તારીખે બહાદુરશાહી (સોળમી સદી) : દિલ્હી સલ્તનતથી માંડીને (ઈ. સ. 1304) સુલતાન બહાદુરશાહના શાસનનો અંત (ઈ. સ. 1526–1537) સુધીનો ઇતિહાસ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક હુસામખાન ગુજરાતી છે. લેખકના આ પુસ્તકની હસ્તપ્રત મળી નથી. ‘મિરાતે સિકંદરી’માં આ ગ્રંથનો ઘણો ઉપયોગ થયેલો છે. હાજી ઉદ્-દબીરે ‘તબકાતે બહાદુરશાહી’ તરીકે અને લેખકના નામ ઉપરથી ‘તબકાતે હુસામશાહી’ નામથી તેનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકમાંથી તેના પછી થઈ ગયેલા લેખકોએ અવતરણો આપ્યાં છે, જે ખાસ કરીને ‘મિરાતે સિકંદરી’, ‘ઝફરુલ્વાલિહે’, ‘તબકાતે અકબરી’ વગેરે ગ્રંથોમાં જોવા મળે છે.
શિવપ્રસાદ રાજગોર