તાસ : ભૂતપૂર્વ સોવિયેત સંઘની અને હવે રશિયાની સત્તાવાર સમાચાર સંસ્થા. તેનું નામ રશિયન ભાષાના તેના પૂરા નામનો આદ્યાક્ષરી સંક્ષેપ છે : ટેલિગ્રાફનોઇ એજેન્ત્સ્વો સોવેત્સ્કોવો સોયુઝા (સોવિયેત સંઘની ટેલિગ્રાફ સંસ્થા). વિશ્વની પ્રમુખ સમાચાર સંસ્થાઓમાં તેનું સ્થાન છે. ભૂતપૂર્વ સોવિયેત સંઘના ઘટકોમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં સમાચારો પહોંચાડવાની તેની વ્યવસ્થા છે. ઝારતંત્રની પેત્રોગ્રાદની સમાચાર સંસ્થાના સ્થાને રોસ્તા નામે પ્રથમ ક્રાંતિકારી સમાચાર સંસ્થાની રચના કરાઈ. તે પછી, 1925માં સોવિયેત શાસને તાસની સ્થાપના કરી. તાસ પૂર્ણતયા સરકારી સંસ્થા છે અને મંત્રીમંડળને જવાબદાર છે. તેના 10,000 ગ્રાહકોમાં 3600 રશિયન વૃત્તપત્રો છે. ઉપરાંત તે 76 દેશોમાં 300 વિદેશી વૃત્તસંસ્થાઓને સેવા આપે છે. રશિયાનાં વર્તમાનપત્રો, રેડિયો તથા ટેલિવિઝન માટે તાસ સમાચારનો મુખ્ય આધાર છે. 100 કરતાં વધારે દેશોમાં તેના વૃત્તાંતનિવેદકો છે. અરબી,  અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, રશિયન, સ્પૅનિશ અને હિન્દીમાં સમાચારોનું પ્રેષણ કરાય છે. તાસનાં સમાચારો તથા વિવેચનો રશિયન શાસનનાં નીતિ તથા વલણને યથાતથ પ્રસ્તુત કરે છે.

બંસીધર શુક્લ