‘તાલીબ’ ગુરુબચન સિંહ

January, 2014

‘તાલીબ’ ગુરુબચન સિંહ (જ. 9 એપ્રિલ 1911, પતિયાલા, પંજાબ; અ. 9 એપ્રિલ 1986) : પંજાબી લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પતિયાલામાં જ લીધું. અમૃતસરની ખાલસા કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પસાર કરી તથા એ જ વિષય લઈને એમ.એ.માં પણ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તરત જ ખાલસા કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક નિમાયા અને કૉલેજના પ્રિન્સિપાલપદે પહોંચ્યા. એમણે જોયું કે પંજાબી ભાષા હજી ઘડાતી હતી અને વિદ્યાર્થીઓ પંજાબી વિષય લઈને બી.એ. તથા એમ.એ.ના વર્ગમાં ભણતા હોય તેમને માટે વિવેચનના સાહિત્યિક સિદ્ધાંત વિષેનાં યોગ્ય પ્રમાણભૂત પુસ્તકો નહોતાં. એથી એમણે પંજાબીમાં સાહિત્ય-વિવેચનના ગ્રંથો લખ્યા. એમની પાસે તો અંગ્રેજી સાહિત્યની ભૂમિકા હતી જ એટલે એ પંજાબી વિવેચનસાહિત્યના પ્રથમ લેખક બન્યા. એમનાં વિવેચનનાં પુસ્તકો છે ‘રોમાંચક પંજાબી’ (1938), ‘સાહિબ દી પરખ’ (1950), ‘પંજાબી ગલ્પકાર’ (1942), ‘પંજાબી નાટકકાર’ (1948). એ પુસ્તકો અનેક ભાગોમાં છે અને વિદ્યાર્થીઓને  વિવેચનની સરળ સમજ આપે છે. એ પુસ્તકો દ્વારા એમણે પંજાબીમાં આલોચક તરીકે પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું. એમણે ‘વગદી દી રાવી’ નવલકથા પણ લખી છે (1962). તે પંજાબી ભાષાની પ્રથમ જાનપદી નવલકથા છે. એમણે ‘બાલસાહિત્ય’માં પણ કેટલાક પ્રયોગો કર્યા છે, જેમ કે ‘પાની દી કહાની’ (1941) ‘ફૂલોં દી કહાની’ (1948) વગેરે. 1985માં તેમને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચન્દ્રકાન્ત મહેતા