તાડ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની એક જાતિનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Borassus flabellifer. (બં. તાલ; ગુ. તાડ; હિં. તાડ, તાલ, તારકા ઝાર; મ. તાડ; તે. તાડીચેટ્ટુ; ત. પનાર્થ; ક.તાલે; મલ. પાના; અં. palmyra palm) છે. તેની બીજી ચાર જાતિઓ થાય છે. તે આફ્રિકાનું મૂલનિવાસી છે અને તેનો ફેલાવો ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં થયેલો છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. તેનું શુષ્ક વિસ્તારોમાં  ખાસ વિસ્તરણ થયેલું છે.

તે સામાન્ય રીતે 10થી 20 મીટર ઊંચું વૃક્ષ છે; પરંતુ કેટલીક જગ્યાએ 30 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ ધરાવે છે. તે શાખારહિત કાળા રંગનું પ્રકાંડ ધરાવે છે. પ્રકાંડ પર ચિરલગ્ન (persistent) પર્ણતલો જોવા મળે છે. ટોચ ઉપર નજીક ગોઠવાયેલાં 30થી 40 પર્ણોનો (પર્ણ)મુકુટ (crown) હોય છે. પર્ણો મોટા કદનાં 1.0થી 1.5 મીટર પહોળાં પંખાકાર હોય છે. તે દ્વિગૃહી વનસ્પતિ હોવાથી નર અને માદા વૃક્ષો અલગ અલગ થાય છે. તેનાં પાકાં ફળ (તાડગુલ્લાં) અષ્ઠિલ જાંબલી કાળા રંગનાં, 15થી 20 સેમી. વ્યાસનાં, ગોળાકાર, રેસામય મધ્ય ફલાવરણ ધરાવતાં હોય છે. દરેકમાં બેથી ત્રણ બીજ હોય જે ગલેલી કે તાડફળી તરીકે જાણીતાં છે. કુમળી ગલેલી પારદર્શક કાચ જેવી સફેદ, નરમ જેલી જેવી તથા અંદર મીઠું પાણી ધરાવતી પોષક સ્વાદિષ્ટ વસ્તુ તરીકે ખવાય છે. પરંતુ પાકી જતાં ગલેલી કઠણ અને સફેદ રંગની બની જાય છે.

તાડનું વૃક્ષ અને તેનાં અંગો : 1. પ્રકાંડ, 2. ફળ સાથે શાખા, 3. ફળ, 4. બી.

ફળાઉ વૃક્ષ તરીકે સામાન્ય રીતે તાડનો ઉછેર કરવામાં આવતો નથી; પરંતુ કુદરતી રીતે પ્રસર્જન બીજ દ્વારા થાય છે. બીજનું અંકુરણ થયા બાદ શરૂઆતમાં  તેના પ્રકાંડની વૃદ્ધિ જાડાઈમાં જમીનની અંદર થયાં કરે છે. દર વર્ષે પર્ણો જમીનની ઉપરથી નીકળતાં માલૂમ પડે છે. આ પ્રક્રિયા 15થી 20 વર્ષ સુધી ચાલુ રહે છે. ત્યારપછી પ્રકાંડનો વિકાસ લંબાઈમાં જમીનની બહાર થવા લાગે છે. અને નળાકાર કાળું પ્રકાંડ વિકસિત થાય છે.

રાસાયણિક વિશ્લેષણ

ભેજ પ્રેાટીન લિપિડ કાર્બોદિતો ખનિજ

ક્ષારો

Ca

મિ.ગ્રા/

100

ગ્રામ

P

મિ.ગ્રા/

100

ગ્રામ

કાર્ય

શક્તિ

કૅલરી

પાકું ફળ-માવો 77.2% 0.7% 0.2% 20.7% 0.7% 9 33 81
માવો-સૂકો 15.8% 4.2% 0.5% 74.92% 4.58% 70 150
કાચું ફળ-માવો 92.3% 0.6% 0.1% 6.5% 0.2% 10 20 29
લીલું ફળ

સૂકો માવો

24.0% 7.0% 0.3% 65.19% 3.51% 50 290
મૂળસૂકું 15.6% 3.8% 1.0% 75.7% 2.00% 40 170 327

તાડના પ્રકાંડની ટોચના ભાગે પર્ણો નજીક નીચેના ભાગે છેદન કરીને તેમાંથી રસ મેળવવામાં આવે છે, જે નીરો તરીકે ઓળખાય છે. માદા વૃક્ષમાંથી રસનો ઉતાર નરવૃક્ષ કરતાં 50 % જેટલો વધારે હોય છે. નીરો પારદર્શક, મીઠો, સ્વાદિષ્ટ, રુચિકર સુગંધ ધરાવતો રસ છે. તે પૌષ્ટિક પીણું છે. નીરામાં આથો ચડવાની પ્રક્રિયા તરત શરૂ થઈ જાય છે અને તાપમાન વધે તેમ તે વધે છે. આથી નીરાને નીચા ઉષ્ણતામાને રાખવો જરૂરી છે. તાજા નીરાનું સેવન વધુ ઉચિત ગણાય છે. આથો ચડેલો નીરો તાડી તરીકે ઓળખાય છે. તાડી સ્વાદમાં ખાટી લાગે છે. વધુ સમય જતાં તાડીમાં અમ્લનું પ્રમાણ વધવા લાગે છે અને મદ્યાર્કનું પ્રમાણ ઘટતું જાય છે.  તેથી વધુ સમય આથો ચડેલી તાડી આરોગ્યને નુકસાનકારક હોઈ મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. નીરામાં શર્કરા અને યીસ્ટનું પ્રમાણ સારું એવું હોય છે. અને યીસ્ટ વિટામિન બી સંકુલનો મહત્વનો સ્રોત છે. તેથી નીરો જે વિસ્તારમાં પીણા તરીકે  લેવાય છે ત્યાં વિટામિન બી-સંકુલની અછતથી થતા રોગો ઓછા જોવા મળે છે. નીરો ઔષધ તરીકે ઉત્તેજક છે અને કફ થતો અટકાવે છે. તાજો નીરો દાહશામક અને જલોદરમાં ઉપયોગી થાય છે. તાડમાંથી મળતા રસને ઉકાળીને ઠારવામાં આવે તો તેમાંથી ખાંડસરી અને તાડ-ગોળ તૈયાર કરી શકાય છે. અંકુરણ પામતા બીજનું બીજપત્ર (cotyledon) પણ સ્ટાર્ચયુક્ત હોવાથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તાડનું દરેક અંગ કોઈ ને કોઈ પ્રકારે મનુષ્યને ઉપયોગી છે. તેનું પ્રકાંડ દેશી ઘરના બાંધકામમાં થાંભલા, ટેકા, વળા, તરીકે તથા પર્ણો છાપરું ઢાંકવા તેમજ સાવરણા, પંખા, સાદડી, ચટાઈ, ટોપી, બાલદી, ટોપલા-ટોપલી અને લીલો પડવાશ બનાવવા માટે ઉપયોગી છે. અને ફળ પૌષ્ટિક હોવાથી ખાવામાં વપરાય છે. આ વૃક્ષમાંથી કાળા રંગનો ગુંદર નીકળે છે, જે રોજબરોજના વપરાશમાં ઉપયોગી છે. વિવિધ ભાગોમાંથી મળતા રેસાઓ જુદી જુદી વસ્તુ બાંધવા અને ગૃહશણગારમાં ઉપયોગી છે. પ્રકાંડને ઊભું છેદવામાં આવતાં બનતાં અડધિયાં ખેતીમાં તેમજ પાણીની વહેંચણીમાં ઉપયોગી છે. આયુર્વેદ અનુસાર તાડનું વૃક્ષ મધુર, શીતળ, માદક, પુષ્ટિકર, શુક્રલ, કફ કરનાર, બલકારક, મેદકર, વૃષ્ય અને સારક હોય છે. તે પિત્ત, શોષ, દાહ, શ્રમ, વિષ, કૃમિ, કોઢ, વાયુ અને રક્તદોષ મટાડે છે. તેનાં કોમળ ફળ સ્નિગ્ધ, સ્વાદુ, મલાવરોધક, ગુરુ, બલકારક, શીતલ, ધાતુવર્ધક, વૃષ્ય, તૃપ્તિકારક, માંસલ અને કફ કરનાર હોય છે. તે વાયુ, શ્વાસ, રક્તપિત્ત, વ્રણ, દાહ, ક્ષત, પિત્ત, ક્ષય અને રક્તદોષ મટાડે છે. પાકાં ફળ દુર્જર અને મૂત્રલ હોય છે. તે શુક્ર, પિત્ત, કફ, નેત્રાભિષ્યંદ અને રક્ત કરનારાં છે. લીલું ટોપરું મૂત્રલ, શીતળ, રસકાળે અને પાકકાળે મધુર તથા સારક હોય છે. તે વાતપિત્તનો નાશ કરે છે. જૂનું ટોપરું કફ કરનાર, મદકારક, લઘુ, સ્નિગ્ધ, મધુર, સારક અને વાતપિત્તનો નાશ કરે છે. તાડી અતિમાદક, સ્નિગ્ધ, ગુરુ અને વૃષ્ય હોય છે. તે ખાટી થઈ હોય તો પિત્તકર અને વાયુનો નાશ કરનાર છે.

આમ, તાડના વૃક્ષના ઘણા ઉપયોગો હોવાથી તેને કલ્પવૃક્ષ ગણવામાં આવે છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ

વિજયસિંહ છત્રસિંહ રાજ