તાપમાન (જીવશાસ્ત્ર) : તાપમાન કોઈ પણ પદાર્થની ઉષ્ણતા કે શીતળતાની માત્રા નક્કી કરતો એક સ્વૈર (arbitrary) માપક્રમ (scale). તે પદાર્થ અને પર્યાવરણ વચ્ચે ઉષ્માના વહનની સંભવિત દિશાનું સૂચન કરે છે, છતાં તે ઉષ્માગતિક તંત્ર માટે ઉષ્માનો તુલ્યાંક નથી. તેના ત્રણ જાણીતા માપક્રમ છે – ફેરનહીટ (°F), સેલ્સિયસ (°C) અને નિરપેક્ષ અથવા કેલ્વિન (°K). ફેરનહીટને સેલ્સિયસમાં રૂપાંતર કરવા ફેરનહીટમાંથી 32 બાદ કરી 5⁄9 વડે ગુણવામાં આવે છે. સેલ્સિયસને ફેરનહીટમાં રૂપાંતર કરવા સેલ્સિયસને 9⁄5 વડે ગુણી 32 ઉમેરવામાં આવે છે. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં રૂપાંતર કરવા સેલ્સિયસમાં 273 ઉમેરવામાં આવે છે અને કેલ્વિનમાંથી સેલ્સિયસ બનાવવા કેલ્વિનમાંથી 273 બાદ કરવામાં આવે છે.
કોષો પર તાપમાનની અસરો : કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઊંચા તાપમાન દ્વારા વધારે કાર્યશક્તિ પૂરી પડે છે. તેથી નિશ્ચિત દેહધાર્મિક મર્યાદામાં, ઊંચા તાપમાને કોષોમાં થતી જૈવિક પ્રક્રિયાઓનો દર વધે છે અને નીચા તાપમાને ઘટે છે. 45° સે.થી વધારે તાપમાને થતું કોષનું મૃત્યુ ઉત્સેચકો (જે કોષમાં થતી મોટાભાગની જૈવિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.) પર થતી ઉષ્માની અસર સાથે સંબંધિત હોઈ શકે. 45° સે.થી ઊંચા તાપમાને ઉત્સેચકના બંધારણમાં રહેલા પ્રોટીનના પ્રાથમિક માળખાને ખલેલ પહોંચે છે. તેથી ઘણા ઉત્સેચકો નિષ્ક્રિય બને છે અને ઊંચું તાપમાન કોષીય પટલો પર પણ અસર કરે છે. 5° સે.થી નીચા તાપમાને થતું કોષનું મૃત્યુ ચયાપચયની પ્રક્રિયાઓના દરમાં થતી ક્રમિક અવનતિનુ પરિણામ હોઈ શકે. ઠારબિંદુએ બરફના સ્ફટિકોના નિર્માણથી કોષની આંતરિક રચનાને ઈજા પહોંચી શકે છે અને કોષોમાં રહેલા પાણીનો બરફ બનતાં તે અતિશય નિર્જલીકૃત થાય છે.
મોટાભાગના કોષો જોકે 10°થી 40° સે. તાપમાનની મર્યાદામાં જીવંત રહી શકે છે, પરંતુ કેટલાક ખૂબ ઊંચા કે નીચા તાપમાને પણ જીવી શકે છે. જીવાણુઓ અને નીલહરિત લીલ ગરમ પાણીના ઝરામાં 60° સે.થી ઊંચા તાપમાને જીવી શકે છે. જ્યારે કેટલીક ફૂગ અને જીવાણુઓ –10° સે. તાપમાને પણ જીવંત રહે છે. ઊંચા તાપમાને જીવંત રહેલા કોષો એવા ઉત્સેચકો ધરાવે છે જેમનું ઊંચા તાપમાને પણ વિઘટન થતું નથી અને કોષોનું રસસ્તર ઉષ્માઅવરોધક હોવાથી ઊંચા તાપમાને પણ વધારે સ્થાયી હોય છે. નીચા તાપમાને કોષોની અસ્તિત્વ જાળવવાની ક્ષમતા તે કેટલા દરે ઠંડા પડે છે તેના પર આધારિત છે. ઝડપી હિમીકરણ(freezing)થી બરફ બને છે. ખૂબ ધીમા હિમીકરણથી અતિશીતન (supercooling) થાય છે; જેથી બરફ બન્યા સિવાય તાપમાન ઠારબિંદુથી પણ નીચું જાય છે. કુદરતમાં તાપમાનમાં ઘટાડો સામાન્યત: ધીમો હોય છે; જેથી કોષો અતિશીતિત થાય છે. ઉત્તર ધ્રુવીય સમુદ્રની ખાડીઓમાં થતી માછલીની કેટલીક જાતિઓ ઠારબિંદુથી નીચા તાપમાને થાય છે. પરંતુ તેમના કોષોને બરફના નિર્માણથી નુકસાન થતું નથી. કેટલાક કોષોમાં હિમવિરોધી (antifreeze) સંયોજનોની હાજરીથી અંદરનાં દ્રવ્યોનું ઠારબિંદુ નીચું રહે છે.
જોકે કેટલાક કોષો અત્યંત ઊંચા કે અત્યંત નીચા તાપમાને અસ્તિત્વ જાળવી શકતા હોવા છતાં જો પરિસ્થિતિ પ્રતિકૂળ બને તો હંગામી ધોરણે જૈવિક ક્રિયાઓ અટકાવી દે છે અને સુષુપ્ત બની જાય છે. જીવાણુઓ બીજાણુ-સર્જન કરે છે. પ્રજીવો અને કેટલાંક અપૃષ્ઠવંશી પ્રાણીઓ કોષ્ઠ (cyst) બનાવે છે. આ સુષુપ્ત સ્વરૂપો તાપમાનની પરાકાષ્ઠા સામે ખૂબ અવરોધક હોય છે. આમ, બીજાણુઓ અને કોષ્ઠને અડધો કલાક માટે 170° સે. તાપમાન આપતાં તે નાશ પામે છે. કેટલાક બીજાણુઓ –272° સે. તાપમાન આપ્યા પછી પણ અંકુરણ પામવાની ક્ષમતા ધરાવે છે.
વનસ્પતિઓ પર તાપમાનની અસરો : તાપમાનમાં થતા દૈનિક ફેરફારોને ઉષ્મા-અવધિ (thermo period) કહે છે. આ ઉષ્મા અવધિની ઘણીખરી વનસ્પતિઓની વૃદ્ધિ પર નાટકીય અસરો હોય છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન થતા તાપમાનના ફેરફારો મહત્વના છે. રાત્રે તાપમાનમાં થતું નજીવું પરિવર્તન વૃદ્ધિમાં મોટા ફેરફાર લાવી શકે છે; દા.ત., રાત્રિનું તાપમાન 17° સે.ની આસપાસ ન હોય તો ટામેટામાં ફળનિર્માણની ક્રિયા સખત રીતે અવરોધાય છે. કેટલાંક વૃક્ષોને પર્ણનિર્માણ-સમયે વસંત ઋતુ પૂર્વે નીચું તાપમાન મળવું જરૂરી હોય છે. અગત્યના ઘણા પાકોમાં ફળ અને બીજનું નિર્માણ પ્રેરવા માટે વનસ્પતિઓનાં અંકુરિત ભીનાં બીજને કૃત્રિમ રીતે નીચા તાપમાને રાખવામાં આવે છે; જેને વસંતીકરણ (vernalization) કહે છે.
રણપ્રદેશમાં કેટલીક વાર તાપમાન 50° સે. જેટલું ઊંચું જતાં વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા અત્યંત ઝડપી બને છે. તાપમાન કરતાં પાણીની અછત જાતિઓની સંખ્યા મર્યાદિત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. રણપ્રદેશ સિવાયની વનસ્પતિઓને ઊંચા તાપમાને બાષ્પોત્સર્જનથી થતા પાણીના વ્યયની ક્ષતિપૂર્તિ થઈ શકે તે રીતે પાણી પૂરું પાડવામાં આવે તો વૃદ્ધિ પામી શકે છે. જોકે પૂરતા પાણી સિવાય વનસ્પતિ મૂરઝાઈ જાય છે. મોટાભાગની મરુભૂમિની વનસ્પતિઓ પ્રાપ્ય પાણીના સંગ્રહ દ્વારા તેના પર્યાવરણ સામે અનુકૂળતા સાધે છે. તેમનાં અંગોની બાહ્ય સપાટીએ જાડું ક્યુટિકલનું કે મીણનું આવરણ આવેલું હોય છે અને રન્ધ્રો પણ નિમગ્નમુખ (sunken stomata) હોય છે; જેથી ઊંચા તાપમાને બાષ્પોત્સર્જનની ક્રિયાથી પાણીના થતા અતિશય વ્યયનું નિયમન થાય છે. ઉપરાંત, કેટલીક વનસ્પતિઓ શુષ્કતાના ગાળા દરમિયાન ઊંચા તાપમાને પર્ણો ગુમાવે છે; જેથી રન્ધ્રીય બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીનો વ્યય અટકે છે. જ્યારે ફરીથી પાણી પ્રાપ્ય બને ત્યારે નવાં પર્ણો ઉત્પન્ન થાય છે અને પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયા શરૂ થાય છે. ઠંડાં રણોની જેમ ગરમ રણોમાં શુષ્કતાની સમાન અસર થાય છે. બંનેમાં પર્ણો ગુમાવાય છે અને પ્રકાશસંશ્લેષણની ક્રિયા અટકી જાય છે.
ઘણી વનસ્પતિઓની જાતિઓમાં બીજ અતિશય નીચા કે ઊંચા તાપમાને તેમજ શુષ્કતા સામે અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું સાધન ગણાય છે. તે બીજાણુઓ કે કોષ્ઠની જેમ સુષુપ્ત અવસ્થા ગાળી શકે છે. બીજનું બીજાવરણ પર્યાવરણ સામે પ્રાથમિક સંરક્ષણનું સાધન ગણાય છે. તે વનસ્પતિ-ભ્રૂણનું અતિશય જલતાણ, યાંત્રિક ઈજા અને તાપમાનની પરાકાષ્ઠા સામે રક્ષણ કરે છે.
પ્રાણીઓ પર તાપમાનની અસરો : આંતરિક તાપમાન જાળવવાની ક્ષમતાને આધારે પ્રાણીઓને શીત રુધિરવાળાં કે અસમતાપી (cold blooded or poikilothermic) અને ઉષ્ણરુધિરવાળાં કે સમતાપી warm blooded or homoiothermic) – એમ બે વિભાગમાં મૂકવામાં આવે છે. અસમતાપી પ્રાણીઓમાં બધાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ, માછલીઓ, ઉભયજીવીઓ અને સરીસૃપોનો સમાવેશ થાય છે, જેમનું પર્યાવરણ મુજબ તાપમાન બદલાય છે; જ્યારે પક્ષીઓ અને સસ્તનોમાં પર્યાવરણનું તાપમાન બદલાતું રહેતું હોવા છતાં શરીરનું તાપમાન પ્રમાણમાં અચળ રહે છે (સસ્તનોમાં લગભગ 37° સે. અને પક્ષીઓમાં 40° સે.).
અસમતાપી પ્રાણીઓને પર્યાવરણીય તાપમાનની તીવ્ર અસર હોય છે અને બહુ થોડા અપવાદો બાદ કરતાં તે 10°થી 40° સે. તાપમાન ધરાવતા વિસ્તારો પૂરતું મર્યાદિત હોય છે. જોકે કેટલાંક અસમતાપી પ્રાણીઓ ખૂબ ઊંચા કે નીચા તાપમાન ધરાવતા પ્રદેશોમાં પણ થાય છે; કેમ કે, આવા પ્રદેશોમાં પણ કેટલાંક સ્થાનોની સૂક્ષ્મ આબોહવા (microclimate) સજીવો માટે અનુકૂળ હોય છે; દા.ત., રણપ્રદેશમાં વસવાટ ધરાવતાં કેટલાંક સરીસૃપો ઠંડી સવારે ખોરાકની શોધમાં નીકળે છે, પરંતુ જ્યારે તાપમાન વધે ત્યારે તે છાંયાવાળી જગાએ વધારે ઠંડાં દરોમાં પાછાં જતાં રહે છે. કેટલાંક ભૌમિક અસમતાપી પ્રાણીઓ સૂક્ષ્મ આબોહવાકીય સ્થાનો શોધી કાઢે છે અને તેમના શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે જાળવે છે. આવાં સ્થાનોનું તાપમાન સામાન્યત: 37° સે.ની નજીક રહેતું હોય છે.
સમતાપી પ્રાણીઓ શરીરનું તાપમાન અચળ જાળવી શકતાં હોવાથી, અસમતાપી પ્રાણીઓ સક્રિય રહી શકતાં નથી તેવી પરિસ્થિતિઓમાં પણ તે સક્રિય રહે છે. તેઓ નિયામકી ક્રિયાવિધિઓ (regulatory mechanisms) દ્વારા તાપમાન અચળ રાખે છે. આ ક્રિયાવિધિઓ બાહ્ય પર્યાવરણની અસરોને નિર્મૂળ કરે છે. ઠંડાં વાતાવરણમાં નિયામકી ક્રિયાવિધિઓ દ્વારા ઉષ્મા-ઉત્પાદનમાં વધારો તેમજ ઉષ્મા-વ્યયમાં ઘટાડો કરી તાપમાન જાળવવામાં આવે છે; જ્યારે ગરમ વાતાવરણમાં ઉષ્મા-વ્યયમાં વધારો કરી તાપમાન જાળવવામાં આવે છે. તાપમાનની તટસ્થ મર્યાદા (neutral range) દરમિયાન (મનુષ્ય માટે 27° સે. –31° સે.) ઉષ્મા-ઉત્પાદન કે ઉષ્મા-વ્યય થતો નથી.
તાપમાનમાં તટસ્થ મર્યાદા કરતાં ઘટાડો થતાં સમતાપી પ્રાણીઓમાં ચયાપચયનો દર વધે છે તેથી વિપરીત, અસમતાપી પ્રાણીઓમાં તેના દરમાં ઘટાડો થાય છે અને ઉદભવેલી ઉષ્મા નીચા તાપમાનને કારણે થયેલા ઉષ્મા વ્યયના વધારાને નાબૂદ કરે છે અને પ્રાણીશરીરનું તાપમાન જળવાય છે. ચયાપચયના દરને નિયંત્રિત કરવા માટે સમતાપી પ્રાણીઓમાં ગ્રાહી કેન્દ્રો મગજના વિશિષ્ટ ભાગ અધશ્ચેતક-(hypothalamus)માં આવેલાં હોય છે. નીચા તાપમાને આ કેન્દ્રો ચેતાઓ દ્વારા સ્નાયુઓને ઉત્તેજિત કરે છે, જેથી તેમનો ચયાપચયનો દર વધે છે અને ઉષ્માનું ઉત્પાદન થાય છે. જોકે આ ક્રિયા હંગામી હોય છે.
ઉત્તર ધ્રુવીય સમતાપી પ્રાણીઓમાં ઉષ્માના થતા વ્યયને અટકાવવા બે પદ્ધતિઓનો વિકાસ થયો છે :
(1) ઉષ્મારોધન(insulation)માં વધારો : ઉત્તર ધ્રુવીય સસ્તનોમાં વધારે જાડી રુવાંટી, પક્ષીઓમાં પીંછાંનું વધારે જાડું આવરણ અને ઉત્તરધ્રુવીય સમુદ્રોની વ્હેલ સમશીતોષ્ણ પ્રદેશમાં તે પ્રકારનાં પ્રાણીઓ કરતાં વધારે જાડા મેદસ્તર ધરાવે છે. જોકે આ ઉષ્મારોધન સમગ્ર શરીર પર હોતું નથી; દા. ત., મોટાભાગનાં પક્ષીઓના પગ પર પીંછાં હોતાં નથી. વરુનાં નસકોરાં પર રુવાંટી હોતી નથી.
(2) ઉષ્માના વ્યયનો ઘટાડો કરવા માટે શરીરના અંત ભાગોમાં ધમનીઓ અને શિરાઓમાં વિરુદ્ધની દિશામાં રુધિરનું વહન થાય છે. જ્યારે તાપમાન ઊંચું હોય ત્યારે અંત ભાગોમાંથી પાછું ફરતું મોટા ભાગનું રુધિર ત્વચાની નજીકની શિરાઓમાં વહે છે; જ્યારે તાપમાન નીચું હોય ત્યારે ત્વચાની નજીકની શિરાઓ સંકોચન પામે છે અને રુધિરનું વહન ધમનીઓની નજીક આવેલી શિરાઓમાં થાય છે. ધમનીઓમાંથી કેટલીક ઉષ્મા શરીરના દૂરના ભાગોમાંથી આવતા શિરાના ઠંડા રુધિરમાં થાય છે. આ વિધિને પ્રતિધારા ઉષ્મા વિનિમય (counter current heat exchange) કહે છે, જેના દ્વારા ઉત્તરધ્રુવીય પ્રાણીઓ ઉષ્મા-વ્યયની પ્રક્રિયા અટકાવે છે.
જ્યારે પર્યાવરણીય તાપમાન તટસ્થ મર્યાદા (મનુષ્ય માટે 27°-31° સે.) થી વધે ત્યારે સમતાપી પ્રાણીઓ ઉષ્માવહન (conduction) વિકિરણ (radiation) અથવા સંવહન (convection) અથવા પાણીના બાષ્પન પૈકી કોઈ એક કે તેથી વધારે પદ્ધતિઓ દ્વારા શરીરમાંથી થતો ઉષ્મા-વ્યય વધારે છે. આ ઉષ્મા-વ્યય પ્રાણી અને પર્યાવરણના તાપમાનના તફાવત પર આધારિત છે. પર્યાવરણીય તાપમાન જેમ વધે છે તેમ આ તાપમાનનો તફાવત ઘટે છે અને ઉષ્મા-વ્યય પણ ઘટે છે. તેથી ઊંચા તાપમાને સમતાપી પ્રાણીઓ પાણીનું બાષ્પન કરે છે.
જ્યારે પાણીનું બાષ્પન થાય છે. ત્યારે ઉષ્માનો વ્યય થાય છે કારણ કે પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં પાણીનું રૂપાંતર કરવા બાષ્પન-ઉષ્મા (heat of vaporization) તરીકે ઓળખાવાતી કાર્યશક્તિની જરૂર પડે છે. શરીરમાંથી જ્યારે 1.00 ગ્રા. પાણીનું વરાળમાં રૂપાંતર થાય ત્યારે લગભગ 540 કૅલરી ઉષ્માનો વ્યય થાય છે. ભૌમિક પ્રાણીઓ સામાન્યત: પર્યાવરણ કરતાં વધારે પ્રમાણમાં પાણી ધરાવે છે અને પ્રસરણ દ્વારા પાણીનું બાષ્પન થાય છે. જોકે પ્રસરણ દ્વારા થતો ઉષ્મા-વ્યયનો દર પર્યાવરણના ઊંચા તાપમાનની તુલનામાં ધીમો હોય છે. તેથી પાણીના બાષ્પનનો દર વધારવા પ્રાણીઓ પ્રસ્વેદન (sweating), હાંફ (panting) અને શરીર પર લાળ લગાડવાની ક્રિયાઓ કરે છે. આ બધી ક્રિયાઓમાં વિશિષ્ટ ગ્રંથિઓ દ્વારા પ્રવાહીના સ્રાવમાં વધારો થાય છે.
કેટલાંક પ્રાઇમેટ્સ (મનુષ્ય સહિત), ઊંટ, ઘોડા, બારશિંગા (antelope) અને ઢોરોમાં તાપમાનના નિયમન માટે પ્રસ્વેદન થાય છે. ત્વચાની નીચે આવેલી અસંખ્ય પ્રસ્વેદગ્રંથિઓ દ્વારા પરસેવાનો નોંધપાત્ર જથ્થામાં સ્રાવ થાય છે; દા.ત., રણપ્રદેશમાં 90 કિગ્રા.નો મનુષ્ય દર કલાકે 1.0 કિગ્રા. જેટલું પાણી પરસેવા દ્વારા ગુમાવે છે.
હાંફ દરમિયાન શ્વસનના દરમાં એકાએક વધારો થાય છે. આ ક્રિયા દ્વારા પક્ષીઓ, ઘણાં માંસાહારીઓ (દા.ત., બિલાડી, કૂતરાં), કેટલાંક બારશિંગા અને ઢોર(કે જેમનામાં પ્રસ્વેદન થાય છે)માં તાપમાનનું નિયમન થાય છે. શ્વાસમાં લેવાયેલી હવા ફેફસાંમાં પહોંચે તે પહેલાં તે પાણીથી સંતૃપ્ત બને છે; પરંતુ આ પાણી ઉચ્છ્વાસ દરમિયાન ગુમાવાય છે; તેથી શ્વસનના દરમાં થતા વધારાથી પાણીનું બાષ્પન ઝડપથી થાય છે. મોટાભાગનું આ પાણી શ્વસનમાર્ગનું અસ્તર બનાવતા કોષો અને સ્રાવી ગ્રંથિઓમાંથી આવે છે. ઘણાં પ્રાણીઓ તેમના નાક દ્વારા હાંફે છે. જેથી બાષ્પનના દરમાં ઉમેરો થાય છે, કારણ કે નસકોરાંનો માર્ગ મુખ કરતાં વધારે સાંકડો હોય છે અને હવા નસકોરાની ભેજયુક્ત પેશીઓના સંપર્કમાં આવે છે. કૂતરું મોં ખુલ્લું રાખીને હાંફે છે. તે દરમિયાનમાં નાક દ્વારા શ્વાસ લેવાય છે અને મોં દ્વારા ઉચ્છ્વાસની ક્રિયા થાય છે.
નાનાં સસ્તનો જેવાં કે કૃન્તકો (rodents), ચામાચીડિયું અને શિશુધાની સ્તની (marsupials) લાળ લગાડવાની ક્રિયા દ્વારા શરીરના તાપમાનનું નિયમન કરે છે. હાથી તેના મોં દ્વારા સમગ્ર શરીર પર લાળનો છંટકાવ કરે છે. ઉંદરમાં શીતન માટે લાળનો ઉપયોગ થાય છે. ઉંદરના અધશ્ચેતકમાં આવેલાં તાપમાનનાં ગ્રાહી કેન્દ્રો દ્વારા તાપમાનના વધારા સાથે વિવિધ લાળગ્રંથિઓ દ્વારા થતા સ્રાવનું નિયમન થાય છે. જ્યારે તાપમાન 37° સે.થી વધીને 38.5° સે. થાય છે. ત્યારે ઉંદરની અધોહનુ ગ્રંથિઓ મોંમાં ઝડપથી લાળનો સ્રાવ કરે છે. ઉંદર તેને શરીરની સપાટી પર પ્રસારે છે અને તેનું બાષ્પન થતાં પ્રાણીનું તાપમાન નીચું રહે છે. જ્યારે શરીરનું તાપમાન 40° સે. થી વધારે થાય છે ત્યારે ઉપકર્ણગ્રંથિ દ્વારા લાળનો સ્રાવ થાય છે. અધોજિહવીય ગ્રંથિનો સ્રાવ તાપમાનના વધારા સાથે વધતો નથી.
રણપ્રદેશમાં વસતાં પ્રાણીઓ માટે ગરમ પર્યાવરણમાં તાપમાનના નિયમન માટે પાણીનો ઉપયોગ કરવો તે સક્ષમ પદ્ધતિ નથી; દા.ત., પ્રસ્વેદનથી પાણીના મોટા જથ્થામાં થતા વ્યયને લીધે ઉદભવતી નિર્જલીકરણની સ્થિતિને પહોંચી વળવા પુષ્કળ પ્રમાણમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે તો જ મનુષ્ય રણપ્રદેશમાં રહી શકે. કેટલાંક નાનાં સસ્તનો (દા.ત., કાંગારુ, ઉંદર) રણપ્રદેશમાં વસવાટ ધરાવે છે, છતાં પાણી કદી પીતાં નથી. તે ખોરાકમાંથી પાણી મેળવે છે. અને પાણીનો વ્યય ઘટાડવા માટે સક્ષમ મૂત્રપિંડો અને અનુકૂલન દર્શાવતી અન્ય ક્રિયાવિધિઓ ધરાવે છે. ઉપરાંત, તે ગરમીથી દૂર રહીને પાણીની બચત કરે છે. ઘણાં પ્રાણીઓ દિવસ દરમિયાન ઊંચા તાપમાને ભૂમિમાં આવેલાં ઊંડાં ઠંડાં દરમાં રહે છે અને સાંજે ઠંડક થતાં બહાર આવે છે. તે ર્દષ્ટિએ તે કેટલાંક અસમતાપી પ્રાણીઓ જેવાં જ છે, જે તાપમાનનું નિયમન કરવા અનુકૂળ સૂક્ષ્મ આબોહવા પસંદ કરે છે.
ઊંટ રણપ્રદેશમાં તીવ્ર નિર્જલીકૃત પરિસ્થિતિ સામે ટકી શકે છે. તેનું કદ ઘણું મોટું હોવાથી તાપમાનમાં વધારો કરવા માટે વધારે જથ્થામાં ગરમી જોઈએ. દિવસ દરમિયાન ઊંટ ગરમીનો સંગ્રહ કરે છે, જેથી તેનું તાપમાન થોડા સેલ્સિયસ વધે છે. રાત્રે પર્યાવરણ વધારે ઠંડું બનતાં સંગૃહીત ઉષ્મા ગુમાવાય છે અને શરીરનું તાપમાન ઘટે છે. આમ, પાણીના મોટા જથ્થાનું બાષ્પન થયા સિવાય ઉષ્માનો સંગ્રહ અને વ્યય બંને થાય છે અને તાપમાનનું નિયમન થાય છે.
બળદેવભાઈ પટેલ