તારાગુચ્છ (star cluster) : ગુરુત્વાકર્ષણબળને લીધે પુષ્પગુચ્છની જેમ પકડમાં રહેલા તારાઓનું જૂથ. તારાગુચ્છના મુખ્ય બે પ્રકાર છે : (1) વિવૃત (open) ગુચ્છ, જેમાં એકાદ ડઝનથી સેંકડો સુધી તારાની સંખ્યા હોય છે. આવા ગુચ્છમાં તારાઓ ગમે તે રીતે ગોઠવાયેલા હોય છે. (2) ગોળાકાર (globular) ગુચ્છ, જેમાં તારાઓની સંખ્યા હજારોથી લાખો સુધી હોય છે. આવા ગુચ્છમાં તારાઓ ઘનિષ્ઠ રીતે સંકુલિત થયેલા હોય છે અને આવું ગુચ્છ તાપદીપ્તિ સમયાંકન તાનીઝાકીજૂનીશિરો ગોળાકાર સંમિતિ ધરાવે છે. ઉપરાંત થોડાક ડઝનથી સેંકડો સુધીની સંખ્યા ધરાવતા તારાઓનાં જૂથ તાજેતરમાં જોવા મળ્યાં છે, જેમને તારકવૃંદો (star associations) કહે છે.

પ્રાચીન કાળથી ચાર વિવૃત તારાગુચ્છ જાણીતા છે. તેમાં ટૌરસ નક્ષત્ર(constellation)માં Pleiades અને Hyades છે અને કર્ક (Cancer) ગુચ્છમાં Praesope અને Coma Berenices છે.

ઓમેગા સેન્ટોરી અને મેસિયર-13 જેવા કેટલાક ગોળાકાર ગુચ્છ પ્રકાશના ઝાંખા ભૂખંડ(patch)ની જેમ નરી આંખે જોવા મળે છે. દૂરબીન શોધાયા બાદ આ ગુચ્છ પ્રત્યે ધ્યાન દોરાયું હતું.

આકૃતિ 1 : ઓમેગા સેન્ટોરીનું ગોળાકાર ગુચ્છ

જોકે ગોળાકાર ગુચ્છ મંદાકિનીય અક્ષાંશ(galactic lattitude)માં વિસ્તૃતપણે વીખરાયેલ છે, જેમાં ત્રીજા ભાગના ગુચ્છ મંદાકિનીના કેન્દ્ર પાસે છે. તારાગુચ્છનું દળ લાખો સૂર્યના દળ જેટલું અને તેનો વ્યાસ સેંકડો પ્રકાશ-વર્ષ જેટલો જોવા મળે છે. M3 તરીકે જાણીતા ગુચ્છમાં 90 % પ્રકાશ 100 પ્રકાશ-વર્ષ જેટલા વ્યાસમાં રહેલો છે. જ્યારે RR લિરી પ્રકારના તારામાં આટલો પ્રકાશ 325 પ્રકાશ-વર્ષ જેટલા વ્યાસમાં રહેલો છે. કોઈ પણ નક્ષત્રમાં શોધાયેલા ચરક્રાન્તિ (variable) તારાને નામ અથવા સંજ્ઞા આપવામાં આવે છે. નક્ષત્રમાં સૌપ્રથમ શોધાયેલ તારાને R, ત્યારબાદ શોધાતા તારાઓને અનુક્રમે S, T – Z સુધી નામ અપાય છે. આ રીતે Z નામ અપાયા બાદ શોધાયેલ તારાને RR, RS, RT…. નામ અપાય છે. ZZ નામ પછી AA, AB…… નામ અપાય છે. કેટલાક ગુચ્છ વર્તુળાકાર અને સંભવત: ગોળાકાર છે પણ ઓમેગા સેન્ટોરી જેવાં થોડાંક ગુચ્છ દીર્ઘવૃતીય (eliptical) છે. M19 તરીકે જાણીતું ગુચ્છ દીર્ઘવૃતીય છે જેની દીર્ઘ અક્ષ (major axis) તેની લઘુ અક્ષ (minor axis) કરતાં બમણી છે.

ગોળાકાર ગુચ્છ ઓમેગા સેન્ટોરી આકૃતિ (1)માં અને NGC 6705 તરીકે જાણીતું વિવૃત ગુચ્છ આકૃતિ (2)માં દર્શાવ્યાં છે.

આકૃતિ 2 : વિવૃત ગુચ્છ – NGC (6705)

વિવૃત ગુચ્છ આકાશગંગા (Milky Way) તરફ કેન્દ્રિત થયેલ છે. તે સપાટ તકતી જેવો સમૂહ છે. તેની જાડાઈ 3000 પ્રકાશ-વર્ષ અને વ્યાસ 30,000 પ્રકાશવર્ષ જેટલો છે. યુવાન ગુચ્છ મંદાકિનીની સર્પિલ ભુજા રચે છે. આકાશગંગાની સમૃદ્ધ પાર્શ્વભૂમિકાને કારણે અતિદૂરનાં ગુચ્છ જોવા મુશ્કેલ છે. લગભગ 850 વિવૃત ગુચ્છનું વર્ગીકરણ મધ્યસ્થ સંકેન્દ્રણ (central concentration) અને પ્રચુરતાને આધારે કરવામાં આવ્યું છે.

પ્રહલાદ છ. પટેલ