તલમૂદ : યહૂદી ધર્મશાસ્ત્રનો સટીક ગ્રંથ. તલમૂદમાં મિશના તથા ગેમારાનો સમાવેશ થાય છે. મિશના એ મૌખિક કાયદાઓનો સંગ્રહ છે, જ્યારે ગેમારામાં મિશના પર થયેલાં ભાષ્ય અને ચર્ચાઓનો સમાવેશ થાય છે. યહૂદી ધર્મશાસ્ત્રીઓના એક જૂથે પૅલેસ્ટાઇનમાં અને બીજા જૂથે બૅબિલોનમાં સ્વતંત્ર રીતે તલમૂદ તૈયાર કર્યા હતા. બંનેમાં મિશનાનો મૂળ પાઠ એક જ છે, પરંતુ ભાષ્ય અલગ અલગ છે. બંને તલમૂદમાં બૅબિલોન-તલમૂદને વધારે મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે.
મિશનામાં સમાવેશ થતા મૌખિક કાયદાઓને આશરે ઈ. સ. ૨00માં ગ્રંથનું સ્વરૂપ આપવામાં આવ્યું ત્યારથી મિશના પૅલેસ્ટાઇન અને બૅબિલોનના યહૂદી ધર્મશાસ્ત્રના અભ્યાસનો મુખ્ય ગ્રંથ બન્યો. ગેમારા સહિતનો પૅલેસ્ટાઇન-તલમૂદ ઈ. સ. 500ની આસપાસ તૈયાર કરવામાં આવ્યો, જ્યારે બૅબિલોન-તલમૂદ તે પછી એકાદ સદીમાં તૈયાર થયો. બૅબિલોન-તલમૂદ પૅલેસ્ટાઇન-તલમૂદથી ત્રણ ગણો મોટો છે. મિશનાના લેખકો ટેન્નાઇમ તરીકે ઓળખાતા, અને ગેમારાના લેખકો એમોરેઇમના નામે ઓળખાતા, જ્યારે તલમૂદના સંકલનકાર સેબોરેઇમ કહેવાતા. મિશનાની ભાષા હિબ્રૂ છે, જ્યારે ગેમારાની ભાષા હિબ્રૂની છાંટવાળી આરેમિક છે.
તલમૂદના લખાણને બે ભાગમાં વહેંચી શકાય : હેલાચાહ એટલે કાનૂની અને હેગ્ગાડાહ. હેગ્ગાડાહ ભાગમાં વૈવિધ્ય ઘણું છે. તેમાં ધર્મચર્ચા, નૈતિક બાબતો, ઉપદેશકથાઓ અને દંતકથાઓ ઉપરાંત ઐતિહાસિક અને વિજ્ઞાનને લગતી બાબતોનો સમાવેશ થાય છે. બૅબિલોન-તલમૂદનો લગભગ 30 % જેટલો ભાગ અને પૅલેસ્ટાઇન-તલમૂદનું 50 % જેટલું લખાણ હેગ્ગાડાહ પ્રકારના સાહિત્યનું છે.
યહૂદી ધર્મના અનુયાયીઓ તલમૂદમાં આવરી લેવાયેલા કાયદા-નિયમોને ધર્મપાલનનો મહત્વનો ભાગ ગણે છે. રૂઢિચુસ્ત યહૂદીઓ બાઇબલના ‘લેખિત કાયદા’ની તુલનામાં મોઝીઝના સમયથી ઉદભવેલા ‘મૌખિક કાયદા’ તરીકે ઓળખાતા તલમૂદને જ અધિકૃત ગણે છે. તેઓ બાઇબલના કાયદાનું અર્થઘટન પણ તલમૂદ મુજબ કરે છે. આમ યહૂદી કાનૂનસંહિતાનો આધાર તલમૂદ છે. યહૂદી પ્રજાની પ્રાચીન સંસ્કૃતિ, ધર્મ, ભાષા, સાહિત્ય, કાનૂન અને ઇતિહાસને સમજવા માટે તલમૂદનું મહત્વ વિશેષ છે.
ર. લ. રાવળ