્ષિણ ભારતનાં મહત્વનાં વ્યાપારી મથકોમાં ગણાતું હતું. હાલ તે કાપડ, કપાસ, ઇમારતી લાકડું, સ્વયંસંચાલિત વાહનોના છૂટા ભાગ, જરઝવેરાત, દાગીના તથા સિગારેટ જેવી વસ્તુઓના વ્યાપારનું કેન્દ્ર છે. નગરમાં આવેલ શિવપાર્વતીનું મંદિર દ્રવિડ સ્થાપત્યશૈલીનો ઉત્તમ નમૂનો ગણાય છે. પાપનાશમ્ વિદ્યુતમથકથી આ નગરને વીજળીનો પુરવઠો પ્રાપ્ત થાય છે. પર્યટનસ્થળ તરીકે પણ આ નગર જાણીતું છે.

જાણીતા સ્પૅનિશ જેસ્યુઇટ ધર્મગુરુ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરે (1506–1552) ભારતમાં તેમના કાર્યની શરૂઆત આ નગરથી કરી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે