તિથિકાવ્યો : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપ્રકાર. આવા સાહિત્યપ્રકારોમાં બારમાસી, રેખતા, ધોળ, લાવણી અને વારની સાથે તિથિકાવ્ય પ્રકાર પણ જાણવામાં આવ્યો છે. જાણવામાં આવેલાં તિથિકાવ્યોમાં ઋષભસાગર, અખો, ખીમસ્વામી, ગણા કવિ, જગજીવન, થોભણ, દયારામ, દામોદરાશ્રમ, દ્વારકો, નરભો, નિરાંત, નાનો, પ્રભાશંકર, પ્રાગજી, પ્રીતમ, ભોજો, પ્રાણજીવન, રઘુનાથ, તુલસી, વહાલો, દયાળહરિ, ભૂમાનંદ જેવાનાં છે. આ એક નાનો સાહિત્યપ્રકાર છે. નરભાની મરણની, રઘુનાથની માતાજીની અને તુલસીની રામચંદ્રની તિથિ છે. મૂળમાં તો બારમાસી કે મહિનાની જેમ આ વિરહકાવ્ય છે. દયારામનો ‘પંદરતિથિનો ગરબો’ અને ‘હીરાવેધ’ શીર્ષકથી જાણીતી સોળ તિથિઓ આનો ખ્યાલ આપે છે. એમાં પ્રિય પાત્ર તરફની નાયિકાની મનોવેદના જોવા મળે છે. બંને કાવ્ય ગોપાંગનાના વિરહના અનુતાપનાં છે. પંદરતિથિને ક્રમમાં આપીને એ ગેય કાવ્યનો અંત પણ વિરહાત્મક જ રહ્યો હોય છે. આ કાવ્યપ્રકાર આત્મલક્ષી તેમ પરલક્ષી પણ હોય છે. અખાની ‘સોળતિથિ’ અને ‘પંનરતિથિ’ જ્ઞાનમૂલક છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં પૂર્ણ થાય છે. અન્ય કવિઓએ પણ ઇષ્ટચિંતન અને પ્રભુની કે ઇષ્ટની સ્તુતિ જેવા વિષયોનું ગાન કર્યું છે. નોંધપાત્ર એ છે કે જૂનાંમાં જૂનાં તો માત્ર અખાનાં બે તિથિકાવ્યો છે, જ્યારે દયારામનાં અને ભૂમાનંદનાં છેલ્લાં કહી શકાય. આમાં અખાની અને દયારામની રચનાઓ કાવ્યગુણથી અંકિત છે. આનું જૂનામાં જૂનું સ્વરૂપ નાલ્હકવિકૃત ‘વિસલદેવ રાસો’(ઈ. સ.ની સોળમી સદી)માં વિરહગાનના સ્વરૂપે જાણવામાં આવ્યું છે.
કે. કા. શાસ્ત્રી