તારંગા : ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગા હિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન થયું છે.

તારંગાની મુખ્ય ટેકરીનું શિખર સમુદ્રસપાટીથી 486 મી. અને તારામાતાના મંદિર પાસેની ટેકરીનું શિખર 446 મી.ની ઊંચાઈ ધરાવે છે. તારંગાની ટેકરીઓમાંથી રૂપેણ નદી નીકળે છે. આ સમગ્ર પ્રદેશ આછી વનરાજિથી છવાયેલો છે. વળી આ ટેકરીઓના પૂર્વભાગમાં થઈને સાબરમતી નદી વહે છે અને તેના પરનો ધરોઈ બંધ નજીકમાં આવેલો છે.

‘પ્રભાવકચરિત’માં જૈન તીર્થ તારંગનાગ ગિરિનો ઉલ્લેખ છે. ‘વ્રજસ્વામિ પ્રબંધ’માં તારણગિરિનો ઉલ્લેખ છે, જે તારંગગિરિ હોવાનું જણાય છે. આર્ય ખપુટાચાર્યના સમકાલીન વેણી વત્સરાજ નામે બૌદ્ધ ધર્માનુયાયી રાજાએ ગિરિ (તારંગા) ઉપર તારાઉર (તારાપુર) નામનું નગર વસાવી એમાં બૌદ્ધ દેવી તારાનું મંદિર બંધાવ્યું, આર્ય ખપુટાચાર્યના ઉપદેશથી રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો. ત્યાં એણે મહાવીરની શાસનદેવી સિદ્ધાર્થિકાનું મંદિર બંધાવ્યું.

તારંગાનું પ્રસિદ્ધ જૈન દેરાસર

તારંગા ડુંગરની તળેટીની ઉત્તર દિશામાં હાલના અજિતનાથ જૈન મંદિરથી અંદાજે 2.5 કિમી.ના અંતરે તારણ માતાનું સ્થાનક આવેલું છે. તેમાં સ્થાપિત કરેલી તારાદેવીની શ્વેત પાષાણની પ્રતિમાની બેસણી પર ये धर्मा हेतुप्रभवा: એ બૌદ્ધ સારણી કોતરેલી છે. આ સ્થાનકની બાજુમાં એક ગુફામાં ધારણદેવીનું સ્થાનક છે. અહીંની એક બીજી ગુફા જોગીડાની ગુફા તરીકે ઓળખાય છે. એમાં તામ્રવર્ણા પાષાણ ઉપર બૌદ્ધિવૃક્ષ નીચે ચાર બૌદ્ધમૂર્તિઓ કંડારેલી છે.

તારંગા ડુંગર પર કુમારપાળે અજિતનાથનું મંદિર બંધાવ્યું હોવાના ઉલ્લેખો ‘કુમારપાલપ્રતિબોધ’, ‘પ્રભાવકચરિત’, ‘કુમારપાલપ્રબંધ’, ‘વીરવંશચરિત’ તથા ‘ઉપદેશતરંગિણી’માં મળે છે. વસ્તુપાલે તારંગાના અજિતનાથચૈત્યમાં આદિનાથ અને નેમિનાથનાં બિંબ વિ. સં. 1284 (ઈ. સ. 1228)માં સ્થાપ્યાનો અભિલેખ મળ્યો છે. મંદિરના પ્રાંગણમાં આવેલા એક નાના કીર્તિસ્તંભ પર કુમારપાળના રાજ્યકાળના છેલ્લા વર્ષ વિ. સં. 1230 (ઈ.સ. 1174–75)નો અભિલેખ છે.

વિ. સં. 1642(ઈ. સ. 1586)ના તારંગાના મોટા મંદિરની બાજુ પર કોતરાયેલા શિલાલેખમાં મંદિરના જીર્ણોદ્ધારનો ઉલ્લેખ છે.

તારંગા તીર્થ પરનું હાલનું સિદ્ધશિલા નામનું સ્થાનક સિદ્ધાયિકા મંદિરના સ્થાને હોવાનું જણાય છે. આ સ્થાન હાલના મુખ્ય મંદિર અજિતનાથ પ્રાસાદની વાયવ્યમાં એક ઊંચી ટેકરી પર આવેલું છે. ત્યાં ચોમુખજીની મૂર્તિ તથા અજિતનાથનાં પગલાં પ્રતિષ્ઠિત છે, જેના પર વિ. સં. 1836 (ઈ. સ. 1779–80)નો લેખ કોતરેલો છે.

તીર્થસ્થાનની આજુબાજુનો વિસ્તાર ટેકરીઓથી ઘેરાયેલો હોવાથી પર્યટકો માટે પણ આ તીર્થધામ આકર્ષણનું સ્થાન બન્યું છે. અહીંની વસ્તી 1,687 (2011) હતી.

ભારતી શેલત

બીજલ પરમાર