તિરહેનિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાયેલો દરિયો. તિરહેનિયન સમુદ્રનું સૌથી વિશેષ મહત્વ ઇટાલી દેશ માટે છે. રોમન સંસ્કૃતિના વિકાસમાં આ સમુદ્રનો ફાળો ખૂબ જ મોટો ગણાય છે.

તિરહેનિયન સમુદ્ર 38° થી 43° ઉ. અ. અને 9°.4´ થી 16.2´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેના ઉત્તર અને પૂર્વ કિનારે ઇટાલી, દક્ષિણ અને પશ્ચિમમાં ઇટાલીના સિસિલી અને સાર્ડિનિયા ટાપુઓ આવેલા છે. વાયવ્ય દિશામાં કૉર્સિકા આવેલો છે. આ સમુદ્રની ઉત્તરમાં લિગુરિયન સમુદ્ર અને દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર છે. સિસિલી અને ઇટાલી વચ્ચે મેસીના સામુદ્રધુની  છે, જ્યાં ભૂમધ્ય સમુદ્રમાંથી ત્યાંના દરિયામાં પ્રવેશી શકાય છે. કૉર્સિકા અને સાર્ડિનિયા વચ્ચે બોનિફેસિયો સામુદ્રધુની છે.

ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળો આ સમુદ્રવિસ્તાર છે, જ્યાં આજુબાજુના ભાગમાં શિયાળામાં વરસાદ આપવામાં ઉપયોગી છે. કિનારાના વિસ્તારમાં તાપમાન સામાન્ય રહે છે તેથી સમધાત પ્રકારની આબોહવા નિર્માણ થાય છે. તેના દરિયાકિનારાનો વિસ્તાર છીછરો તથા મધ્ય ભાગ વધુ ઊંડાઈવાળો છે. આમાં એલ્બા, ગિગલિયો, પોન્ટી, લિપારી, ઉસ્ટિકા જેવા ટાપુઓ આવેલા છે. નેપલ્સ, મેસીના, પોલેમી, કેગલિયન, એજેસિયો જેવાં બંદરો વિકસ્યાં છે. આ બંદરો ઇટાલીના મત્સ્ય-ઉદ્યોગ તથા વેપારના વિકાસમાં મહત્વનાં ગણી શકાય. ઇટાલીના આર્થિક, રાજકીય ને સાંસ્કૃતિક વિકાસમાં આ સમુદ્રનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે.

જીવાભાઈ પટેલ