તાબાં, ગુલામ રબ્બાની (જ. 15 ફેબ્રુઆરી 1914, પતોરા, ઉ.પ્ર.; અ. 1993, દિલ્હી) : પ્રગતિશીલ ઉર્દૂ સાહિત્યના કવિ અને લેખક. ઉત્તરપ્રદેશના જિલ્લા ફર્રુખાબાદના નાનકડા ગામ કાયમગંજ પાસેના પતોરા નામની વસ્તીમાં એક સુખી સંપન્ન જાગીરદાર કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ મેળવીને ફર્રુખાબાદમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ઉચ્ચ શિક્ષણાર્થે અલીગઢ યુનિવર્સિટીમાં જોડાયા. અલીગઢ અને આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ.,એલએલ.બી.ની ઉપાધિ મેળવીને ફતેહગંજમાં 9 વર્ષ વકીલાત કરી.
1930થી 1940ના સ્વાતંત્ર્ય-આંદોલન દરમિયાન દેશમાં સામ્યવાદી પક્ષ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેની પ્રવૃત્તિઓ વેગમાં ચાલતી હતી. ગુલામ રબ્બાનીને તેમાં રસ પડ્યો અને પ્રતિબંધ દૂર થતાં તે સક્રિય રીતે રાજકારણમાં ભાગ લેવા માંડ્યા. આઝાદી પહેલાં અને પછી એમ બે વખત જેલવાસ ભોગવ્યો. જેલમાંથી છૂટ્યા પછી ફરી પાછી વકીલાત શરૂ કરી. પણ તે જામી નહીં; પરિણામે રોજગારની તલાશમાં દિલ્હી આવ્યા, જ્યાં તે મકતબે જામિયા મિલિયામાં જોડાયા. પોતાની વહીવટી સૂઝબૂઝ અને સાહિત્યિક રુચિના કારણે તે તે સંસ્થામાં જનરલ મૅનેજરના પદે પહોંચી 1970માં નિવૃત્ત થયા.
રબ્બાની સામ્યવાદી વિચારધારા ધરાવતા હતા. ઉર્દૂ પ્રગતિશીલ સાહિત્ય સંઘમાં રહીને પોતાના પ્રગતિશીલ વિચારો સાહિત્ય દ્વારા જનસમુદાય સુધી પહોંચાડતા રહ્યા. કૉલેજકાળ દરમિયાન તેઓ કવિતા-રચના તરફ વળ્યા હતા, પરંતુ જ્યારે તેઓ રોજગારની તલાશમાં દરબદર ફરવા લાગ્યા ત્યારે તેમની કવિતાશક્તિમાં ઉછાળો આવ્યો હતો. સામ્રાજ્યવાદી અત્યાચાર અને આર્થિક શોષણના તેઓ શિકાર બન્યા. વર્ગભેદના પરિણામે ઉદભવેલી સામાજિક અસમાનતાએ તે જાગીરદાર હોવા છતાં તેમને ખૂબ વ્યથિત કર્યા. આ રીતે તેમનું દુ:ખી મન જે આક્રોશનો અનુભવ કરતું રહ્યું તેનો અવાજ તેમનાં લેખો અને પ્રવચનોમાં સંભળાય છે. સૌથી વિશેષ, તેમની કવિતા તેમના આ અનુભવોનો વાસ્તવિક દસ્તાવેજ પુરવાર થઈ છે.
એક કવિ તરીકે તાબાંના ત્રણ સંગ્રહો ‘હદીસેદિલ’ (1960), ‘ઝોકેસફર’ (1970) અને ‘નવાયે અવ્વારા’ (1976) દ્વારા લોકપ્રિય બન્યા છે. છેલ્લા કાવ્યસંગ્રહને 1979માં સાહિત્ય અકાદમી દિલ્હીનો ઍવૉર્ડ મળ્યો છે. આ કૃતિ એની રચનાશૈલી, અનેક પરિમાણી શબ્દ-પ્રયોગો અને તેની મર્મસ્પર્શિતાના કારણે ઉર્દૂ સાહિત્યમાં ગણનાપાત્ર ગણાય છે. તાબાં ‘નૅશનલ ફેડરેશન ઑવ્ પ્રોગ્રેસિવ રાઇટર્સ’ના પ્રમુખપદે પણ લાંબા સમય સુધી રહ્યા. ઘણીબધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પોતાનાં બહુમૂલ્ય વક્તવ્યો અને નિબંધો રજૂ કર્યાં. લેખક–કવિ હોવા ઉપરાંત અનુવાદના ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે કરેલા ડૉ. તારાચંદ અને ડૉ. આર. સી. દત્તના બહુમૂલ્ય ગ્રંથોના અનુવાદો વખણાયા છે.
1971માં ‘પદ્મશ્રી’ના ખિતાબથી સન્માનિત થયા. આ ઉપરાંત ઉર્દૂ સાહિત્ય અકાદમી (દિલ્હી), સાહિત્ય અકાદેમી (દિલ્હી), સોવિયેત લૅન્ડ નેહરુ ઍવૉર્ડ વગેરે પણ તેમને એનાયત થયા છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા