તાતા, રતન નવલ (. 28 ડિસેમ્બર 1937 સૂરત, ગુજરાત; અ. 9 ઑક્ટોબર 2024 મુંબઈ, મહારાષ્ટ્ર) : તાતા જૂથના પૂર્વ અધ્યક્ષ.

તેમનો જન્મ ડાયમંડ કેપિટલ સૂરતના પારસી પરિવારમાં થયેલો. માતા સૂની તાતા. પિતા નવલ તાતા. રતન દસ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા અલગ થઈ ગયેલા. તેમનાં પિતા એ સિમોન તાતા સાથે બીજાં લગ્ન કર્યાં. નોએલ તાતા તેમના ઓરમાન ભાઈ છે. રતન અને તેમના ભાઈ જિમી તાતાનો ઉછેર તેમનાં દાદી નવજબાઈએ કર્યો હતો. રતન તાતા એ 8 ધોરણ સુધી મુંબઈની કેમ્પેઈન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આગળનો અભ્યાસ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કેનેન શાળા તથા સિમલાની બિશોપ કોટનશાળામાં કર્યો. 1955માં રતન તાતાએ તેમની સ્નાતક ડિગ્રી ન્યૂયૉર્કની રિવર ડેલકાઉન્ટ્રી સ્કૂલમાંથી મેળવી. ત્યાર બાદ 1959માં તેઓ આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે કોર્નેલ યુનિવર્સિટી ગયા હતા. 1975માં તેમણે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ્ડ મૅનેજમેન્ટ કોર્સ પૂરો કર્યો. તાતા અમેરિકામાં સ્થાયી થવા ઇચ્છુક હતા, પણ દાદી નવજબાઈની બીમારીને પગલે ભારત પાછા ફર્યા હતા.

ભારતીય ઉદ્યોગ વિશ્વના અણમોલ રત્નોમાં રતન તાતાનો સમાવેશ થાય છે. તેઓ જમશેદજી તાતા દ્વારા સ્થાપિત તાતા જૂથના પૂર્વ અધ્યક્ષ છે. તેઓ જે.આર.ડી. તાતાના ભત્રીજા છે. રતન તાતા ભારતના અગ્રણી ઉદ્યોગપતિ છે. રતન તાતાની સંપત્તિની વાત કરીએ તો સેલિબ્રિટી નેટવર્થ. કોમ અનુસાર તેમની નેટવર્થ એક અબજ ડૉલરની આસપાસ છે. રતન તાતાની ગણના તેમની પેઢીના ઉત્કૃષ્ટ વ્યવસાયીઓમાં થાય છે. તેઓ તાતા ગ્રૂપ અને સામાજિક જવાબદારી, બન્ને માટે કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતાની મિસાલ છે. રતન તાતા, તાતા સન્સ, તાતા ઈન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, તાતા સ્ટીલ અને તાતા કેમિકલ્સના ચૅરમૅન ઉપરાંત તાતા કન્સલટન્સી, તાતા પાવર, તાતા ગ્લોબલ બિવરેજ, તાતા ટેલિ સર્વિસ અને તાજગ્રુપના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. નાના પાયે મીઠાના ઉત્પાદનથી લઈને ઍરલાઇન ઉદ્યોગ સુધી, તાતા જૂથના ઉદ્યોગો તમામ સ્તરોમાં ફેલાયેલા છે. તાતાની કંપની હેઠળ 100 કંપની આવે છે. તાતા જૂથ ચાથી લઇ 5 સ્ટારહોટેલ, સોયથી લઈ સ્ટીલ સુધી, નેનો કારથી લઈ વિમાનનું ઉત્પાદન કરે છે. તાતા ગ્રૂપે ઍર ઇન્ડિયાને 18 હજાર કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. આ ઍરલાઇને 68 વર્ષ પછી ઘર વાપસી કરી છે. રતન તાતા દુનિયાની સૌથી સસ્તીગરીબ વર્ગના લોકો પણ ખરીદી શકે એવી નેનો કાર બનાવવા માટે જાણીતા છે. રતન તાતા અને એમનો પરિવાર પરોપકારી કામોમાં પહેલેથી જ પરોવાયેલો છે. રતન તાતાએ ભારતમાં હેલ્થકેર ફેસિલિટીના વિકાસ અને શિક્ષણના વિકાસક્ષેત્રે બહુ મોટું યોગદાન આપ્યું છે. ભારત સરકાર દ્વારા રતન તાતાને 2000માં દેશના બીજાં સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણ અને 2008માં દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણથી સમ્માનિત કરાયા હતા.

રતન તાતા અમેરિકામાં અભ્યાસ કરીને ભારત પરત ફર્યા ત્યારે તેમને ઇન્ટર નેશનલ બિઝનેસ મશીન્સ – IBMમાં નોકરી મળી. પરંતુ તેમના માર્ગદર્શક જે આર ડી તાતા આનાથી ખુશ ન હતા. રતન તાતા જ્યારે IBMની ઑફિસમાં હતા ત્યારે જે આર ડી તાતાએ તેમને ફોન કરીને  તેમનો બાયોડેટા માંગ્યો. પરંતુ તે સમયે રતન તાતા પાસે કોઈ બાયોડેટા ન હોતો. પછી તેમણે IBM ઑફિસમાં ઇલેક્ટ્રિક ટાઇપરાઇટર પર તાતા ગ્રૂપમાં નોકરી મેળવવા માટે પોતાનો બાયોડેટા તૈયાર કર્યો અને જે. આર. ડી. તાતાને મોકલ્યો. રતન તાતાએ એમની પહેલી નોકરી 1961માં તાતા સ્ટીલમાં મેળવી હતી. તેમને જમશેદપુર પ્લાન્ટમાં 6 મહિનાની ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને તાતા સ્ટીલની જવાબદારી સોંપવામાં આવી હતી. તાતા સ્ટીલના શોપ ફ્લોર સાથે જોડાઈને રતન તાતાએ કૌટુંબિક ઉદ્યોગ વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. તેમણે બ્લાસ્ટ ફર્નેસ અને ચૂના પથ્થર મેનેજમેન્ટની જવાબદારી સંભાળી હતી. 1971માં રતન તાતાને આર્થિક તંગી સામે ઝઝૂમતી નેલ્કો-નેશનલ રેડિયો ઍન્ડ ઇલેક્ટ્રૉનિક્સ કંપની લિમિટેડના ડાયરેક્ટર ઇન-ચાર્જ નિયુક્ત કરાયા. એ સમયે નેલ્કોની બજારમાં હિસ્સેદારી 2% હતી અને વેચાણમાં નુકસાન 40% હતું. કાર્યભાર સંભાળ્યા પછી રતન તાતાને કંપનીએ ઉપભોક્તા ઇલેક્ટ્રૉનિક્સ સામગ્રીને બદલે ઉચ્ચ-પ્રૌદ્યોગિકી ઉત્પાદનોના વિકાસમાં રોકાણ કરવાનું સૂચન કર્યું. જે.આર.ડી. તાતાએ આ સૂચનને અમલમાં મૂક્યું. પરિણામે 1972થી 1975 સુધીમાં નેલ્કોએ બજારમાં પોતાની હિસ્સેદારી 20% સુધી વધારી અને પોતાનું નુકસાન પણ ભરપાઈ કરી દીધું.  પોતાની નોકરીના ત્રણ દાયકા બાદ, જે.આર.ડી. તાતાની નિવૃત્તિ પછી રતન તાતાએ તાતાજૂથના અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું.

રતન તાતાને 1991માં તાતા ગ્રૂપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2012 સુધી તેઓ ગ્રૂપના ચૅરમૅન રહ્યા. તાતા અધ્યક્ષ બન્યા પછી પોતાના ઉદ્યોગ કૌશલ્યથી તાતા ગ્રૂપને સફળતાની ઉંચાઈએ લઈ ગયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી. તેમના નેતૃત્વમાં તાતા ગ્રૂપની રેવન્યૂ 40 ગણી વધી અને નફો લગભગ 50 ગણો વધ્યો. રતન તાતાએ જ્યારે તાતા ગ્રૂપનું ચૅરમૅન પદ સંભાળ્યું ત્યારે કંપનીની નેટવર્થ 43,000 કરોડ રૂપિયાની હતી, જે 2016માં વધીને 76,79,42,25,00,000 રૂપિયા સુધી પહોંચી હતી. રતન તાતાએ ભારતની બહાર પણ તાતા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. રતન તાતાએ કેટલાંક ઐતિહાસિક મર્જર પણ કર્યાં છે.  તેમાં તાતા મોટર્સ સાથે જગુઆર અને લેન્ડ રોવર મર્જર, ટેલ્ટીનું તાતા ટી સાથે મર્જર તથા કોરસનું તાતા સ્ટીલ સાથે મર્જર સામેલ છે. રતન તાતાના નેતૃત્વમાં થયેલાં આ તમામ વિલીનીકરણે તાતા ગ્રૂપના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.  2009માં તેમણે દેશની સૌથી સસ્તી માત્ર એક લાખ રૂપિયાની કિંમતની તાતા નેનો કાર આપી હતી. 21 વર્ષ સુધી તાતા જૂથનું નેતૃત્વ રતન તાતાએ કર્યું હતું.

રતન તાતાના નેતૃત્વમાં તાતા ગ્રૂપે કોર્નેલ યુનિવર્સિટીને ભારતીય વિદ્યાર્થીઓ માટે 2,08,20,00,000 રૂપિયાથી વધુ ફંડ સ્કોલરશિપ પેટે આપ્યું છે. રતન તાતાએ 2010માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક એક્ઝિક્યુટિવ સેન્ટર માટે 3,80,00,00,000થી વધુ રૂપિયા દાન કર્યા હતા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં તાતાના નામથી હૉલ પણ છે. સખાવત કરવાની સાથે-સાથે રતન તાતા એમના કર્મચારીઓનો પણ ખાસ ખ્યાલ રાખતા હતા. એમણે કર્મચારીઓને મૉડર્ન પેન્શન સ્કીમ, મેટરનિટી લિવ, મેડિકલ ફેસિલિટી અને અનેક સુવિધાઓ પૂરી પાડી હતી. મુંબઈમાં 26-11ના હુમલા પછી તેમણે તાજ હોટલના કર્મચારીઓ પાછળ ખાસ ધ્યાન આપ્યું હતું. હોટલમાં નુકસાન થયા છતાં તેમણે કર્મચારીઓના પગારથી માંડીને અન્ય સેવાઓ વિશે તકેદારી રાખી હતી. આ સિવાય તેમણે રેલવે, પોલીસસ્ટેશન અને બજારના વેપારીઓને પણ વળતર આપ્યું હતું.

રતન તાતા અપરિણીત હતા. જીવનમાં ચાર તબક્કે તેઓ લગ્ન સુધી પહોંચી ગયેલા, પરંતુ કેટલાંક કારણોસર લગ્ન થઈ શક્યાં નહોતાં. આ અંગે એક મુલાકાતમાં રતન તાતાએ ખુદ કહેલું કે જ્યારે પોતે લોસએન્જલસમાં એક આર્કિટેક્ચર ફર્મમાં કામ કરતા હતા ત્યારે એક યુવતી સાથે પ્રેમ થઈ ગયેલો. રતન તાતાએ જણાવેલું કે તેઓ લગ્ન કરવાની તૈયારીમાં જ હતા. પરંતુ સાત વર્ષથી બીમારીમાં સપડાયેલાં તેમનાં દાદીની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે ભારત પાછા ફરવું પડ્યું હતું. દરમિયાન 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાયું. આવી સ્થિતિમાં પ્રેમિકાનાં માતા-પિતા રતન તાતા સાથે તેમની પુત્રીના સંબંધો આગળ વધારવા માંગતાં નહોતાં. એથી એમનો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો. ત્યાર બાદ પણ તાતાને પ્રેમ સંબંધ થયા. ચાર વખત તેઓ ગાઢ પ્રણય સંબંધમાં રહી ચૂક્યા હતા. પરંતુ કોઈ ને કોઈ કારણોસર તેમના પ્રણય સંબંધ લગ્નમાં ન પરિણમી શક્યા.

રતન તાતા મુંબઈમાં કોલાબાના દરિયાકિનારે દરેક સુવિધાઓથી સજ્જ આલીશાન બંગલામાં રહેતા હતા. ત્રણ માળના આ શ્વેત રંગે રંગાયેલા બંગલાના પહેલા ભાગમાં પાર્ટી માટે સનડેક અને લિવિંગ સ્પેસ છે જ્યારે બાકીના હિસ્સામાં જિમ, પુસ્તકાલય, સ્વિમિંગ પુલ, લાઉન્જ, સ્ટડી રૂમ છે. રતન તાતાનું ઘર 13,350 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે. આ ઘર વૈભવ અને સાદગીનું પ્રતિબિંબ છે. રતન તાતાના ઘરની કિંમત આશરે 150 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. રતન તાતાના બંગલાના ભોંયરામાં 12–15 કાર સમાવી શકાય છે.

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ રતન તાતાને વિમાન અને ઉડ્ડયન ખૂબ જ પસંદ હતા. તેઓ એક કુશળ પાઇલટ હતા. તેઓ 2007માં વાયુસેનાનું F-16 Falcon ઉડાડનાર પહેલા ભારતીય બન્યા હતા. તાતા એમના કાર પ્રેમ વિશે પણ જાણીતા હતા. તેમને લક્ઝરી કારનો  બેહદ  શોખ હતો. તેમની પાસે ફેરારી કૅલિફૉર્નિયા, કેડિલેક એક્સ એલ આર, લૅન્ડરોવર ફ્રીલેન્ડર, ક્રિસ્લેર સેબ્રિંગ, હોન્ડા સિવિક, મર્સિડિઝ બેન્ઝ એસ-ક્લાસ, માસેરાટી ક્વાટ્રોપોર્ટ, મર્સિડિઝ બેન્ઝ 500 એસ.એલ, જગુઆર એફ-ટાઇપ અને જગુઆર સી.એફ.ટી.આર. સહિત ઘણી વૈભવી અને કીમતી લકઝરિયસ કાર હતી. નિવૃત્તિ  બાદ નવરાશના સમયમાં  તાતા પુસ્તકો વાંચવાનું પસંદ કરતા હતા. તેમને સફળ લોકોની અસફળ કહાણીઓ વાંચવામાં વધારે રુચિ હતી. રતન તાતા પાસે જર્મન શેફર્ડ જાતિના ટીટો અને મેક્સિમસ નામના બે પાલતુ શ્વાન પણ હતા. જેમની તેઓ ખુદ સંભાળ લતા હતા. ફુરસદના સમયમાં તાતા તેમની સાથે રમતા હતા.

રતન તાતાના કેટલાંક પ્રેરણાત્મક અવતરણો આ મુજબ છે :  જે વ્યક્તિ અન્યની નકલ કરવાનો પ્રયાસ કરી રહી છે તે થોડા સમય માટે સફળ બનશે, પરંતુ તે જીવનમાં આગળ સફળ થઈ શકશે નહીં….જીવનમાં ઉતાર-ચઢાવ આપણને સક્રિય રાખવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણકે એક સીધી રેખા-ઇસીજીમાં પણ હોય, તેનો અર્થ એ છે કે આપણે જીવંત નથી…લોખંડને કોઈ નષ્ટ ન કરી શકે, પણ તેનો કાટ નષ્ટ કરી શકે. તેવી જ રીતે, કોઈ વ્યક્તિનો નાશ કરી શકતો નથી, પરંતુ તેની પોતાની માનસિકતા તેને નષ્ટ કરી શકે છે….હું યોગ્ય નિર્ણય લેવામાં માનતો નથી. હું નિર્ણયો લઉં છું અને પછી તે નિર્ણયને સાચો સાબિત કરું છું.”

રતન તાતાને દેશવિદેશમાં અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે : 2000માં દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી, 2001માં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીની બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં ડૉક્ટરેટની માનદ પદવી, 2004માં ઉરુગ્વે સરકાર તરફથી ઉરુગ્વે ઓરિએન્ટલ ગણરાજ્યનો ચંદ્રક, આજ વર્ષ, 2004માં એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી તરફથી ટૅકનૉલૉજીમાં ડૉક્ટરેટની માનદ પદવી, 2005માં આંતરરાષ્ટ્રીય ગણમાન્ય અચીવમેંટ ઍવૉર્ડ અને વૉરવિક વિશ્વવિદ્યાલય તરફથી સાયન્સમાં માનદ ડોક્ટરેટ, 2006માં ચેન્નાઈની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅકનૉલૉજી તરફથી વિજ્ઞાનમાં ડૉક્ટરેટની માનદ પદવી, 2006માં જવાબદાર પૂંજીવાદ પુરસ્કાર, 2007માં લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને પોલિટિકલની માનદ ફેલોશિપ અને 2007માં જ આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કાર્નેગી એન્ડોમેન્ટનો પરોપકારનો કાર્નેગી ચંદ્રક રતન તાતાને એનાયત કરાયો છે. 2008માં તેમને સાત સન્માનથી પુરસ્કૃત કરાયા હતા. લીડરશિપ ઍવૉર્ડ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય તરફથી ઓનરેરી ડૉક્ટર ઓફ લૉ, આઈ.આઈ.ટી., મુંબઈ તરફથી વિજ્ઞાનના માનદ ડૉક્ટર, આઈ.આઈ.ટી., ખડગપુર તરફથી વિજ્ઞાનના માનદ ડૉક્ટર, સિંગાપુર સરકારનો માનદ નાગરિક પુરસ્કાર, એન્જિનિયરિંગ અને ટૅકનૉલૉજી સંસ્થાન તરફથી માનદ ફેલોશિપ અને પ્રદર્શન રંગમંચનો લીડરશિપ ઍવૉર્ડ તેમને મળ્યો હતો.

તાતાને 2009માં ઇટાલિયન ગણરાજ્યના મેરિટના આદેશના ‘ગ્રાન્ડ ઑફિસર’નો પુરસ્કાર, યુ.કે.નો માનદ નાઇટ કમાન્ડર પુરસ્કાર, ઇટલી સરકારનો ગ્રાન્ડ અધિકારી ઍવૉર્ડ, 2010માં બિઝનેસ ફોર પીસ ફાઉન્ડેશનનો ઓસ્લો બિઝનેસ ફોર પીસ ઍવૉર્ડ, વિશ્વ સ્મારક ભંડોળનો હેડ્રિયન પુરસ્કાર, લીજેન્ડ યેલ વિશ્વવિદ્યાલયનો લીડરશિપ ઍવૉર્ડ, 2010નો બિઝનેસ લીડરનો એશિયાઈ પુરસ્કાર, 2012માં એન્જિનિયરિંગની રૉયલ અકાદમીનો માનદ ફેલો ઍવૉર્ડ તથા 2013માં એમ્સ્ટરડેમ વિશ્વવિદ્યાલય તરફથી ડૉક્ટરેટની માનદપદવી મળી હતી. તેમને 2014માં સિંગાપુર મેનેજમેન્ટ યુનિવર્સિટી તરફથી વ્યાપારના માનદ ડોક્ટર, વડોદરા મૅનેજમેન્ટ એસોસિયેશનનો સયાજીરત્ન પુરસ્કાર, બ્રિટિશ સામ્રાજ્યનો ક્રમના માનદ નાઇટ ગ્રાન્ડ ક્રોસ ઍવૉર્ડ અને ન્યૂયોર્ક વિશ્વવિદ્યાલય તરફથી કાનૂનની માનદ ડોક્ટર, 2015માં ક્લેમસન વિશ્વવિદ્યાલય તરફથી ઑટોમોટિવ એન્જિનિયરિંગના માનદ ડૉક્ટરની પદવી તેમને એનાયત કરાઈ હતી. 2023માં રતન તાતાને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન’ ઑર્ડર ઑફ ઓસ્ટ્રેલિયા’થી નવાજવામાં આવ્યા હતા.

 

ટીના દોશી