તામ્રલિપ્તિ : પૂર્વ ભારતમાં ગંગા નદીના મુખ પાસે આવેલું પ્રાચીન અગ્રગણ્ય વાણિજ્યિક કેન્દ્ર તથા દરિયાઈ બંદર. હાલ એ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં રૂપનારાયણ નદીના પશ્ચિમ તટ પર આવેલ તામલુક નામે ગામ રૂપે જળવાઈ રહ્યું છે; પરંતુ સમય જતાં દરિયો ત્યાંથી દક્ષિણે દૂર ખસી ગયો છે. નગરના નામ પરથી તેની આસપાસનું જનપદ તથા ત્યાં વસતી પ્રજા પણ ‘તામ્રલિપ્તિ’ કે ‘તામ્રલિપ્ત’ના નામે ઓળખાતાં. પુરાણોમાં એનો ઉલ્લેખ પ્રાચ્ય જનપદોમાં વંગ, સુહમ સમતટ, ગૌડ ઇત્યાદિની સાથે આવે છે. મહાભારતના સભાપર્વમાં તામ્રલિપ્તિથી યુધિષ્ઠિર માટે દુકૂલ, કૌથિક વગેરે વસ્ત્ર ભેટ આવ્યાનું જણાવ્યું છે. તામ્રલિપ્તિ જનપદ ક્યારેક સ્વતંત્ર એકમ ગણાતું તો ક્યારેક વંગ કે સુહમ જનપદની અંતર્ગત ગણાતું. વંગરાજનો પુત્ર વિજય તામ્રલિપ્તિથી વહાણમાં બેસી લંકા ગયો હતો ને ત્યાં તેણે સિંહલી રાજ્ય સ્થાપ્યું હતું. સાતમી સદીમાં ચીની મહાશ્રમણ યુઅન શ્વાંગ અહીં વરાહ વિહારમાં રહ્યા હતા. ત્યાંના અરગાભીમા નામે પુરાતન વિહારને અર્વાચીન કાલમાં હિંદુ દેવાલયનું સ્વરૂપ અપાયું છે. વર્તમાન મંદિરમાં કૃષ્ણ અને અર્જુનની મૂર્તિઓ સ્થાપેલી છે. તામ્રલિપ્તિ બારમી સદી સુધી દક્ષિણ-પશ્ચિમ બંગાળનું અગ્રગણ્ય વેપારી મથક અને બંદર હતું.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી