તારકવૃંદ (steller association) : નોંધપાત્ર વિસ્તારમાં છૂટાછવાયા આવેલ વ્યક્તિગત તારાઓનાં લક્ષણ તથા તેમની ગતિની જાણકારીને આધારે નિર્માણ થતું તારાઓનું જૂથ. આમ સમાન લક્ષણો અને સમાન ગતિવાળા તારાઓનું વૃંદ રચાય છે. સૌપ્રથમ 1920માં જોવા મળ્યું હતું કે યુવાન, ઉષ્ણ અને વાદળી તારાઓ એકસાથે જોવા મળે છે. આ તારાઓને (O) અને B વર્ણપટીય પ્રકારના તારા કહે છે. 1949માં સોવિયેત ખગોળવિદ વિક્ટર એમેઝસ્પૉવિચ એમ્બટર્સુમેઇને સૂચવ્યું કે આ પ્રકારના તારા ભૌતિક રીતે રચાયેલા તારાઓના જૂથના સભ્ય હતા. જૂથના તારાઓનું ઉદભવસ્થાન એકસરખું છે. આવા જૂથના તારાઓને ઓ (O) વૃંદ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં O વૃંદ OB વૃંદ તરીકે પણ
ઓળખાય છે. વામન (Dwarf) જૂથના તારાઓને વિક્ટરે T વૃંદ નામ આપ્યું હતું. માઉન્ટ વિલ્સન વેધશાળા ખાતે સૌપ્રથમ આલ્ફ્રેડ જૉય નામના ખગોળવિદે અનિયમિત T-ટૌરી પરિવર્તી (variable) તારાની નોંધ લીધી હતી.
બહારના તારાવિશ્વના તારા-ગુચ્છનો અભ્યાસ 1847માં શરૂ થયો. આ સમયે કેપ વેધશાળા ખાતે સર જ્હૉન હર્ષેલે નજીકના બાહ્ય તારાગુચ્છ મેગેલનિક વાદળમાં જોયેલા પદાર્થોની યાદી તૈયાર કરી. પાછળથી દૂરનાં તારાવિશ્વોનો પણ આ રીતે અભ્યાસ કરવામાં આવ્યો.
એક સૂચિપત્રમાં 1039 વિવૃત ગુચ્છ, 5 ગતિશીલ ગુચ્છ, 10 તારક જૂથ, 70 OB વૃંદ, 125 ગોળાકાર ગુચ્છ અને 28 બાહ્ય તારાવૈશ્ર્વિક પદાર્થોની યાદી ઉપલબ્ધ છે. વીસમી સદીમાં ત્રણ ગણા વિવૃત ગુચ્છ નોંધાયા છે. આમ 1000 તારકવૃંદો સહિત 40,000 તારક-ગુચ્છ અસ્તિત્વમાં છે.
પ્રહલાદ છ. પટેલ