તિંગ લિંગ (જ. 1907, લિન્લી કો, ચીન; અ. 1985) : ચીનનાં વાર્તા- લેખિકા. મૂળ નામ જિઆંગ બિંગઝા. બેજિંગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ 1930માં ડાબેરી લેખકોની લીગમાં જોડાયાં અને તેના મુખપત્રનાં તંત્રી બન્યાં. 1932માં તેઓ સામ્યવાદી પક્ષમાં જોડાયાં પણ પુરુષોની આંધળી દેશદાઝ તથા અન્ય ભેદભાવની ઉઘાડેછોગ ટીકા કરવા બદલ પક્ષ તરફથી તેમના પર નિયંત્રણ લાદવામાં આવ્યું. 1930માં ચીનના જાણીતા વાર્તાકાર અને તેમના પ્રથમના પતિ શેનશૂંગ-વેનને બુઝર્વા કહીને તેમણે કડક ટીકા કરેલી. ત્યારપછીના કાળમાં રાજકીય કારણોસર તેમના ઉપર ટીકાનો વરસાદ વરસેલો. 1957 સુધીમાં તો સાહિત્યક્ષેત્રમાંથી તેમનું નામ સાવ ભૂંસાઈ ગયેલું. તેમના ઉપર જમણેરી વિચારધારા ધરાવતાં હોવાનો મુખ્ય આરોપ હતો. તિંગ લિંગે 1937માં ચીન ઉપર જાપાની આક્રમણ થયું તે પહેલાં કેટલુંક સુંદર કથા-સાહિત્ય પ્રકાશિત કર્યું હતું. આ સાહિત્યમાં મુખ્યત્વે રોમાંચક પ્રકારની કથાઓ હતી; પરંતુ તેમાં ચીનના સમૂહજીવનની પ્રણાલી પ્રતિબિંબિત થયેલી દેખાય છે. કેટલીક વાર્તાઓમાં સામ્યવાદી અને બિનસામ્યવાદી લોકો વચ્ચે જાતીય અસમાનતાનું ચિત્રણ છે. રાજકીય અજંપા વચ્ચે જીવતા ચીનના લોકોના જીવનના વાસ્તવિક પ્રશ્નોનું નિરૂપણ તિંગ લિંગની વાર્તાઓમાં થયેલું છે. ‘ધ સન શાઇન્સ ઑન ધ સાંગકાન રિવર’ (1948) એ તેમની યશસ્વી કૃતિ છે. સ્ટાલિન પારિતોષિકથી નવાજવામાં આવેલી આ કૃતિમાં જમીન-સુધારણાનું વિષયવસ્તુ કેન્દ્રસ્થાને છે.

1958માં રાજકીય સાફસૂફી તરીકે તેમને દૂરના વિસ્તારમાં મરઘાંપાલનની કામગીરી સોંપવામાં આવી હતી. સાંસ્કૃતિક ક્રાંતિ (1970–75) દરમિયાન તેમને જેલમાં મોકલેલાં. છેવટે 1979માં પક્ષ તરફથી તેમને પૂર્વવત્ પ્રતિષ્ઠા અપાઈ હતી.

પંકજ જ. સોની