તામ્ર તકનીકી : તાંબામાંથી વિવિધ સાધનો કે આકારો બનાવવા માટે ઉપયોગમા લેવાતી વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી ભારતમાં તામ્ર કે તાંબામાંથી ફરસી, કુહાડી તથા છરાનાં પાનાં, કરવતો, તીર તથા ભાલાનાં ફળાં, પરશુ તેમજ માપપટ્ટીઓ, શારડીઓ, છીણી, ટાંકણાં, મોચીના સોયા, નાકાવાળી સોયો, માછલી પકડવાના કાંટા, સાંકળો તથા ખીલા તેમજ બંગડીઓ, બુટ્ટીઓ, આંટાવાળી વીંટીઓ અને ચમચા, અરીસા, વાસણો તેમજ વિવિધ પશુ તથા માનવઆકૃતિઓ બનાવાતી. આ માટે તાંબું ગાળવાની, ઓગાળવાની અને તેમાંથી ઘાટ ઘડવાની વિવિધ પદ્ધતિઓ વપરાતી.

ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 2000ના સિંધુ સંસ્કૃતિના તથા તેની આગળની પ્રાકસિંધુ સંસ્કૃતિમાં  તાંબાનો ઉપયોગ સારા પ્રમાણમાં થતો હતો. સિંધુ સંસ્કૃતિના સમયમાં તાંબું ગળાતું નહીં. તેના તૈયાર ગઠ્ઠા (In gots) રાજસ્થાન તથા ઈરાનના સુસામાંથી આયાત થતા; પરંતુ રાજસ્થાન, આંધ્ર અને કર્ણાટકમાં ચાલ્કોપાઇરાઇટ તથા મૅલેચાઇટની તાંબાની કાચી ધાતુને ખોદીને ત્યાં જ સ્થળ પાસે જ તાંબું ગાળવામાં આવતું. ધાતુનો મેલ છૂટો પાડવા કાચી ધાતુ સાથે કવાર્ટ્ઝાઇટ કે મૅંગેનીઝનો પાઉડર ભેળવીને તેને ગોળાકાર છીછરા ખાડામાં કોલસા ભરીને અતિ ઊંચા તાપમાને તાંબું છૂટું પાડવામાં આવતું. હવા માટે આવા ભઠ્ઠાની ધારે માટીની પકવેલી નળીઓ ગોઠવાતી. ઘણી વાર કોલસા સાથે કાચી ધાતુનો જમીન ઉપર સીધો ઢગલો કરીને તેને ગારાથી છાંદી દેવામાં આવતો. ઉપર નાનું મોઢું રાખવામાં આવતું તથા હવા આપવા ઢગલાના તળિયાની ધારે માટીની પકવેલી ભૂંગળીઓ ગોઠવાતી. તાંબું ગાળવા માટે 800° સે. થી 1100° સે. તાપમાન જરૂરી હતું. જો તે ન જળવાય તો તાંબામાં લોખંડ, જસત, આરસેનિક, સીસું જેવી અશુદ્ધિઓ રહી જતી. તાંબું ગાળતી વખતે નીકળતા મેલને ત્યાં જ ફેંકી દેવામાં  આવતો. લોથલ તથા મોહેં-જો-દરોના આવા ગઠ્ઠામાં આવી અશુદ્ધિઓ નહિવત્ હતી.

ગાળેલા તાંબામાંથી અશુદ્ધિઓ દૂર કરવા તથા તેમાંથી જરૂરી ચીજો બનાવવા તાંબાને ફરી ઓગાળવામાં આવતું. આ માટે મોટેભાગે જમીનમાં ગોળાકાર, નળાકાર કે નાસપાતી આકારના નાના છીછરા ખાડા ખોદીને તેની અંદરના ભાગે ગારો લિપાતો. આવા ભઠ્ઠાની ધારે ક્વચિત્ ઈંટો ગોઠવાતી. ભઠ્ઠામાં કોલસા ભરી માટીના પકવેલા વાટકા, કુલડાં, નાળચાવાળાં કુલડાં કે બહારથી પાંખો કરેલી પહોળા મોઢાવાળી માટીની કોઠીઓમાં તાંબાને ઓગાળાતું. તાંબાને હલાવવા અને કુલડાને બહાર કાઢવા લાકડાના દાંડિયા વપરાતા.

લોથલના સમૂહમાં કામ કરવા માટે માટીના ચોરસાકાર ઓટલાઓને નાની મોરીઓથી જોડીને ઓટલા ઉપર કોલસાની ભઠ્ઠીઓ બનાવીને તેમાં ખુલ્લા વાસણમાં તાંબું ઓગાળવામાં આવતું. લોથલમાં પથ્થરના મણકા પકવવાની માટીની પાતળી દીવાલોવાળી બળતણ સંકોરવા-મૂકવાની વ્યવસ્થાવાળી ભઠ્ઠીમાં તાંબું પણ ઓગાળાતું હોવાનું મનાય છે.

મહારાષ્ટ્રમાં દાયમાબાદના ઈ. સ. પૂ. 1200ના તામ્ર-અશ્મકાળમાં તથા કર્ણાટકના તથા આંધ્રમાં ઈ. સ. પૂ. 1200થી ઈ. સ. પૂ. 1000 તથા ઈ. સ. પૂ.ની પાંચમી સદીથી ઈ. સ. પૂ.ની ત્રીજી સદીના મેગાલિથિક સમયમાં ભઠ્ઠીમાં તાંબાને ઓગાળીને માટીની પકવેલી ભૂંગળી દ્વારા બાજુમાં નીચાણે ખાડામાં બેસાડેલી માટીની પકવેલી કોઠીમાં કે ખાડામાં તે ભેગું કરી લેવામાં આવતું. આ ભઠ્ઠીઓ નદીનાળાં અથવા  પાણીની સુવિધા હોય ત્યાં કરવામાં આવતી.

ઉકાળેલા તાંબામાંથી જરૂરી પાટા કે સળિયા બનાવવા નાળચાવાળાં કુલડાં વપરાતાં. નાળચાં ફોડીને તે બહાર કાઢી લેવામાં આવતાં. પછીથી જરૂરી કટકા કરીને તેમાંથી વિવિધ ચીજો, ઓજારો, હથિયારો, વગેરે બનાવાતાં. આ માટે ઢાળાપદ્ધતિ, ઘડતર-પદ્ધતિ તથા બંનેની સંયુક્ત પદ્ધતિ વપરાતી. ઢાળા માટે માટીનાં પકવેલાં બંધ બીબાં વપરાતાં, પ્રતિમાઓ કે પશુ-આકૃતિઓ માટે સંયુક્ત બીબાં વપરાતાં. કુહાડી, ફરસી, ફળાં, વાસણનાં પતરાં વગેરેને ઢાળામાં ઢાળીને પછીથી હથોડીથી ટીચીને જરૂરી ઘાટ અને ધાર અપાતાં. નાનાં ઓજારો, ખીલા, સોયો, સોયા, વીંટીઓ અને ઘરેણાં વગેરેમાં ઢાળા અને ઘડતર ઉપરાંત હાથકારીગરીનો પણ ઉપયોગ થતો. આ માટે તાંબાનાં અને લાકડાનાં નાનાં ઓજારો વપરાતાં હશે. વાસણો બનાવવા ઢાળાનાં બે પતરાંને હથોડીથી ટીપીને, ઘડીને જરૂરી ઘાટ આપી પછીથી બંને ભાગના સાંધાઓને ઘડતરથી અને ટીપીને જોડી દેવામાં આવતા.

રાજસ્થાનમાં ઈ. સ. પૂ. 2800થી ઈ. સ. પૂ. 2000ના કાળના ગણેશ્વર-જોધપુર સંસ્કૃતિનાં ઘણાં સ્થળોએથી તાંબાનાં વિવિધ ઓજારો, હથિયારો અને ચીજોના જથ્થા મળી આવ્યા છે. અહીં સ્થાનિક કાચી ધાતુમાંથી મોટા પ્રમાણમાં તાંબું ગળાતું અને ચીજો બનાવાતી. તાંબાની ટૅકનૉલૉજી દર્શાવતા તાંબાની ચીજોના જથ્થા ઉત્તરપ્રદેશમાંથી પણ મળી આવ્યા છે. જ્યારે ઈ. સ. પૂ. 2000થી ઈ. સ. પૂ. 1200ના કાળની અન્ય તામ્ર-અશ્મકાલીન સંસ્કૃતિઓમાં તાંબાની ચીજો અલ્પ પ્રમાણમાં વપરાતી અને તે અન્ય સ્થળોએથી તૈયાર જ આયાત થતી. પ્રાચીન ભારતની આ તકનીક આજે પણ ભારતમાં વપરાય છે.

સુમનબહેન પંડ્યા