તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ

January, 2014

તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ (જ. 3 જુલાઈ 1909, સાસવડ, મહારાષ્ટ્ર; અ. 23 માર્ચ 2004, દિલ્હી) : ભારતના એક સમર્થ ન્યાયમૂર્તિ અને કર્મઠ માનવવાદી બૌદ્ધિક. તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી સાથે તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને ત્યાં જ કાયદાનો અભ્યાસ કરી બૅરિસ્ટર થયા. સ્વદેશ પરત આવ્યા અને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસમાં જોડાયા. ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીમાં સૌથી યુવાનવયે ચૂંટાનારા સભ્યો પૈકી તે એક હતા. 1935માં કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીમાં જોડાયા અને તેના મહારાષ્ટ્ર એકમના મંત્રી બન્યા. 1936માં ક્રાંતિકારી ચિંતક એમ.એન.રૉયના  સંપર્કમાં આવ્યા અને એમના એક નજીકના સહયોગી બન્યા. રૉયસ્થાપિત નવ-માનવવાદ(new humanism)ના તેઓ પ્રખર પુરસ્કર્તા બન્યા હતા.

1940માં રૉયે રેડિકલ ડેમૉક્રેટિક પાર્ટીની સ્થાપના કરી. ત્યારપછી 1942માં ધીકતો કાનૂની વ્યવસાય છોડીને તારકુન્ડે તે પક્ષના પૂરા સમયના કાર્યકર બન્યા. 1944થી 1948 સુધી તેમણે પક્ષના મહામંત્રી તરીકે કામ કર્યું. 1948માં રૉયે પક્ષનું વિસર્જન કર્યું. ત્યારબાદ તારકુન્ડેએ મુંબઈ હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ શરૂ કરી. 1957માં તે જ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 1969માં ત્યાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને તેમણે ભારતની સર્વોચ્ચ અદાલતમાં પ્રૅક્ટિસ શરૂ કરી.

તેઓ ઇન્ડિયન રેનેસાં ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ટ્રસ્ટી અને ટ્રસ્ટીમંડળના ચૅરમૅન હતા. એમની પહેલથી રેડિકલ હ્યુમેનિસ્ટ ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી અને 1969થી 1980 સુધી તેઓ એના ચૅરમૅન હતા. સંસ્થાના મુખપત્ર ‘રેડિકલ હ્યુમેનિસ્ટ’નું તંત્રીપદ તેમણે વર્ષો સુધી સંભાળ્યું હતું.

1974માં લોકનાયક જયપ્રકાશ નારાયણનાં પ્રેરણા અને સહયોગથી તેમણે ‘સિટિઝન્સ ફૉર ડેમૉક્રસી’(જનતંત્ર સમાજ)ની સ્થાપના કરેલી અને વર્ષો સુધી તેના મહામંત્રી અને ત્યાર પછી પ્રમુખપદે રહ્યા હતા. 1976માં જયપ્રકાશ નારાયણના પ્રમુખપદ હેઠળ સ્થાપવામાં આવેલ ‘પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ’ (PUCL) (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન)ના તેઓ કાર્યકારી પ્રમુખ હતા. 1980થી તેઓ આ સંસ્થાના પ્રમુખ હતા.

માનવહક્કોના રક્ષણ અને પ્રસારના ક્ષેત્રમાં એમણે આપેલા યોગદાનની કદર રૂપે 1978માં ઇન્ટરનેશનલ હ્યુમેનિસ્ટ ઍન્ડ એથિકલ યુનિયન (વડું મથક હૉલૅન્ડ) સંસ્થા તરફથી તેમને ‘હ્યુમેનિસ્ટ ઑવ્ ધ ઇયર’નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. માનવવાદ, બુદ્ધિનિષ્ઠા, વૈજ્ઞાનિક અભિગમ અને મુક્ત અન્વેષણ તેમજ માનવવાદી નૈતિકમૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની કદર રૂપે અમેરિકાની ‘એકૅડેમી ઑવ્ હ્યુમેનિઝમે’ 1984ના વર્ષના ‘હ્યુમેનિસ્ટ લાઉરૅટ’ તરીકે તેમની વરણી કરી હતી.

રેડિકલ હ્યુમેનિઝમના તત્વજ્ઞાન અને એમ. એન. રૉયના વિચારોની સરળ અને વિશદ છણાવટ કરતું એક પુસ્તક ‘રૅડિકલ હ્યુમેનિઝમ –ધ ફિલૉસૉફી ઑવ્ ફ્રીડમ ઍન્ડ ડેમૉક્રસી’ (1983, પુનર્મુદ્રણ 1992) તેમણે લખ્યું છે. દેશ અને દુનિયાની સાંપ્રત સમસ્યાઓ વિશે માનવવાદી અભિગમથી તેઓ ચર્ચા કરતા રહ્યા હતા. લાંબી માંદગી બાદ તેઓ દિલ્હી ખાતે અવસાન પામ્યા.

દિનેશ શુકલ