તિરાને : યુરોપના અગ્નિખૂણામાં આવેલ આલ્બેનિયા પ્રજાસત્તાક દેશની રાજધાની. એડ્રીઆટિક સમુદ્રથી પૂર્વમાં 32 કિમી. દૂર કિનારાના મેદાનમાં તે પથરાયેલ છે. મૂળ તે ફળદ્રૂપ મેદાનની દક્ષિણે ચૂનાના ખડકોની હારમાળાની તળેટીમાંનો જંગલવિસ્તાર હતો. વસ્તી આશરે 6,21,000 (2020) છે. ઓટોમન સેનાપતિ બર્કીન્ઝાદેશ સુલેમાન પાશાએ 1600માં તેની સ્થાપના કરી હતી.
1946માં રશિયાની અસર હેઠળ સામ્યવાદીઓએ તેનો હવાલો સંભાળ્યો ત્યારબાદ ત્યાં વિવિધ વસ્તુઓ બનાવતી વીસ જેટલી નવી ફૅક્ટરીઓ સ્થપાઈ તથા સરકારી કચેરીઓ, શાળાઓ અને દવાખાનાનાં નવાં મકાનો બંધાયાં. ઉપરાંત ત્યાં જળવિદ્યુત-ઊર્જામથક પણ બાંધવામાં આવ્યું અને પાણીપુરવઠાની સગવડ આધુનિક બનાવાઈ.
અહીં શહેરની આસપાસના વિસ્તારમાં ઑલિવ અને બદામની ખેતી મોટા પાયે થાય છે.
તે આલ્બેનિયાનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર હોઈ અહીં મિકૅનિકલ એન્જિનિયરિંગને લગતા ઉદ્યોગ ઉપરાંત છાપકામનાં યંત્રો, મકાન-બાંધકામનાં જરૂરી સાધનો, કાચ, સિરૅમિક, લાકડાની બનાવટો અને અનેક લઘુઉદ્યોગોનો વિકાસ થયો છે.
આલ્બેનિયાનાં અન્ય શહેરો સાથે તે રસ્તા, રેલ અને હવાઈ માર્ગે સંકળાયેલ છે. અહીંની વસ્તીનો મોટો ભાગ ઇસ્લામ ધર્મ પાળે છે.
1920માં જ્યારે તે દેશનું મુખ્ય વહીવટી મથક બન્યું, ત્યારે તેની વસ્તી માત્ર 10,000ની હતી. ત્યારબાદ રાજા ઝૉગ જે સ્વતંત્ર આલ્બેનિયાનો પ્રથમ અને એકમાત્ર રાજવી રહ્યો છે, તેણે ઇટાલિયન સ્થપતિઓને રોકીને શહેરનો નવો કેન્દ્રીય વિસ્તાર અને સ્કેન્ડરબર્ગ ચોકની આસપાસ સરકારી કચેરીઓનાં ભવ્ય મકાનો બંધાવ્યાં. શહેરનો વિસ્તાર વધતાં તેને આધુનિક સ્વરૂપ મળ્યું.
1939થી 44ના સમય દરમિયાન ઇટાલિયન અને જર્મન લશ્કરોએ અહીં થાણાં સ્થાપ્યાં હતાં, અને તેના પર પોતાનો કબજો જમાવ્યો હતો.
નિયતિ મિસ્ત્રી