તામ, ઇગર યેવગેનિયેવિચ

January, 2014

તામ, ઇગર યેવગેનિયેવિચ (જ. જુલાઈ 1895, વાલ્ડિવૉલ્ટૉક, રશિયા; અ. 12 એપ્રિલ 1971, મૉસ્કો) : સિરેન્કૉવ અસરની શોધ અને તેના અર્થઘટન માટે, રશિયન ભૌતિકશાસ્ત્રીઓ પી. એ. સિરેન્કૉવ અને એન. આઈ. ફ્રૅન્કની સાથે, 1958ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા. 1918માં મૉસ્કો યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા પછી તે જ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા અને જીવનનો મોટાભાગનો સમય ત્યાં જ વિતાવ્યો. મૉસ્કો યુનિવર્સિટીના સમય દરમિયાન ફ્રૅન્કના સહયોગથી, સિરેન્કૉવે વિકિરણવાદની તારવણી પૂર્વે, ઘન પદાર્થ ઉપર ફેલાતા પ્રકાશ (diffused light) અંગે પ્રકાશના ક્વૉન્ટમવાદનો અભ્યાસ કર્યો.

ઇગર યેવગેનિયેવિચ તામ

ન્યૂક્લિયસમાંના પ્રાથમિક કણો વચ્ચે થતી આંતરક્રિયાનો તેણે અભ્યાસ કરી, તેને માટે એક તકનીક આપી, જે ‘તામની રીત’થી ઓળખાય છે. 1932માં અંગ્રેજ વિજ્ઞાની જેમ્સ ચૅડવીક દ્વારા ન્યૂટ્રૉનની શોધ થતાં, ન્યૂક્લિયસમાં પ્રોટોન અને ન્યૂટ્રૉન વચ્ચે પ્રવર્તતા બળનો અભ્યાસ કરી તેને વિશેની સમજૂતી આપી. 1934માં રશિયાની ધ ફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સીઝના સભ્ય બન્યા. 1934માં સિરેન્કૉવે ગૅમા કિરણોના પ્રતાડન (bombardment) દરમિયાન ઉદભવતા ઝાંખા વિકિરણની શોધ કરી, જેનો ફ્રૅન્કની સાથે તામે અભ્યાસ કર્યો; અને 1937માં પ્રસિદ્ધ થયેલા તેમના વિવરણમાં તામે દર્શાવ્યું કે તે વિકિરણ ગૅમા કિરણો દ્વારા નહિ, પરંતુ તે માધ્યમમાંથી પ્રકાશની ઝડપ કરતાં વધુ ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રૉનને કારણે છે. 1958માં નોબેલ પુરસ્કાર મળ્યો તે પહેલાં, 1946માં, તામ, સિરેન્કૉવ તથા ફ્રૅન્કની સાથે તે વિકિરણની શોધ માટે માર્ગદર્શન આપનાર વિજ્ઞાની એસ. આઈ. વેવિલૉવને પણ સોવિયેત રાજ્યનું ‘સ્ટાલિન પ્રાઇઝ’ એનાયત કરવામાં આવ્યું હતું. સિરેન્કૉવ વિકિરણ ઉપરાંત તામે, ધાતુઓનો પ્રકાશવિદ્યુત સિદ્ધાંત અને પ્લાઝ્મામાં જોવા મળતા ઇલૅક્ટ્રૉન-વિસર્જન ઉપર પણ કામ કર્યું. (પ્લાઝ્મા = દ્રવ્યનું ચોથું સ્વરૂપ જે વિદ્યુતભારિત અને તટસ્થ કણોનો વાયુરૂપ સમૂહ છે અને સમગ્રપણે  વિદ્યુતતટસ્થ વર્તણૂક ધરાવે છે.) ન્યૂક્લિયર ઊર્જાના શાંતિમય ઉપયોગોમાં રસ ધરાવવાને કારણે, થરમૉન્યૂક્લિયર પ્રતિક્રિયાનું નિયંત્રણ કરવા માટેની રીત ઉપર કાર્ય કરવા માટે, તેમણે અભિગમ શરૂ કર્યો હતો. વિશ્વશાંતિ માટે નિ:શસ્ત્રીકરણની આવશ્યકતાના, તામ પ્રખર હિમાયતી હતા.

રાજેશ શર્મા

એરચ મા. બલસારા