તાશ્કંદ કરાર (10 જાન્યુઆરી, 1966) : ભારત પાકિસ્તાન વચ્ચેના 1965ના યુદ્ધને અંતે સધાયેલ ઐતિહાસિક સમજૂતી. પાકિસ્તાનની રચના (14–15 ઑગસ્ટ 1947) પછી તેનો ભારત સાથેનો સંબંધ અને વ્યવહાર તનાવપૂર્ણ રહ્યો છે. વૈમનસ્ય અને અમૈત્રીભર્યા વ્યવહારને લીધે એક કરતાં વધારે વાર તેનાં દળોએ ભારતના સીમાડાઓ પર આક્રમણ કર્યું છે. 22 સપ્ટેમ્બર, 1965ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રયત્નોને લીધે યુદ્ધ-તહકુબી અમલમાં આવી. ત્યારપછી સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ અંગે ચર્ચા થઈ, પરંતુ છેવટે 4–10 જાન્યુઆરી, 1966માં તત્કાલીન સોવિયેત વડાપ્રધાન એલેક્સી કોસીજીનની મધ્યસ્થતાના પગલે પગલે ભારત-પાકિસ્તાનના વડાપ્રધાનોની એક પરિષદ તાશ્કંદ ખાતે યોજવામાં આવી. આ વાટાઘાટોના અંતે બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે 10 જાન્યુઆરી, 1966ને દિવસે જે સમજૂતી થઈ તે ‘તાશ્કંદ કરાર’ તરીકે જાણીતી થઈ. આ સમજૂતી મુજબ, (1) કાશ્મીરમાં 15મી ઑગસ્ટ, 1965 પહેલાંની સ્થિતિએ બંને દેશોએ પોતપોતાનાં દળો પાછાં ખેંચી લેવાં, (2) એલચી સંબંધો પુન: સ્થાપવા અને (3) આર્થિક સમસ્યાઓ, નિર્વાસિતો અને અન્ય પ્રશ્નો અંગે વાટાઘાટો કરવી.

આ સમજૂતી પર ભારત વતી તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી (જેમનું પછીના દિવસે 11 જાન્યુઆરીના રોજ હૃદયરોગના હુમલાથી ત્યાં જ અવસાન થયું) તથા પાકિસ્તાનના પ્રમુખ અયૂબખાને દસ્તખત કર્યા.

આ કરારમાં યુદ્ધના મુદ્દાનો તથા કાશ્મીરમાં ચાલતી ગેરીલા પ્રવૃત્તિના અંતનો સમાવેશ કરવામાં આવ્યો ન હોઈને, તે ભારતમાં ટીકાપાત્ર બની રહ્યો છે.

નવનીત દવે