તાસો, તોર્કવેતો (જ. 11 માર્ચ 1544, રોમ; અ. 25 એપ્રિલ 1595, સાન્ત ઓનોફિઓ, ઇટાલી) : ઇટાલિયન કવિ. નેપલ્સમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ પાદુઆમાં કાયદાનો અભ્યાસ કર્યો. પણ કાયદાને બદલે તેમણે સાહિત્યમાં વધુ રુચિ દાખવી અને 1562માં તો તેમનું પ્રથમ મહાકાવ્ય ‘રિનાલ્ડો’ પ્રસિદ્ધ થયું. તેમણે 1570માં કાર્ડિનલ લૂઈગી દ’ ઇસ્તેની નોકરી દરમિયાન પૅરિસની મુલાકાત લીધી અને પછીનાં વર્ષો કાર્ડિનલના ભાઈ આલ્ફોન્ઝો બીજાના દરબારી કવિ તરીકે કામ કર્યું. દ’ઇસ્તેની પ્રશંસા તોર્ક્વેતોની 1580માં પ્રકાશિત થયેલ કૃતિ ‘અમિન્તા’માં જોવા મળે છે. 1575માં પ્રસિદ્ધ થયેલ કૃતિ ‘જેરૂસાલેમ લિબરાટા’માં તો આલ્ફોન્સોના દરબારના ઘણાને અમર બનાવી દીધા છે. ઝળહળતી પ્રતિભા ધરાવતા આ મહાકવિની યશસ્વી કારકિર્દી ક્ષણજીવી નીવડી અને પોતાનું મહાકાવ્ય પૂરું થાય તે પહેલાં તો તે ઉન્માદના વ્યાધિનો ભોગ બન્યા. ઉન્માદમાં એક હિંસક હુમલાના આરોપસર તેમને કારાવાસ વેઠવો પડ્યો જ્યાંથી એક રાત્રે તક ઝડપીને તે ભાગી છૂટ્યા અને સોરેન્ટોમાં રહેતી પોતાની બહેનને ત્યાં આશરો લીધો. 1579માં આલ્ફોન્ઝોના દરબારનું આકર્ષણ ફરી વાર કવિને ફેરારા ખેંચી ગયું જ્યાં ઉન્માદના ભારે હુમલાઓને કારણે તેમને સેન્ટ ઍન ઇસ્પિતાલમાં દાખલ કરવા પડ્યા. અહીં માનસિક ત્રાસ, ભય, ભ્રાન્તિમાં અને વચ્ચે વચ્ચે સ્વસ્થ થતાં સાહિત્યસર્જનની પ્રવૃત્તિમાં તેમના દિવસો પસાર થયા. 1580માં કેદના કાયદામાં છૂટછાટ જાહેર થતાં 1586માં તેમને કારાવાસમાંથી મુક્ત કરવામાં આવ્યા. વિશ્રાન્તિનો સમય માન્ટુઆમાં પસાર કરતાં કરતાં તેમણે 1587માં તેમની કૃતિ ‘ટોરિસ્મેન્ડો’ પૂરી કરી. જીવનમાં ખૂબ અજંપો હતો, પ્રેરણાસ્રોત સુકાઈ રહ્યો હતો પણ કશુંક કરી છૂટવાની ઝંખના સદા તાજી હતી. બેચેન કવિ છેલ્લે ઇટાલી પાછા ફર્યા. ત્યાં તેમને પોપનો આશ્રય મળ્યો અને તેમની મહાન કૃતિ ‘જેરૂસાલેમ કૉન્કિવસ્ટાટા’ 1593માં પ્રસિદ્ધ કરી શક્યા. હવે ઉન્માદ વકરતો જતો હતો. બુદ્ધિ જાણે બહેર મારી ગઈ હતી. એ કરુણ સંજોગોમાં કવિનું સાન્ત ઓનોફિઓમાં અવસાન થયું.

તોકર્વેતો તાસો

તાસો તોર્કવેતોની કૃતિ ‘અમિન્તા’ કવિના આનંદી મિજાજનો પરિચય આપે છે. તેમાં અમિન્તા અને સિલ્વિયાના પ્રણયની રોમાચંક કથા છે. તોકર્વેતોની કવિતામાં મુખ્ય વિષય પ્રણય રહ્યો છે. તેમની મહેચ્છા ઇટાલીને પ્રશિષ્ટ શૈલીનું મહાકાવ્ય આપવાની હતી. ‘રિનાલ્ડો’ અને ‘જેરૂસાલેમ કૉન્ક્વિસ્ટાટા’ આ પ્રકારના પ્રયાસ છે. તેમની ‘જેરૂસાલેમ લિબરાટા’ ઇટાલીના સાહિત્યના ઇતિહાસમાં સીમાસ્તંભરૂપ કૃતિઓ ગણાય છે. પ્રથમ ધર્મયુદ્ધ દરમિયાન જેરૂસાલેમની પ્રાપ્તિના ઐતિહાસિક વિષય ઉપર આ કૃતિનું નિર્માણ થયેલું છે. આમ છતાં, સમગ્ર રીતે તાસો તોર્કવેતોની કવિતામાં ધર્મ કે ઐતિહાસિકતા કરતાં માનવ-ઊર્મિઓનું વિશ્વ વધુ પ્રબળ પ્રેરણાસ્રોત માલૂમ પડે છે. શબ્દોના અર્થ કરતાં શબ્દોના વાતાવરણ દ્વારા કવિ ઉત્કટ ઊર્મિઓને વ્યક્ત કરવા સમર્થ છે તે તેમની યશસ્વી  કૃતિઓમાંથી ફલિત થાય છે. તોર્કવેતો મહાન સર્જક અને સમર્થ શબ્દસ્વામી હતા. તોર્કવેતોની ગદ્યશૈલીનો પરિચય તેમની કૃતિ ‘ડિસ્કોરી’(1587)માં મળે છે. પોતાની કવિતા અંગેના તેમના વલણને સમજવા માટે આ કૃતિ ચાવીરૂપ ગણાય છે.

પંકજ જ. સોની