તલવાર : સામસામી લડાઈમાં પ્રાચીન કાળથી વપરાતું ધાતુનું બનેલું શસ્ત્ર. તેના ધારદાર પાનાની લંબાઈ, પહોળાઈ તથા આકાર ભિન્ન ભિન્ન હોય છે. ચપ્પાં, ખંજર તથા છરા કરતાં તલવારની લંબાઈ વધારે હોય છે. તેના હાથા કે મૂઠને રક્ષણાત્મક વેષ્ટન હોય છે.

ઈ. સ. પૂ. 3000 વર્ષમાં કાંસ્ય યુગ દરમિયાન ખંજર અને તલવાર જુદાં પડ્યાં. તે સમય દરમિયાન તાંબા અને કાંસાનાં શસ્ત્રો બનાવવાની શરૂઆત થઈ, જેમાં તલવારનો પણ સમાવેશ થયો. તલવારની લંબાઈ ખંજર કે છરા કરતાં વધારે રાખવામાં આવી તથા તેને પાંદડાના આકારનું મૂઠવાળું પાનું (blade) જોડવામાં આવ્યું. મધ્ય યુગમાં તેનું પાયાનું અને મુખ્ય સ્વરૂપ નક્કી થયું.

મધ્યયુગની ભારે વજનદાર તલવારની મૂઠને મોટું રક્ષણાત્મક વેષ્ટન આપવામાં આવ્યું. તેનું પાનું સીધું, બેવડી ધારવાળું (double edged) તથા અણીદાર છેડાનું રાખવામાં આવતું. લોખંડમાં થોડાક પ્રમાણમાં સીસાનું મિશ્રણ કરી હળવું પોલાદ બનાવાતું અને તે ધાતુમાંથી તલવાર બનાવવામાં આવતી. દમાસ્કસ તેનું મુખ્ય કેન્દ્ર હતું. કાપવા માટે વાંકા પાનાના લાભ વિશેષ હોય છે. તેનો  ખ્યાલ એશિયાવાસી ભારતીયો તથા ઈરાનીઓને  વહેલો આવ્યો. તુર્ક લોકોએ તેનો યુરોપમાં ફેલાવો કર્યો. પશ્ચિમના દેશોએ ઘોડેસવાર સિપાહીઓ માટેની તલવારમાં થોડોક ફેરફાર કર્યો. જપાનીઓએ લાંબા પાનાવાળી થોડોક વળાંક  ધરાવતી, બે ખોડવાળી મૂઠની તલવાર બનાવી, જેની સાથે પૂર્વજોની પૂજા સાથે દ્વંદ્વયુદ્ધની પરંપરા સંકળાયેલી છે.

વિવિધ તલવારો

કેટલીક તલવારો ઐતિહાસિક મહત્વ ધરાવે છે; દા. ત., શિવાજીની ભવાની તલવાર. માતા ભવાનીએ તેમના પર પ્રસન્ન થઈને તે તલવાર શિવાજીને પોતે ભેટ તરીકે આશીર્વાદ સાથે આપી હતી એવી દંતકથા ઘણી પ્રચલિત છે. અંગ્રેજોએ ભારતમાંથી વિદાય લીધી (1947) ત્યારે તે અન્ય ચીજવસ્તુઓ સાથે ભવાની તલવાર પણ લઈ ગયા હતા. મુઘલ બાદશાહ બાબર, હુમાયૂં, જહાંગીર તથા ઔરંગઝેબ – આ દરેક પાસે પોતપોતાની અંગત ત્રણ તલવારો હતી, જ્યારે અકબર બાદશાહ પાસે પોતાની આઠ તલવાર હતી એવા ઉલ્લેખ સાંપડે છે. આ તલવારો તેમના કદ, આકાર અને વજન પ્રમાણે અલગ અલગ નામે ઓળખાતી; દા.ત., જોરદાર, આભદાન, રેઝાદાન, વટ, માના હાથ, યાતાગાન, અબ્બાસી વગેરે. ટીપુ સુલતાન પાસે તલવાર હતી એ માન્યતા સાચી નથી. હકીકતમાં તેની પાસે સમશેર હતી.

કેટલીક તલવારો માત્ર શોભા માટે હોય છે. વિશિષ્ટ મહાનુભાવોના માનમાં યોજાતી લશ્કરી કવાયતોમાં લશ્કરી અધિકારી મહેમાનને સલામી આપવા માટે તેમનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રથા હાલમાં પણ પ્રચલિત છે.

બંદૂક, તોપ જેવાં શસ્ત્રોની શોધ થતાં તલવારનું મહત્વ ઘટતું ગયું, જોકે બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન જાપાનના સૈનિકોએ તેનો સારા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. યુરોપમાં દ્વંદ્વયુદ્ધમાં તલવારના બહોળા  ઉપયોગને લીધે તેને ફરી જીવતદાન મળ્યું છે. તેની સાથે કેટલીક નવી રમતો પણ શરૂ થઈ છે.

હસમુખ માણેકલાલ પટેલ

અનુ.બાળકૃષ્ણ માધવરાવ મૂળે