તા કાઓ દેવળ, કંબોડિયા : કંબોડિયાના ખ્મેર શાસનકાળમાં રાજા સૂર્યવર્મન પહેલા (ઈ. સ. 1002–50) દ્વારા બનાવાયેલ ઉલ્લેખનીય દેવળ. 103 મી. × 122 મી.ના વિશાળ મંચ પર બનાવાયેલ આ દેવળ ખ્મેર શાસનકાળની 200 વર્ષની અવધિમાં વિકસેલ સ્થાપત્યશૈલીનું આખરી સ્વરૂપ છે. આ દેવળની રચનામાં વિવિધ ઊંચાઈએ મંચો આવેલા છે અને તે બધા સમકેન્દ્રીય છે. આમાં 40મી.ની ઊંચાઈએ આવેલા સૌથી ઊંચા મંચનો વિસ્તાર 48મી × 48 મી.નો છે. આ વિસ્તારમાં રેતાળ પથ્થરમાંથી બનાવાયેલ તે સૌપ્રથમ ઇમારત છે; તેમાં પાંચ વિશાળ મિનારા પણ છે.
હેમંત વાળા