તાંદળજો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા અપામાર્ગાદિકુળ- Amaranthaceae)ની શાકીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amaranathus lividus Linn (સં. तंदुलीक; હિં. चौलाई; चौळाई; મ. તાંદુળજા; બં. ક્ષુદેનટે, કાંટાનટે, તે. કુઈ કોરા, ચિરિકુરા, મોલાકુરા. તા. મુલ્લુકુરઈ; અ. બુક્કેલેયમાનીય) છે. તેનું ઉદભવસ્થાન દક્ષિણ ભારત માનવામાં આવે છે.

તાંદળજાનો છોડ વર્ષાયુ પ્રકારનો શાખાઓ તથા પ્રશાખાઓવાળો સીધો વધે છે. તેના મૂળની રચના સોટીમૂળ પ્રકારની હોય છે. એનું થડ લીલા અથવા ગુલાબી રંગનું અથવા બંનેના મિશ્ર રંગનું ગોળાકાર હોય છે. પાન સાદાં, સમ્મુખ ગોઠવાયેલાં અને થડના જેવા જ રંગનાં અથવા લીલા રંગનાં હોય છે. શાખાઓવાળો પુષ્પગુચ્છ છોડની ટોચેથી અથવા પાનની કક્ષમાંથી નીકળે છે. બીજ ઘણાં નાનાં, કાળાં અથવા બદામી રંગનાં હોય છે. તે એકગૃહી (monoecious) પ્રકારનો છોડ છે. તેમાં નર અને માદા ફૂલો એક જ છોડ ઉપર બેસે છે.

દક્ષિણ ભારતમાં લાંબા સમયથી તે  ઉગાડવામાં આવે છે. જોકે ભારતના ગરમ હવામાનવાળા બધા જ પ્રદેશમાં ઉગાડાય છે અને શાક બનાવવાના તેમજ અન્ય વિવિધ ઉપયોગમાં લેવાય છે.

શાકભાજી તરીકે ઉગાડાતી જાતિઓમાં બે પ્રકારની જાતિઓ જોવા મળે છે: (1) નાનાં પાનવાળી, જેના છોડ ઠીંગણા રહે છે. તેને ‘છોટી ચોલાઈ કહે છે. (2) મોટાં પાનવાળી જાતિઓ (A. tricolor) જેના છોડ પ્રમાણમાં મોટા થાય અને પાન પણ મોટાં થાય છે. જેને ‘બડી ચોલાઈ’ કહે છે. બંને પ્રકારની જાતિઓનું દેશના ગરમ હવામાનવાળા બધા જ પ્રદેશમાં શાકભાજીના પાક તરીકે વાવેતર કરવામાં આવે છે.

પોષણમૂલ્ય : તાંદળજાના 100 ગ્રામ ખાદ્ય ભાગમાં 4 ગ્રામ પ્રોટીન, 397 મિગ્રા. કૅલ્શિયમ, 772 મિગ્રા. ઑક્ઝેલિક ઍસિડ, 25.5 મિગ્રા. લોહતત્વ, 230 મિ.ગ્રામ સોડિયમ તથા વિટામિન ‘એ’ 920 ઇન્ટરનેશનલ યુનિટ રહેલ છે. આ સિવાય ગંધક, ક્લોરિન, પોટૅશિયમ, મૅગ્નેશિયમ વગેરે પણ રહેલ છે. તાંદળજામાં ખાસ કરીને  રેસાયુક્ત પદાર્થ વધુ હોવાથી તેનો ખોરાકમાં ઉપયોગ કરતાં જઠર અને આંતરડાંની સફાઈ થવાનું કાર્ય થાય છે. આથી એને સુપાચ્ય અને ઉત્તમ શાક ગણવામાં આવે છે.

ઉષ્ણ તથા સમશીતોષ્ણ કટિબંધના ગરમ અને ભેજવાળા હવામાનના વિસ્તારમાં ઉનાળુ તથા ચોમાસુ પાક તરીકે ઉગાડવામાં આવે છે. તેને લગભગ બધા જ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય; પરંતુ સારા નિતારવાળી, ફળદ્રૂપ જમીનમાં ઉત્તમ પાક લઈ શકાય છે. ઠીંગણી જાતો માટે 3 કિગ્રા. પ્રતિ હેક્ટરે અને ઊંચી જાતો માટે 2 કિગ્રા. પ્રતિ હેક્ટરે વાવેતર કરવામાં આવે છે.

તાંદળજાનું બીજ કદમાં ઘણું જ નાનું હોવાથી વાવેતર વખતે બીજમાં ઝીણી રેતી અથવા ઝીણી માટી ભેળવવી પડે છે, જેથી એકસરખું વાવેતર કરી શકાય. જમીન તૈયાર કરી યોગ્ય માપના ક્યારા બનાવી કયારામાં યોગ્ય અંતરે (મોટી  જાત માટે 45 × 20 સેમી. અને નાની જાત માટે 30 × 20 સેમી.) છીછરા ચાસમાં ઉગાડી વાવેતર કરાય છે અને ચાસ ઢાંકી દેવામાં આવે છે. પછી તરત જ પિયત અપાય છે. ત્યાર પછી આ પ્રમાણે કાળજી રાખવામાં આવે છે : (1) જરૂર પ્રમાણે પિયત અપાય. (2) બેથી ત્રણ વખત કોદાળીથી બે લાઇન વચ્ચે ગોડ કરવામાં આવે છે, જેથી નીંદામણનો નાશ અને છોડની વૃદ્ધિ માટે અનુકૂળતા થાય છે. (3) જરૂર પડ્યે નીંદામણ કરવામાં આવે છે. (4) રોગ/જીવાત સામે જરૂર પડે રક્ષણ અપાય છે. (5) જરૂર પ્રમાણે રાસાયણિક ખાતરો આપવામાં આવે છે.

કાપણી : કુમળી દાંડલીઓ તોડી ઝૂડીઓ બનાવી બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. જમીન, હવામાન, માફકસરનાં હોય અને સારી માવજત કરવામાં આવે તો પ્રથમ કાપણી વાવણી પછી ચાર અઠવાડિયાંમાં થઈ શકે છે. અને ત્યારપછી દર આઠથી દસ દિવસે કાપણી કરી શકાય છે. ઠીંગણી જાતોમાં આવી 6થી 8 વાર કાપણી થઈ શકે છે, જ્યારે મોટી જાતોમાં 8થી 10 વાર કાપણી કરી શકાય છે. તેનું ઉત્પાદન ઠીંગણી જાતો 6થી 8 ટન પ્રતિ હેક્ટર (સરેરાશ) અને ઊંચી જાતો 8થી 10 ટન પ્રતિ હેક્ટર (સરેરાશ) થાય છે.

આહાર નિષ્ણાતના મત પ્રમાણે સામાન્ય રીતે રોજિંદા ખોરાકમાં 120 ગ્રામ જેટલા ભાજીપાલાના શાકનો સમાવેશ થવો જોઈએ. ભાજીપાલાના શાકમાં રેસાનું પ્રમાણ સારું રહેવાથી ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થાય છે. અને વિટાનિન ‘એ’ તથા લોહતત્વનું પ્રમાણ સારું હોવાથી તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી બને છે.

આયુર્વેદ અનુસાર તે મધુર, શીતળ, રુચિકર, અગ્નિદીપક, લઘુ, રુક્ષ, મૂત્રલ, પથ્ય અને સારક છે અને વિષ, પિત્ત, શ્રમ, દાહ, રક્તદોષ, ઉન્માદ, રક્તપિત્ત, શીતપિત્ત, ત્રિદોષ, તાવ, કફ, ઉધરસ અને અતિસારનો નાશ કરે છે. સર્પ, વીંછી, આગિયા, મણિયાર, ચણોઠી અને વછનાગનાં વિષ; સર્વ પ્રકારના પ્રદર; વિષમ જ્વર; આધાશીશી; અગ્નિદગ્ધ વર્ણ; ઉદરરોગ; ગર્ભિણી અને સુવાવડીના રક્તસ્રાવ વગેરેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

રમણભાઈ પટેલ