તિજોરીપત્ર (treasury bill) : સરકારને અલ્પકાલીન લોન આપનારને સમયસર નાણાં ચૂકવવા અંગે સરકાર દ્વારા અપાતી વચનચિઠ્ઠી. પોતાને ટૂંકા ગાળા માટે ત્રણ કે છ માસ માટે, નાણાં ધીરનારને મુદત પૂરી થયે મુકરર તારીખે નાણાં ચૂકવવામાં આવશે એ મતલબની સરકાર દ્વારા આપવામાં આવતી વચનચિઠ્ઠી. એને ધારણ કરનાર ચોક્કસ તારીખે સરકાર પાસેથી દાર્શનિક મૂલ્ય જેટલી રકમ મેળવવાનો હકદાર છે. તિજોરીપત્ર સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સરકારનાં અંદાજપત્ર અને હિસાબો મહેસૂલખાતું ને મૂડીખાતું એમ બે ખાતાંઓમાં વહેંચાયેલ હોય છે. બંને ખાતાંમાં થતાં એકંદર  ખર્ચ જેટલી આવક મેળવવાનો સામાન્ય સંજોગોમાં સરકાર પ્રયત્ન કરે છે, વર્ષાન્તે આવક-જાવક  સમતોલ રહે એમ સાધારણ રીતે તે ઇચ્છે છે. સમગ્ર વર્ષની ર્દષ્ટિએ તે આવી સમતોલ સ્થિતિ ધરાવે તેમ માની લઈએ તોપણ દરેક મહિને તેની આવક-જાવક બરાબર સરખી રહે જ એમ બનતું નથી, કારણ કે કેટલાક મહિનામાં સરકારનો ખર્ચ અણધાર્યાં કારણોસર એકદમ વધી જાય ત્યારે આવકના સ્રોતોમાંથી સરકારના હાથમાં આવક ન પણ આવતી હોય. તેથી જ્યારે જાવક કરતાં આવક ઓછી હોય તેવા મહિનાઓમાં ખૂટતી રકમ ક્યાંથી લાવવી તે માટેનો એક માર્ગ તિજોરીપત્ર બહાર પાડીને મધ્યસ્થ બૅંક કે નાણાબજાર પાસેથી લોન મેળવી લેવાનો છે. જેમની પાસે ફાજલ નાણાં હોય તે વ્યક્તિઓ કે સંસ્થાઓ નાણાબજાર મારફતે તિજોરીપત્ર લઈને આવાં નાણાં સરકારને ધીરે છે. તિજોરીપત્ર સરકારના ટૂંકા ગાળાના દેવાને દર્શાવે છે. સરકાર આ દેવું આવકની પુરાંત ધરાવતા મહિનાઓમાં ચૂકવી દઈ શકશે એવી અપેક્ષા હોય છે.

સરકારની એકંદર આવક-જાવકની ખાદ્યને બજેટની કે રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. સરકારે પોતાની થાપણોમાંથી કેટલો ઉપાડ કર્યો ને તિજોરીપત્ર દ્વારા કેટલાં નાણાં મેળવ્યાં તે જોઈએ તો રાજકોષીય કે બજેટની ખાધનું માપ મળી રહે છે.

અસ્કામત તરીકે : તિજોરીપત્ર સરકાર માટે અલ્પકાલીન લોન મેળવવા માટેનું સાધન છે તો બીજી તરફ નાણાબજારની બૅંકો અને અન્ય વિત્તીય સંસ્થાઓ માટે ટૂંકા ગાળા માટે ફાજલ પડેલાં ભંડોળોના રોકાણની ર્દષ્ટિએ તેને આદર્શ અસ્કામત લેખે છે. ખોટ ખાધા વિના સરળતાથી તેનું રોકડમાં રૂપાન્તર કરી શકાય છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં તે રોકડતા કે તરલતા(liquidity)નો ગુણ ધરાવતી અસ્કામત છે. આવાં નાણાં સરકારને બાંધી મુદતે ધીરેલાં હોવાથી તે ભયરહિત ધિરાણ હોય છે. તિજોરીપત્ર પાકવાની મુદત પહેલાં નાણાંની જરૂર પડે તો તે નાણાબજારમાં વેચી શકાય છે. મધ્યસ્થ બૅંક પણ તેની સામે નાણાં ધીરવા તૈયાર હોય છે; એટલું જ નહિ, પરંતુ તિજોરીપત્રના પુનર્વટાવ માટેની સગવડ પણ મધ્યસ્થ બૅંક આપે છે. આ લક્ષણોને લીધે બૅંકો ને અન્ય નાણાકીય સંસ્થાઓ જરા જેટલુંય વ્યાજ ન મળે તે રોકડ રકમ બને તેટલી ઓછી રાખીને આ અનુકૂળ અસ્કામતમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ રોકાણ મહત્વની  સુરક્ષારૂપ બને છે.

તિજોરીપત્રના દાર્શનિક મૂલ્ય જેટલાં નાણાં તેના ધારણ કરનારને સરકારે ત્રણ કે છ માસ પછી એ પાકે ત્યારે આપવાનાં હોય છે. આથી મુદત પછીની એ રકમનું મૂલ્ય આજે કેટલું ગણાય તેની તિજોરીપત્ર ખરીદનાર ગણતરી કરે છે અને તદનુસાર વટાવ કાપીને તેનાં નાણાં ચૂકવે છે. નાણાબજારમાં આ વટાવનો દર નીચો હોય છે.

ભારતમાં કેન્દ્રસરકારે પ્રથમ વાર ઑક્ટોબર, 1917માં તિજોરીપત્ર બહાર પાડ્યાં હતાં. પહેલા વિશ્વયુદ્ધ માટે નાણાકીય સાધનો મેળવવાના એક માર્ગ તરીકે આ પગલું તત્કાલીન બ્રિટિશ સરકારે લીધું હતું. શરૂઆતમાં તે છ, નવ કે બાર મહિને પાકે તે પ્રકારનાં હતાં: જાન્યુઆરી, 1918થી ત્રણ મહિને પાકે તેવાં તિજોરીપત્ર બહાર પાડવામાં આવ્યાં. 1930 ને 1932 વચ્ચે ત્રણ માસ કરતાં વધુ મુદતે પાકતાં તિજોરીપત્ર બહાર પાડવાનું બંધ કરવામાં આવ્યું. રિઝર્વ બૅંકે તેની સ્થાપના (1935) પછી ત્રણ માસ એટલે 91 દિવસની મુદત ધરાવતાં તિજોરીપત્ર બહાર પાડ્યાં છે.

જાન્યુઆરી, 1950થી રાજ્ય સરકારોનાં તિજોરીપત્ર બહાર પાડવાનું બંધ કરવામાં આવ્યું છે.

સરકારના બૅંકર તરીકે સરકારના એજન્ટ તરીકે રિઝર્વ બૅંક કેન્દ્ર-સરકારના 91 દિવસની મુદત ધરાવતાં તિજોરીપત્ર બહાર પાડે છે.

તિજોરીપત્રોને વેચવાની બે રીત છે : દર અઠવાડિયે હરાજી દ્વારા વધુમાં વધુ ભાવનાં ટેન્ડર ભરનાર વચ્ચે તેમને ફાળવી આપવાની એક રીત. જુલાઈ, 1965થી આ રીતે તિજોરીપત્રો વેચવાનું રિઝર્વ બૅંક દ્વારા બંધ કરવામાં આવ્યું છે. પ્રચલિત વેચાણની બીજી રીત અનુસાર અઠવાડિયાના કોઈ પણ દિવસે રિઝર્વ બૅંકે મુકરર કરેલા વટાવના દરે તેની પાસેથી ગ્રાહકો તિજોરીપત્ર પ્રાપ્ત કરી શકે છે. વટાવનો દર નિશ્ચિત રહે છે ને જરૂરિયાત પ્રમાણે અઠવાડિયાના દરેક દિવસે તિજોરીપત્રની ખરીદી થઈ શકે છે. ગ્રાહકે રૂ. 25,000નો ન્યૂનતમ જથ્થો કે તેના ગુણાંકમાં તિજોરીપત્ર ખરીદવાનાં હોય છે.

ભારતમાં અનુસૂચિત (scheduled) વ્યાપારી બૅંકો તિજોરીપત્રની પ્રમુખ ગ્રાહક છે. નાણાછૂટની મોસમમાં પોતાનાં ફાજલ ભંડોળો તે આ અસ્કામતમાં રોકે છે. રાજ્યસરકાર અને જાહેર જનતા પણ તિજોરીપત્ર ખરીદી શકે છે.

રાજ્યસરકારોને, બૅંકોને અને મુકરર કરેલી અન્ય સંસ્થાઓને સાધારણ રીતે રિઝર્વ બૅંક પોતાના સબ્સિડિયરી જનરલ લેજર એકાઉન્ટમાં નોંધ રૂપે તિજોરીપત્ર વેચે છે. વ્યક્તિગત ગ્રાહકોને તે કાગળિયાના રૂપમાં વેચવામાં આવે છે.

કેન્દ્રસરકાર કેટલીક વાર રિઝર્વ બૅંકમાંની પોતાની થાપણોને મુકરર કરેલી સપાટીએ જાળવી રાખવાના હેતુથી ખાસ પ્રકારનાં તિજોરીપત્ર બહાર પાડે છે. તેમને કામચલાઉ (ad hoc) તિજોરીપત્ર કહેવામાં આવે છે.

સમયાન્તરે રિઝર્વ બૅંક ધારણ કરે છે તે કામચલાઉ તિજોરીપત્રોનું કેન્દ્રસરકાર લાંબી મુદતની સરકારી જામીનગીરીઓમાં રૂપાન્તર કરે છે. આમ કરવાથી સરકારનું એકંદર દેવું તો પૂર્વવત જ રહે છે પણ રૂપાન્તરણ (funding) પછી તેનું ટૂંકી મુદતનું દેવું ઘટે છે અને લાંબી મુદતનું દેવું વધે છે.

તિજોરીપત્ર કરતાં સરકારી દીર્ઘકાલીન જામીનગીરી પર વ્યાજનો દર વધુ હોય છે એટલે સરકારનો વ્યાજચુકવણી પાછળનો ખર્ચ વધે છે.

રોકાણકારે ખરીદી વખતે તિજોરીપત્રની ચૂકવેલી કિંમત (જે તેના દાર્શનિક મૂલ્ય કરતાં ઓછી હોય છે) અને પાકતી મુદતે તેને (રોકાણકારને) પરત મળતી રકમ વચ્ચેનો તફાવત રોકાણકારને મળતું વ્યાજ સૂચવે છે.

સરેરાશ વાર્ષિક વટાવનો દર 1940ના દસકામાં 1 % ઓછો હતો. 1952–53થી 1964–65 દરમિયાન તે 2 %થી વધુ હતો. 1965ના જુલાઈમાં તિજોરીપત્ર ‘ઓન ટેપ’ પદ્ધતિથી વેચાવા માંડ્યાં ત્યારે વટાવ દર 3.50 % ઠરાવવામાં આવ્યો હતો. સાધારણ રીતે રિઝર્વ બૅંકનો બૅંક-દર બદલાય ત્યારે આ વટાવદરમાં પણ આનુષંગિક ફેરફાર કરવામાં આવે છે.

વ્યાપારી બૅંકોને વ્યાપાર-ઉદ્યોગની પ્રવૃત્તિ તેજ બને તે મહિનાઓમાં રોકડ રકમની જરૂર પડે છે ને ત્યારે તેઓ પોતાની પાસેનાં તિજોરીપત્રના તારણ પર રિઝર્વ બૅંક પાસેથી લોન લઈ શકે છે. રિઝર્વ બૅંક વ્યાપારી બૅંકોને તિજોરીપત્રના પુનર્વટાવની સગવડ પણ આપે છે. રિઝર્વ બૅંકને પોતાની પાસેના તિજોરીપત્ર બૅંકો પુનર્વટાવ માટે આપી શકે છે ને નાણાં મેળવી શકે છે. રિઝર્વ બૅંક બૅંકો પાસેથી પુનર્વટાવનો જે દર લે છે તેની બૅંકોની ધિરાણનીતિ પર ભારે અસર પડે છે. રિઝર્વ બૅંક પુનર્વટાવ દર વધારે ત્યારે પોતાનો નફો જાળવવા માટે બૅંકોએ પણ પોતાના વ્યાજના દર વધારવા પડે છે. આમ થાય ત્યારે સમગ્ર અર્થતંત્રમાં નાણાં મોંઘાં થાય છે. રિઝર્વ બૅંક પુનર્વટાવ-દર ઘટાડે તો બૅંકો પણ તેના વ્યાજના દર ઘટાડે છે. ભારતમાં વ્યાપારી બિલોનું ચલણ ઓછું છે. એટલે બૅંકદર કરતાં તિજોરીપત્ર માટેનો પુનર્વટાવ-દર નાણાનિયમન માટે વધુ મહત્વ ધરાવે છે. એક વાર પુનર્વટાવ કરેલાં તિજોરીપત્ર રિઝર્વબૅંક ફરી વેચતી નથી. સાધારણ રીતે તેના પર ખૂબ ઓછા દરે વ્યાજ મળતું હોવાથી તિજોરીપત્રોને ખરીદનારાઓ એ પાકે ત્યાં સુધી પોતાની પાસે રાખતા નથી. પરંતુ એને ફરીથી વટાવે છે. તેથી ચુકવણી બાકી હોય તેવાં મોટાભાગનાં તિજોરીપત્રની માલિકી આ રીતે રિઝર્વ બૅંક પાસે આવે છે.

કેટલાક દેશોમાં મધ્યસ્થ બૅંકો નાણાનિયમનના સાધન તરીકે તિજોરીપત્રનું ખરીદવેચાણ પણ કરે છે. નાણાબજારમાં નાણાં ઘટાડવાં હોય ત્યારે તે તિજોરીપત્ર વેચે છે અને વધારવાં હોય ત્યારે તે તિજોરીપત્ર ખરીદે છે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીના ખરીદ-વેચાણ નામના નાણાનિયમનનાં સાધનનો જ આ એક પ્રકારાન્તર છે જોકે ભારતમાં રિઝર્વ બૅંક આ હેતુથી તિજોરીપત્રોનું ખરીદ-વેચાણ કરતી નથી.

બદરીપ્રસાદ મ. ભટ્ટ