તાહિતિ : ‘સોસાયટી આઇલૅન્ડ’ નામથી ઓળખાતા ચૌદ ટાપુઓમાંનો સૌથી મહત્વનો ટાપુ. તે મધ્યદક્ષિણ પૅસિફિક મહાસાગરમાં 17° 49´ દ. અ. અને 149° 25´ પ. રે. પર ઑસ્ટ્રેલિયાની પૂર્વે આશરે 5600 કિમી.ને અંતરે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 1042 ચોકિમી. છે. લંબાઈ 53 કિમી. તથા પહોળાઈ 25 કિમી. જેટલી છે. તેની કુલ વસ્તી 1,83,645 (2012) છે, જેમાં યુરોપિયન તથા ચીના લોકોનું પ્રમાણ વધારે છે. પાપીતે તેનું પાટનગર અને બંદર છે, જે ટાપુના વાયવ્ય કિનારા પર વસેલું છે.

તેનું સરેરાશ તાપમાન 24° સે. તથા 29° સે. દરમિયાન રહે છે. ઉષ્ણકટિબંધને લગતું તાપમાન ધરાવતા આ ટાપુ પર વાર્ષિક 1750થી 2500 મિમી. વરસાદ પડે છે. વિષમ ધરતીનો વિસ્તાર ધરાવતા આ ટાપુના પ્રદેશમાં અસંખ્ય શીઘ્ર ગતિ ધરાવતાં ઝરણાં, જલપ્રપાત અને ઊંચા પહાડો આવેલાં હોવાથી તે અદ્વિતીય સૃષ્ટિસૌંદર્ય ધરાવે છે અને તેને લીધે પર્યટકો માટે તે આકર્ષણ ઊભું કરે છે.

કૃષિ અને મચ્છીમારી ત્યાંના મુખ્ય વ્યવસાય છે. શેરડી, નાળિયેર, કૉફી, વૅનિલા, કેળાં અને નારંગી ત્યાંની મુખ્ય પેદાશો છે. પર્યટન ઉદ્યોગોનો પણ ત્યાં નોંધપાત્ર વિકાસ થયેલો છે. પૅરિસ, હોનોલુલુ તથા ન્યૂઝીલૅન્ડ સાથે તે નિયમિત વિમાનસેવાઓથી જોડાયેલો છે.

એશિયા ખંડમાંથી હજારો વર્ષ પૂર્વે પૉલિનેશિયન લોકો આ ટાપુ પર વસવાટ કરવા આવેલા. 1767માં અંગ્રેજ દરિયાખેડુ સૅમ્યુઅલ વાલિસે તેની મુલાકાત લીધી હતી. ત્યારપછી જેમ્સ કૂક (1769, 1773 અને 1777) તથા કમાન્ડર વિલિયમ બ્લિધ (1786) તેની મુલાકાતે આવ્યા હતા. 1768માં લૂઈ ઍન્ટની દ બોગનવિલેએ તેના પર ફ્રાન્સનું વર્ચસ્ દાખલ કર્યું હતું. 1843માં ફ્રેન્ચોએ તેને રક્ષિત રાજ્ય બનાવ્યું અને 1880માં તેમણે આ ટાપુને ખાલસા કર્યો. 1843 પહેલાં તે પૉમેર વંશનું મુખ્ય કેન્દ્ર હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે