તાલીસપત્ર : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગમાં આવેલા ટૅક્સેસીના કુળના વૃક્ષનું પર્ણ. તેનું વૈજ્ઞાનિક નામ Taxus baccata linn. (સં. મં. બં. હિં – તાલીસપત્ર; ક. ચરીચલી, ચંચલી, મારા; તે. તા. તાલીસપત્રી, મલા. તાલેસપત્ર; ફા. જરનવ; અ. તાલીસફર અં. Common yew) છે.
તે 6 મી. જેટલું ઊંચુ અને 1.5-1.8 મી. ઘેરાવો ધરાવતું વૃક્ષ છે. તે સમશીતોષ્ણ હિમાલયમાં 1800-3300 મી.ની ઊંચાઈએ અને મેઘાલય અને મણિપુરની ટેકરીઓમાં 1500–મી. ઊંચાઈએ જોવા મળે છે. તેની છાલ રતાશ પડતી બદામી, પાતળી અને શલ્કી (scaly) હોય છે. પર્ણો દ્વિપંક્તિક (distichous), રેખીય, પ્રતિવક્રિત (recurved), પર્ણકિનારીવાળાં હોય છે. તે પર્ણોની ઉપરની સપાટી ચળકતી અને નીચેની સપાટી આછી પીળાશ પડતી બદામી કે કાટ જેવી લાલ હોય છે.
તેનાં પર્ણો સુગંધિત હોવા છતાં થોડા ઝેરી ગુણવાળાં હોય છે. ભારતમાં તેનાં પર્ણોનો ઉપયોગ કઠોળ તથા દાળ-શાક વઘારવામાં થાય છે. તાલીસપત્ર ‘ઝર્નેબ’ નામના ઔષધનો સ્રોત છે; તેનો યુનાની ઔષધોમાં ખૂબ ઉપયોગ થાય છે.
માંસલ બીજચોલ (aril) સિવાયના વૃક્ષના બધા ભાગો ઝેરી હોય છે; જે ટૅક્સિન નામના બેઝિક ઘટકની હાજરીને કારણે છે. ટૅક્સિનમાંથી ટૅક્સિન A અને ટૅક્સિન B નામના ઘટકો અલગ કરવામાં આવ્યા છે; તે પૈકી ટૅક્સિન B હૃદયને નુકસાન કરતી પ્રક્રિયા દર્શાવે છે. ઉંદરમાં તેની વિનાશક માત્રા50(lethal dose50, LD50) 4.5 મિગ્રા/કિગ્રા. હોય છે. જોકે તાલીસપત્રને કારણે મનુષ્યમાં વિષાક્તન (poisoning) ભાગ્યે જ જોવા મળે છે. તેથી સામાન્ય રીતે ગર્ભપાત માટે પર્ણોના ક્વાથનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ગાય-ભેંસ, સૂવર, ઘોડા, કૂતરા જેવાં મોટા ભાગનાં પ્રાણીઓ સંવેદી હોવાથી તેઓમાં વિષાક્તનના કેસો નોંધાયા છે.
શ્વસનતંત્રને લકવો થવાથી અને હૃદ્-નિષ્ફળતાને કારણે મૃત્યુ થાય છે. પ્રાણીઓમાં વિષાક્તનના ઓછા તીવ્ર કિસ્સાઓમાં જઠરાંત્રીય શોથ (gastro-enteritis) અને અતિસાર (diarrhoea)નાં ચિહનો જોવા મળે છે.
પર્ણોમાં ટૅક્સિન ઉપરાંત, હાઇડ્રોસાયેનિક ઍસિડ, ફૉર્મિક ઍસિડ અપચાયી (reducing), શર્કરાઓ, રાળ (resin), ટેનિન, એફેડ્રિન, ટૅક્સિકેટિન નામનો ગ્લુકોસાઇડ, ટૅક્સિફાઇલિન, ફૅરેડૉક્સિન, એક્ડાય્સ્ટેરોન અને β – સિટોસ્ટેરૉલ હોય છે.
અંત:કાષ્ઠ(heartwood)માંથી આઇસોટૅક્સિરેસિનૉલ, આઇસોટૅક્સિનૉલ-6-મિથાઇલ ઈથર, આઇસોલેરિસિરેસિનૉલ અને સેકોઆઇસોલેરિસિરેસિનૉલ અને એક લિગ્નેન-ટૅક્સિરેસિનૉલ મળી આવે છે. મૂળની છાલ બેકેટિન અને બીજ ટૅક્સિકેટિન તથા ઍબ્સિસિક ઍસિડ ધરાવે છે. ફળોમાં રોડોઝેન્થિન, લાયકોપિન, β – કૅરોટિન અને ઝિઆઝેન્થિન નામનાં રંજક દ્રવ્યો હોય છે. તાજાં પાકાં લાલ ફળોમાં ઇસ્કેસ્કોલ્ઝ્ઝેન્થોનની હાજરી નોંધાઈ છે.
આયુર્વેદ અનુસાર, તે સ્વાદે મધુર, કડવું અને તીક્ષ્ણ હોય છે. ગુણમાં તે હળવું (લઘુ), ગરમ, હૃદય માટે હિતકર, અવસાદક (શામક), સંકોચ-વિકાસ પ્રતિબંધક અને આર્તવજનક છે. તે દમ, ઉધરસ, કફ, વાયુ, ક્ષય, ગુલ્મ, અરુચિ, રક્તદોષ, ઊલટી, આમદોષ, પિત્ત તથા મુખરોગનો નાશ કરે છે. તાલીસપત્ર થોડી માત્રામાં નાડી અને શ્વાસોચ્છવાસ મંદ કરે છે. મધ્યમ માત્રામાં તે શ્વાસોચ્છવાસ અને હૃદયની ગતિ વધારે છે. જ્યારે મોટી માત્રામાં તેનું ઝેર ચઢતાં કૅફ ચઢે છે; મૉળ આવે છે; આંખો પહોળી થાય છે; શ્વાસ મંદ પડે છે અને ગભરામણ થઈ પ્રાણઘાત થાય છે. તેની વધુ માત્રા પશુ અને માનવ માટે ઘાતક હોય છે. તાલીસપત્રચૂર્ણ અરુચિ, અજીર્ણ, ઉધરસ, શ્વાસ, તાવ, ઊલટી, અતિસાર, શોષ. પેટ ચડવું, બરોળ, પાંડુ તથા સંગ્રહણી જેવા રોગો મટાડે છે.
માંસલ બીજચોલનો આદિવાસીઓ ખાવામાં ઉપયોગ કરે છે. તે વાતાનુલોમક (carminative), કફોત્સારક (expectorant) અને ક્ષુધાવર્ધક (stomachic) ગુણધર્મો ધરાવે છે.
તેનું કાષ્ઠ નારંગી-બદામી કે ઘેરું લાલ-બદામી હોય છે અને તેમાં આછા તથા ઘેરા રંગની રેખાઓ જોવા મળે છે. તેનું વજન હલકાથી માંડી ભારે (વજન, 592-945 કિગ્રા/ઘનમી.), સુરેખ કે અંતર્ગ્રથિત કણયુક્ત (interlocked grained) અને ટકાઉ હોય છે. તેનું સંશોષણ (season) સારી રીતે થતું હોવા છતાં ધીમું થાય છે અને યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો વળી જાય છે અને આડી તિરાડો પડે છે. બધાં શંકુવૃક્ષોનાં કાષ્ઠ પૈકી તાલીસપત્રનું કાષ્ઠ સૌથી કઠિન હોય છે. તેના પર કરવતકામ સરળતાથી થાય છે અને સુંદર લીસી સપાટી બનાવી શકાય છે. તે લાંબો સમય ટકે તેવી પૉલિશ ગ્રહણ કરે છે.
કાષ્ઠ તેની કઠિનતા, ટકાઉપણું અને સુશોભનના લક્ષણ માટે કીમતી ગણાય છે. તે કૅબિનેટ-કામ, સુશોભિત વસ્તુઓ, છરીના હાથાઓ, કોતરકામ, ફર્નિચર, પૃષ્ઠાવરણ (Veneer), જડાવકામ (inlaying), ભોંયતળિયું, પૅનલ, દરવાજા, વાડ, કમાન, છાપરાની વળી, થાંભલા, હળ, રહેંટ, પૅન્સિલ અને ખરાદીકામમાં ઉપયોગી છે. કાષ્ઠનો ધૂપ માટે ઉપયોગ થાય છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ