તાજમહેલ, આગ્રા : યમુનાની દક્ષિણે આગ્રા નજીક મુઘલ સ્થાપત્યની સિદ્ધિ સમો શાહજહાંએ બંધાવેલ મકબરો. 1631માં બાળકના જન્મ વખતે બુરહાનપુરમાં મૃત્યુ પામેલ તેની બેગમ મુમતાઝની યાદમાં તેણે આ ઇમારતનું બાંધકામ 1632માં શરૂ કરાવેલું. તેને માટેની ભારતીય, ફારસી તથા મધ્ય એશિયાના સ્થપતિઓની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા 20,000 કારીગરોએ 16 વર્ષ સુધી કામ કરેલું. તે વખતે ઇમારતનો ખર્ચ રૂ. 4,00,00,000 આવેલો. અહીં 570 મી. × 300 મી. લંબચોરસ જગ્યામાં ઉત્તર-દક્ષિણ અક્ષ પર 300 મી. × 300 મી.નો બગીચો બનાવાયો છે. તેની દક્ષિણે પ્રવેશદ્વાર તથા સંરક્ષકનું મકાન અને ઉત્તરમાં 6.9 મી. ઊંચા ઓટલા પર મકરાણાના સફેદ આરસમાંથી બનાવાયેલ મકબરો છે.
મકબરાનો મૂળ આકાર ચોરસ છે. તેના ચારેય માર્ગસન્મુખ ભાગ (facade) એકસરખા બનાવાયા છે. પ્રત્યેક માર્ગ-સન્મુખ ભાગ પર 32 મી. ઊંચી કમાન છે અને તેમાં પ્રવેશદ્વારનો સમાવેશ થાય છે. મકબરાની મધ્યમાં અંદર ડ્રમ પર 17.4 મી. વ્યાસનો તથા 24 મી. ઊંચાઈનો ઘુમ્મટ છે. તેની બહારની ઊંચાઈ 60 મી. થાય છે. મકબરામાં ચારે તરફ બે માળનો પ્રદક્ષિણાપથ છે, તેના ચાર ખૂણા પર નાના નાના ઘુમ્મટ છે. આ મકબરાનો અંદરનો કક્ષ અષ્ટકોણીય છે, જેમાં મુમતાઝ બેગમ તથા શાહજહાંની કબર છે. પરંતુ મૂળ કબર નીચે ભોંયરામાં જોવા મળે છે. મકબરાના ઘુમ્મટ કંદાકાર હોવાથી તથા મકબરાની ઉપરની પાળી નાની થાંભલીઓ વડે સુશોભિત કરાઈ હોવાથી તેની આકાશ-રેખા (sky-line) દર્શનીય બને છે. મકબરાના ઓટલાના ચારે ખૂણે 41.1 મી. ઊંચા ત્રણ માળના થોડા બહારની બાજુ ઢળતા મિનારા છે. સંકુલમાં પશ્ચિમે સીક્રીના લાલ પથ્થરમાંથી બનાવેલ મસ્જિદ છે; પૂર્વમાં પણ તેવી જ ઇમારત બનાવાઈ છે. આ ઇમારતો તેના લાલ રંગ તથા તેના પરની આછી કોતરણી વડે જુદી પડવા ઉપરાંત વિરોધાભાસથી મુખ્ય મકબરાની શોભાને ઉઠાવ આપે છે. આ મસ્જિદ તેનો જવાબ, સંકુલ ફરતે દીવાલ તથા પ્રવેશદ્વાર ઈ. સ. 1649માં બનાવાયેલ. તાજમહેલ મુઘલ સ્થાપત્યની જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની ઉત્કૃષ્ટ ઇમારતોમાંની એક છે. અને આકાર, પ્રમાણમાપ, રંગ, રચના, કોતરણી તથા સંલગ્ન બાગ-બગીચા અને ફુવારા સાથેની એકરૂપતાને કારણે આ ઇમારત અકલ્પનીય એવી શાંતિની ર્દશ્ય-અનુભૂતિ કરાવી શકે છે. વિશ્વમાં ઇમારતમાંના નિર્માણમાં સૌમ્યતા તથા સમરૂપતાનું સૌંદર્ય દર્શાવવા તાજમહેલનો ઉલ્લેખ અચૂક થાય છે.
હેમંત વાળા