તાઇપિંગનો બળવો : ચીનના મંચુવંશી શાસન સામે 1850–1864 દરમિયાન થયેલો સૌથી મહત્વનો બળવો. આ બળવો પંદર વર્ષો દરમિયાન ચીનના 18 પ્રાંતો પૈકી 16 પ્રાંતોમાં ફેલાયો હતો. આ સૌથી વધુ સુવ્યવસ્થિત અને મોટા પાયા ઉપરનો બળવો હતો. બળવાખોરોની પ્રવૃત્તિને કારણે મોટી સંખ્યામાં માણસો મરણ પામ્યાં હતાં. સામાજિક અજંપો, કુદરતી આફતો અને અમલદારોના ભ્રષ્ટાચારને કારણે લોકોએ ત્રાસીને આ બળવો પોકાર્યો હતો. અગાઉના બળવાઓ કરતાં આ બળવો ભિન્ન પ્રકારનો હતો. તે ચીનની પ્રાચીન પરંપરાગત સમાજવ્યવસ્થા સામે પણ હતો.

કવૉંગતુંગ પ્રાંતમાં વસ્તીના દબાણના કારણે વિવિધ ટોળીઓ વચ્ચે વર્ચસ્વ માટે યુદ્ધો ખેલાયાં હતાં. વંશીય રીતે મૂળ વસાહતી જાતિથી અલગ એવી હક્કા જાતિ પૂર્વ કવૉંગતુંગમાંથી પશ્ચિમ કવૉંગતુંગ અને કવૉંગસી પ્રાંતમાં આવીને વસેલી હતી. આ જાતિમાં તીવ્ર અસંતોષ હતો. તેમણે બળવામાં ભાગ લીધો હતો. હુંગ સીઉં ચુઆન આ બળવાનો નેતા હતો. તે પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી સંપ્રદાયની અસર નીચે આવ્યો હતો. તેણે ગંભીર માંદગી દરમિયાન દૈવી-ર્દશ્યો (visions) પ્રત્યક્ષ થયાં હોવાનો દાવો કર્યો હતો. તેણે ચીનમાં સ્વર્ગના રાજવી તરીકે તાઇપિંગ કવોહ (સંપૂર્ણ શાંતિ માટેનો સ્વર્ગીય વંશ)નો પ્રચાર કર્યો. તેના અનુયાયીઓએ મંચુરાજવીને ઉથલાવવા પ્રતિજ્ઞા લીધી. ચીનના અગ્નિખૂણે આવેલ પ્રદેશ ઉપર પ્રથમ ફરી વળ્યા બાદ આ બળવાખોરો યાંગ્સે કિઆંગના ડેલ્ટા સુધી ફેલાયા હતા. તેમણે નાનકિંગ કબજે કરીને તેને રાજધાની તરીકે જાહેર કરેલ. શુદ્ધ નીતિમય સિદ્ધાંતો, પ્રાથમિક કક્ષાનો સામ્યવાદ, જમીનની સમાન વહેંચણી, સ્ત્રીઓને પૂર્ણ સમાન હક અને દરજ્જો તથા આર્થિક મોરચે આધુનિકીકરણ વગેરે તેમની વિચારસરણીના મુખ્ય મુદ્દાઓ હતા. તેમણે અફીણના ધૂમ્રપાનને દેશવટો આપવાનું વચન આપ્યું હતું પરંતુ આ પ્રવૃત્તિમાં પરસ્પર નેતાગીરીની હરીફાઈને કારણે ઓટ આવી હતી. તેમનો મોટા ભાગનો સમય યુદ્ધોમાં ગયો હતો. સારા વહીવટ કરનાર કુશળ અધિકારીઓની પણ ખોટ હતી. જ્યારે તાઇપિંગ બળવાખોર લશ્કરોએ શાંઘાઈ પર હુમલો કર્યો તે વખતે તેનો પ્રતિકાર ચીન તેમજ યુરોપીય દળોએ ભેગાં મળીને કર્યો હતો. સેંગ કુઓ ફેનના નેતૃત્વ હેઠળ શાહી લશ્કરો તેમજ ચાર્લ્સ જ્યૉર્જ ગૉર્ડનના નેતૃત્વ હેઠળ યુરોપીય લશ્કર બળવો દબાવી દેવામાં સફળ થયાં હતાં. 19 જુલાઈ, 1864માં નાનકિંગનું પતન થતાં આ પ્રવૃત્તિ ક્રમશ: સમેટાઈ ગઈ. આ બળવાનું એક મહત્વનું પરિણામ એ આવ્યું કે મંચુવંશી રાજવીઓ વધારે નબળા પડ્યા. પરિણામે 1912માં તેમની સત્તાનો અંત આવ્યો.

શિવપ્રસાદ રાજગોર