તળાજા : ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 21° 21´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.. શેત્રુંજી અને તળાજી નદીઓના સંગમ ઉપર આવેલું આ નગર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે જાણીતું છે.

અહીં પ્રાચીન કાળમાં વસતા તાલવ દૈત્યના નામ ઉપરથી તેનું ‘તાલધ્વજપુર’ નામ અને તેના ઉપરથી ‘તળાજા’ નામ થયું જણાય છે. તળાજા ગામનો ઉલ્લેખ મહેર રાજા જગમલના ઈ. સ. 1207ના દાન-શાસનમાં કરવામાં  આવ્યો છે. હાથસણી (જિ. ભાવનગર)ના વિ. સં. 1386 (ઈ. સ. 1330)ના શિલાલેખમાં તાલધ્વજનો વહીવટ રાજા મહિષે મહાનન્દના પુત્ર ઠેપક નામના મહેરને સોંપ્યો હોવાનું જણાયું છે. તળાજાથી ઘોઘા સુધીના દરિયાકાંઠે આવેલો પ્રદેશ ઘોઘાબારા તરીકે ઓળખાય છે. કિનારાના મેદાનની જમીન કાળી અને ફળદ્રૂપ છે. દરિયાકિનારો 10 કિમી. કે તેથી ઓછો દૂર હોઈને આબોહવા સમધાત છે. સરેરાશ વાર્ષિક વરસાદ 560 મિમી. છે. બાજરી, મગફળી, મરચાં, શેરડી, જીરું વગેરે મુખ્ય પાક છે. ડુંગળીનો વિપુલ પાક થાય છે. શાકભાજી તથા ડુંગળીની નિકાસ થાય છે. શેત્રુંજીબંધ અને કૂવા દ્વારા સિંચાઈ થાય છે.

તળાજાની બૌદ્ધ ગુફાઓ

તળાજા આજુબાજુનાં ગામો માટેનું વેપારી મથક છે. અહીં તેલમિલો અને બિસ્કિટનાં કારખાનાં છે. હીરા ઘસવાનો ઉદ્યોગ આસપાસનાં ગામો અને તળાજામાં વિકસતો જાય છે. તળાજા નજીકના અલંગને કારણે ત્યાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે તથા ઑક્સિજન ગૅસનાં કારખાનાં અને રોલિંગ મિલો ઊભાં થયાં છે. તાલુકાના માખણિયા ગામે ખાંડનું કારખાનું છે.

તળાજા ભાવનગર–તળાજા–મહુવા બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. લખપતથી ઉમરગામ સુધીના તટીય ધોરી માર્ગ (‘કોસ્ટલ હાઈવે’) દ્વારા તે મહુવા અને ભાવનગર સાથે અને એસ. ટી. દ્વારા ભાવનગર, મહુવા, જેસર, પાલિતાણા, સાવરકુંડલા, અમદાવાદ વગેરે ગુજરાતનાં મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે. 10 કિમી. દૂર આવેલા સરતાનપુર બંદરેથી ડુંગળી, બાજરી, તેલ, શાકભાજી વગેરેની નિકાસ થાય છે અને ઇમારતી લાકડું, વિલાયતી નળિયાં અને કપાસિયા આયાત થાય છે.

તળાજાની ગિરિકંદરામાં બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટેની ઈ. સ.ની પ્રથમ સદી દરમિયાન કંડારાયેલી ત્રીસેક ગુફાઓ છે. આ ગુફાઓમાં  15થી 20 પાણીનાં નાનાં ટાંકાં છે. સૌથી મોટી ગુફા એભલ મંડપ તરીકે ઓળખાય છે અને તે 23 × 21 × 15.5મી. માપની છે. તેના મુખભાગ ઉપર ત્રિદલ ચૈત્ય ગવાક્ષ છે. અગાઉના ચાર અષ્ટકોણ સ્તંભો નષ્ટ થયા છે. એભલમંડપની ઉપરની બાજુએ મોરમેડી, ચમેલી, ખોડિયાર, રાંકા-વાંકાની દુકાન અને નરસિંહ મહેતાની શાળા તરીકે ઓળખાતી ગુફાઓ છે. થોડી વધુ ઊંચાઈએ ચૈત્ય ગુફામાં તોરણ અને પીઠિકા  છે. ચૈત્યનો મધ્ય ભાગ નાશ પામ્યો છે. એક ડુંગર ઉપર જૈન મંદિર છે. તળાજી નદીને કાંઠે ત્રણ શિવમંદિરો તથા વારાહી અને તુલજા ભવાનીનાં મંદિરો છે.

તળાજા અને આસપાસનો પ્રદેશ ક્ષત્રપ, મૈત્રક અને સોલંકીવંશના શાસન નીચે હતો. વલભીના 788માં વિનાશ પછી અહીં વાળા રાજપૂતોનું રાજ્ય હતું અને વાળાઓને હરાવીને થોડા સમય માટે વાજાઓએ તે કબજે કર્યું હતું. ત્યારપછી બારૈયા કોળીઓને હસ્તક આ પ્રદેશ આવ્યો હતો. આ કોળીઓ ચાંચિયા તરીકે જાણીતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં બે વહાણો 1771માં તળાજાના ચાંચિયાએ લૂંટ્યાં હતાં. ભાવનગરના ઠાકોર અખેરાજજીની સહાયથી ચાંચિયાનાં 30 વહાણો બાળી નાખવામાં આવ્યાં હતાં. 1773માં રૂ. 75,000માં ભાવનગરના રાજવી વખતસિંહજીએ તળાજા ખરીદી લીધું હતું. 1773થી 1947 સુધી આઝાદી પૂર્વે તળાજા ભાવનગર રાજ્યનો એક મહાલ હતું.

વસ્તી 26,667 (2011).

ભારતી શેલત

શિવપ્રસાદ રાજગોર